આજના માતા—પિતાની એક કોમન ફરિયાદ છે કે તેમનું બાળક વ્યવસ્થિત રીતે જમતું નથી. બાળક માટે શરૂઆતનાં વર્ષોમાં પૌષ્ટિક ખોરાક ખાવો જરૂરી છે. બાળક આખો દિવસ કાર્યરત હોય છે. એની વધવાની ઉંમરમાં જો એને વ્યવસ્થિત રીતે ખોરાક ન મળે તો એની શારીરિક અને માનસિક ક્ષમતા પર અસર પડે છે. માટે બાળકને નાનપણથી જ જુદા જુદા ખોરાક ખાવાની ટેવ પાડવી જોઈએ. રોટલી—શાક—દાળ—ભાત અને સાથે સાથે જુદાં જુદાં ફળ અને લીલાં શાકભાજી ખાવાનું પણ એટલું જ મહત્ત્વનું છે. કહેવાય છે કે તમારી જમવાની ડીશમાં જેટલા જુદા જુદા રંગ એટલું તમારું ભોજન વધુ પૌષ્ટિક. બાળકને રોજ પ્રોટીન મળે, કાર્બોહાઈડ્રેટ્‌સ મળે અને જરૂરી બધાં જ વિટામિન મળે એ જરૂરી છે. માટે આપણે નાનપણથી જ બાળકને આ બધું જ ખાવની ટેવ પાડવી જોઈએ. આજકાલનાં બાળકોને પીઝા પાસ્તા બ્રેડ—બિસ્કીટ એવો બધો ખોરાક વધુ ભાવે છે. પરંતુ આ બધામાંથી બાળકને પૂરતું પોષણ મળતું નથી. એનો રોજનો ખોરાક એને ભાવે એ રીતે, પરંતુ બધાં જ પૌષ્ટિક તત્ત્વોથી ભરેલો હોવો જોઈએ. બાળક જો સમોસા માંગતું હોય તો તમે એના સમોસામાં બટાકાનો માવો ભરવાને બદલે ફણગાવેલા કઠોળ કે જુદી જુદી દાળનાં મિશ્રણ બટાકાની સાથે ભરી દો તો બાળકને એનું ભાવતું ભોજન પણ મળે અને સાથે જરૂરી પોષણ પણ મળે. આલુ પરોઠામાં થોડા ફણગાવેલા કઠોળનો માવો ઉમેરશો તો તેની પૌષ્ટિકતા જરૂર વધશે. લીલાં શાકભાજીથી બાળકને આયર્ન મળે છે.તમે પાલકની પૂરી—થેપલાં બનાવો. બાળકને સેન્ડવીચ ભાવતી હોય તો એમાં પણ તમે કઠોળ અને લીલાં શાકભાજી ઉમેરી શકો છો.       ગાજર, ટામેટા, કાકડી જેવા કચુમ્બરની પણ જો નાનપણથી ટેવ નાં પાડીએ તો પછી બાળકને સમજાવવું અઘરું પડે છે. બને ત્યાં સુધી મેંદાની વસ્તુઓ બાળકને ના આપો એ એનાં માટે જ સારું છે. એને ગમતી નાન તમે ઘરે ઘઉંના લોટથી બનાવી શકો છો. તમે જ વિચારો કે પાંચ રૂપિયાનાં જ્યારે આઠ બિસ્કીટ મળે તો એમાં કેટલું પૌષ્ટિક સત્ત્વ હોય. મને ખરેખર અચરજ થાય છે. જ્યારે કોઈ પણ બાળકને હું બટાકાની ચિપ્સનું આખું પેકેટ ખાઈ જતાં જોઉં છું ત્યારે એમનાં માતાપિતાની જવાબદારી માટેની સમજ પર મને ખરેખર શંકા જાય છે. અને બાળકને બહારના વધું મીઠા અને પ્રીઝરવેટીવ વાળા ખોરાકની ટેવ પછી એને ઘરની તળેલી કાતરીમાં સ્વાદ જ નથી લાગતો.  