ઘણાં માતા પિતાની ફરિયાદ હોય છે કે બાળકો અમારું સાંભળતાં નથી. વળી બાળકો પણ “અમે મોટાં થઈ રહ્યાં છીએ” એ ભાવથી રહેતાં હોય છે.  બાળકો આમ માનીને ચાલે એમાં કશું ખોટું પણ નથી. એમનો વિકાસ થાય અને એ પુખ્ત બનતાં જાય, પોતાના નિર્ણયો પોતાની જાતે કરે એમાં કશું ખોટું પણ નથી. પરંતુ એમને પોતાની આસપાસની પરિસ્થિતિની સંપૂર્ણ સમજણ હોય એ શક્ય નથી. અમુક નિર્ણયો બાબતમાં એમણે માતાપિતા પર આધાર રાખવો જ પડે. સામાજિક શિષ્ટાચાર એમને માતાપિતા જ શિખવાડી શકે છે. તેમ અમુક પરિસ્થિતિમાં એમને પોતાના વર્તનથી ઊભા થતાં જોખમોનો પણ અંદાજ ન આવી શકે. પોતાના આવેગો અને લાગણીઓ પર નિયંત્રણ રાખતાં પણ એમણે શીખવું પડે. આ બધામાં માતાપિતાની જરૂર પડે. પણ એનો અર્થ એવો નથી કે માબાપે બાળકને કેળવવા માટેની પરંપરાગત પદ્ધતિઓ અપનાવવી જોઈએ. બાળકો પાસેથી પોતાનું ધારેલું કરાવવા માટે એમને ડરાવવાં, ધમકાવવાં, મારવાં કે ચીસો અને બરાડા પાડવા, એમને સજા કરવી — આ બધી રીતભાતો હવે જૂની થઈ છે. કડકાઈને બદલે પ્રેમપૂર્વકના આગ્રહથી એમની પાસેથી ધારેલું કામ કઢાવી શકાય. ધાકધમકી અને મારપીટથી તો કામ ન જ ચાલે.

તો માતા—પિતા તરીકે આપણે શું કરી શકીએ?

પ્રથમ તો ઘર્ષણનો પ્રસંગ ઊભો થાય ત્યારે બાળક સાથે વાતચીત દ્વારા રસ્તો કાઢવાનો વિકલ્પ અજમાવીએ. એને વિશ્વાસમાં લઈએ. એની રોજિંદી પ્રવૃત્તિઓનું એને આયોજન કરતાં શીખવીએ. દરેક કામની સમયમર્યાદા નક્કી કરવાનો એની પાસે આગ્રહ રાખીએ. અલબત્ત, આ કામ અપાર ધીરજ માગી લે તેવું છે. પોતાનાં દિવસભરનાં કામોનું આયોજન પોતાની જાતે કરવા માટે એને પ્રોત્સાહન અને સ્વતંત્રતા આપીએ; માત્ર જરૂર લાગે ત્યાં યોગ્ય સૂચનો કરીએ. તમારા હુકમને એ તાબે નહીં થાય. ઊલટું, સામું થશે. એને ઝટ મોટાં થવું છે. પોતાની સઘળી જવાબદારીઓ પોતાની મેળે સંભાળવી છે. એના કામમાં કોઈ દખલ કરે એ એને પસંદ નથી. આમ કરવાથી એ ચિઢાય છે. એને બદલે એની સાથે સમજાવટથી અને યોગ્ય રીતના સંવાદથી કામ લેવામાં આવે તો સહકાર આપે છે.

બીજી મહત્ત્વની વાત : તમે જો સંયુક્ત પરિવારમાં રહેતા હોવ અને તેના દરેક સભ્યની દિનચર્યા નિશ્ચિત હોય તો કુટુંબનાં બાળકો પર એનું સારું ઉદાહરણ બેસે છે. કુટુંબના અન્ય લોકો સૂવા, જાગવા, ખાવાપીવા, ટીવી જોવા કે પોતાનાં કામો કરવા માટે કુટુંબના નિયત સમયપત્રકને અનુસરતા હોય તો બાળકોને પણ તેમ કરવાની ફરજ પડશે. વળી એમની પાસેથી શું અપેક્ષિત છે એની જો એમને સ્પષ્ટ જાણ કરવામાં આવે તો ઘણો ફરક પડી શકે છે.