બહારની બનાવેલી કટલેસ કરતાં ઘરે બનેલી કટલેસ વધુ પૌષ્ટિક હોય છે. બહાર ભજિયાનું તળેલું તેલ ફેંકી ના દેતાં એનો સંગ્રહ કરી એને કટલેસ જેવી વસ્તુમાં વાપરવામાં આવે છે. કારણ એમને વધુ જ્થ્થામાં બનાવવાનું હોય, એટલે એમને આટલું બધું તેલ ફેંકી દેવું કદાચ ના પોસાય. અને ઘરે તમે કટલેસમાં પણ ચણા દાળ કે એવું પ્રોટીન યુક્ત કઠોળ ઉમેરી શકો છો. અતિરિક્ત પ્રમાણમાં ખવાતાં ચોકલેટ કે કેટબરી બાળકને માટે સખત હાનિકારક છે. આપણે જ બાળકને કોઈ પણ કામ માટે કે જમવાનું પૂરું કરવા માટે ચોકલેટની લાલચ આપી છે. નહી તો બાળક તો ગોળના ગાંગડામાં પણ ખુશ થઈ જાય.           ઘરની બનાવેલી ચિકકી બજારમાંથી લાવેલ ચોકલેટ કરતાં સો ટકા વધુ પૌષ્ટિક છે. આજકાલ “અમારા ફ્રીજમાં આઈસ્ક્રીમ તો હોય જ” એ એક સ્ટેટસ સિમ્બોલ, ગર્વની વાત કહેવાય છે. કદી પણ આઈસ્ક્રીમનાં ડબ્બા પરની સામગ્રીનું લિસ્ટ વાચ્યું છે? એમાં ચોકલેટ ફલેવર હોય છે કારણ ચોકલેટ એટલી મોંઘી છે કે દસ રૂપિયાની કેન્ડીમાં એ ક્યાંથી હોય? તમને નથી લાગતું કે ઘરે બનાવેલ ફ્રૂટ સલાડ એનાં કરતાં વધુ સારું? કે પછી મિલ્ક શેક. ઘરે દહીં બાંધીને શ્રીખંડ બનાવો. જ્યારે તમે ઘરે કાંઈ પણ બનાવો છો તો તમને ખબર છે કે તમે એમાં શું ઉમેર્યું છે અને તેલ મસાલા કે ગળપણની માત્રા તમે કંટ્રોલ કરી શકો છો.   અને એક વાર ગળ્યો સ્વાદ દાઢમાં પેસી જાય પછી એને કંટ્રોલ કરવો ખૂબ જ અઘરો છે. તમે બાળકનાં દાંતને તો નુકસાન પહોંચાડો જ છો પણ તમે એને કોઈ પણ સત્વ વગર માત્ર કેલરી આપો છો. પહેલાના વખતમાં બાળકોને ઘરમાં જે બને તે ખાવાની ટેવ પાડવામાં આવતી. દાળ ભાત શાક રોટલી સિવાય પણ ઘણા બધા કોમ્બિનેશન્સ પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર હોય છે. જેમ કે દાળ ઢોકળીમાં કાર્બોહાઈડ્રેટની સાથે પ્રોટીન પણ મળે છે. હાંડવો ઢોકળામાં દાળ અને ચોખાનું સંયોજન હોવાથી એ વાનગીની પ્રોટીન ક્વોલિટી વધુ સારી હોય છે. પહેલાંનાં બાળકોને પણ ગળ્યું ભાવતું હતું પરંતુ એમને બાજરીની કુલેર આપવામાં આવતી. બાજરી એ આર્યનનો એક સારો સ્ત્રોત છે. એટલે ગળપણની સાથે ખનીજતત્ત્વો પણ મળતાં. અમે નાનપણમાં કોપરું અને ગોળ ખાતાં. દાદી કહેતાં કે ઊંચાઈ વધશે. તે વખતે મારું હિમોગ્લોબીન કદી ઓછું નહોતું આવ્યું.  જેને આપણે પેનકેક કહીએ છે એ તો આપણાં દાદીની દાદીની દાદી પણ બનાવતાં હતાં. પેનકેક એટલે સાચું કહું તો પુડલો જ છે. પણ મીઠો પુડલો. એને માલપૂડા કહેવાય. અને મહારાષ્ટ્રીયન લોકોમાં એ જ માલપૂડા તવા પર ઓછા ઘીમાં બનાવવામાં આવે છે. આપણો ચણાનાં લોટનો પુડલો પણ એક પેનકેક છે અને આપણો ઢોંસો પણ પેનકેકનો જ એક પ્રકાર.  બાળકને તમે જ્યારે દૂધ રોટલી આપો છો ત્યારે એમાં દૂધના લીધે પ્રોટીન પણ ઉમેરો છો. મને તો નાનપણમાં મારા પપ્પાએ ચોળીને બનાવેલી દાળ રોટલી ખાવાની ખૂબ જ મજા આવતી. મારાં બાળકોને પણ હું દાળ રોટલી ચોળીને આપતી. બાળક જ્યારે જન્મે છે ત્યારે એને સ્વાદની સમજ હોતી નથી. આથી એનો સ્વાદ કેવો કેળવવો એ માતા પિતાના હાથમાં છે. તમે બાળપણથી જ એને પૌષ્ટિક ખોરાક સ્વાદિષ્ટ લાગે એ રીતે બનાવીને પીરસશો તો એ તમારા બાળકના સ્વાસ્થ્ય માટે ઘણું જ સારું છે.  નિશાળમાં મિત્રના ડબ્બામાં પોટેટો ચિપ્સ જોઈને લલચાતા બાળકને તમે એના પોતાના પૌષ્ટિક નાસ્તાની કિંમત સમજાવશો તો એ જરૂર સમજશે. જેટલું ધ્યાન તમે એના ભણવા પાછળ આપો છો, જેટલા પૈસા તમે એના ટયુશન માટે ખર્ચો છો, એના કરતાં અડધી કિંમતમાં તમે એને પૌષ્ટિક ખોરાક આપીને એની શારીરિક ક્ષમતા વધારી શકો છો. બાળકને ઓછા તેલમાં અને ઓછા મસાલાવાળી વાનગી આપશો તો એના જ માટે સારું છે. લીલાં શાકભાજીને ઓવર કૂક કરીને એટલે કે વધુ ચઢાવવાથી એમાંના પૌષ્ટિક તત્ત્વો ઓછાં થઈ જાય છે. કોઈ પણ ખોરાક વધુ રાંધવો નહીં.  શરીરનો બાંધો ભલે વારસાગત હોય, પરંતુ બાળકોની ઊંચાઈ અમુક ઉંમર પછી વધતી નથી. આથી એને પૌષ્ટિક અને પ્રોટીન યુક્ત ખોરાક આપીને એનો બાંધો મજબૂત બનાવો. આપણે એક નવી ગાડી લઈએ છીએ તો આપણે એના સીટ કવરનું ધ્યાન રાખીએ છીએ. એમાં સારામાં સારી મ્યુઝિક સિસ્ટમ નાંખીએ છીએ, એમાં સારી ક્વોલિટીના ટાયર નાંખવાનો આગ્રહ રાખીએ છીએ. અને પેટ્રોલ તો ઊંચી ક્વોલિટીનું જ જોઈએ. તો પછી જે શરીર આખી જિંદગી તમને સાથ આપવાનું છે, એમાં કચરો શા માટે ભરવો? એમાં શા માટે સારી ક્વોલિટીનું પેટ્રોલ નહીં નાખવું?

હજી પણ વાર થઈ નથી. વાલીમિત્રો જાગ્યા ત્યારથી સવાર. તમારા બાળકના સ્વાસ્થ્યના તમે જ કર્તાહર્તા છો. જેટલી એને સારી ટેવો પાડશો, એટલું એના સ્વાસ્થ્ય માટે તમારું ઇન્વેસ્ટમેન્ટ ગણાશે.