ત્રીજી મહત્ત્વની વાત : બાળકો સાથે સંવાદ કરતી વખતે માબાપે પોતાનો અવાજ ઊંચો નહીં કરવો જોઈએ. એમણે ધીમા, પણ મક્કમ અવાજે શરૂઆત કરવી જોઈએ. બાળકને જે પણ કહેવું હોય તે સ્પષ્ટ, પણ એ સમજી શકે તેવા શબ્દોમાં જણાવવું. એમાં આગળપાછળની બાબતોનો ઉમેરો કરીને વાતને ગૂંચવવી નહીં. વાત કરતી વખતે એની આંખોમાં આંખો મેળવવી અને જરૂર પડે તો હળવા સ્પર્શનો પણ ઉપયોગ કરવો. પોતાના અવાજમાં તાણ, ગુસ્સો કે અકળામણ લાવવાની જરાય આવશ્યકતા નથી…        બન્ને પક્ષ ગુસ્સામાં હોય ત્યારે વાત આગળ વધારવી નકામી છે. પ્રસંગની ગરમી હળવી થાય એની રાહ જોવી. જરૂર પડે તો સ્થાન છોડીને થોડા વખત માટે દૂર થઈ જવું વધારે સારું છે. બાળકનો ઉશ્કેરાટ શાંત પડયા પછી એને પણ પોતાની ભૂલ સમજાશે અને તમારી વાત સાંભળવાની તૈયારી બતાવશે. આ માટે એને પોતાને વિચારવા માટેનો થોડો અવકાશ અને સમય પૂરો પાડવો. પરસ્પરના ઘર્ષણની ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ માબાપનો પ્રેમ એની સાથે જ છે એની એને ખાતરી કરાવી શકાય તો આપોઆપ એનો સહકાર મેળવવામાં સુગમતા ઊભી થશે. હંમેશા પરિસ્થિતિ આપણા કાબૂમાં જ રહે એવું જરૂરી નથી. ગમે તેવી ધીરજથી કામ લેવા છતાં ઘણી વાર આપણી ધારણા અને અપેક્ષા કરતાં અવળું જ થતું જણાય ત્યારે આપણને ગુસ્સો આવે. ચીસો કે બરાડા પાડવાનું મન થાય. પણ આમ કરવું હિતાવહ નથી. એને બદલે માતાપિતાએ પણ પોતાની નબળી ઘડીએ બાળક આગળ સ્વીકાર કરી લેવો. કંઈપણ બોલવાને બદલે થોડા ઊંડા શ્વાસ લેવા, એકથી દસની મનોમન ગણતરી કરવી. એની પાસે બેસીને એનો હાથ પોતાના હાથમાં લેવો અને ઠંડે કલેજે અને હળવા સ્મિત સાથે એને કહેવું કે આજની ઘડી આપણા માટે બરાબર નથી. આપણે યોગ્ય નિર્ણય પર ન આવી શક્યા. હમણાં વાતને જવા દે. કાલે ફરીથી આ બાબતમાં વાત કરીશું.  વલણ અપનાવવાથી ચોક્કસ સારું પરિણામ આવશે. બાળક સાથેનો આપણો પાલક તરીકેનો સંબંધ જળવાઈ રહેશે. પરસ્પર કોઈ ખટાશ કે કડવાશ ઊભી નહીં થાય. બાળકને પણ સારું લાગશે. ભવિષ્યમાં એને માતાપિતાની વાત શાંતિથી સાંભળવાની આદત પડશે, પછી એ ભલેને એને અણગમતી કેમ ન હોય?

એને જાત પરનો કાબૂ શીખવવો હોય, એની જવાબદારીઓનું ભાન કરાવવું હોય, એના જીવનમાં નિયમિતતા આણવી હોય, સમસ્યાઓ ઉકેલવાની કેળવણી આપવી હોય, તેમ જ સ્વસ્થ જીવન ગાળતાં શીખવવું હોય તો દરેક માબાપે આ માર્ગ અપનાવવો રહ્યો.