નાનાં બાળકો અને કુમળી વયના કિશોરો અનેક રીતે શોષણખોરીનો ભોગ બનતાં હોય છે. પોતાની હવસખોરી સંતોષવા માટે બાળકોનું જાતીય શોષણ કરવામાં આવ્યું હોય તેવા કિસ્સાઓ આપણાથી અજાણ્યા નથી. બાળકોનું જાતીય શોષણ કરવાના મોટા ભાગના (૭૫% થી વધારે) કિસ્સાઓમાં બાળકથી ચિરપરિચિત હોય તેવી વ્યક્તિઓ જ સંકળાયેલી હોય એવું જોવા મળે છે. કુટુંબનો જ કોઈ વડીલ, પડોશી કે શાળાનો શિક્ષક આવા ગુનામાં સામેલ હોય છે. છોકરીઓ તેનો સૌથી વધારે શિકાર બને છે. નાના બાળકને ફોસલાવી, લલચાવીને કે દબાવીને આવા કામ માટે વશ કરવામાં આવતું હોય છે. કમનસીબે કુટુંબની બદનામીના ડરથી આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા રોકવામાં આવે છે. પણ જાતીય શોષણનો ભોગ બનનાર બાળક તેના લીધે પારાવાર શારીરિક અને માનસિક યાતનાનો ભોગ બનતું હોય છે. એની કેટલીક અસરો તેને આજીવન ભોગવવી પડતી હોય છે. ઘણી વાર બાળકને દિવસો, મહિનાઓ કે અમુક વાર તો વર્ષો સુધી ધામધમકી હેઠળ રાખીને તેનું જાતીય શોષણ કરવામાં આવતું હોય છે. છોકરાઓની સરખામણીમાં છોકરીઓ તેનો વધારે ભોગ બનતી હોય છે. આ કાર્ય ધૃણાસ્પદ છે અને તેનો ભોગ બનનાર કુમળા અને અણસમજ બાળકને ન્યાય અપાવવા માટે અને આવો ગુનો આચરનાર વ્યક્તિને સજા અપાવવા માટે ફરિયાદ કરવી જરૂરી હોય છે.
બાળકોનું અને કિશોરોનું વિવિધ રીતે જાતીય શોષણ કરવામાં આવતું હોય છે, જેમાં તેનાં જાતીય અંગો સાથે ક્રીડા કરવી, તેને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર બનાવવું, બિભત્સ ચિત્રો અને વિડિયોગ્રાફીમાં તેનો દુરુપયોગ કરવો, તેમ જ તેને વેશ્યાગીરીમાં ધકેલવું વગેરેનો સમાવેશ થાય છે. બાળકો પરના જાતીય અત્યાચારમાં હવે તો ઈન્ટરનેટના માધ્યમનો પણ દુરુપયોગ થતો સાંભળવામાં આવે છે. આથી પોતાના સંતાનની સુરક્ષા માટે તેના માબાપે ખાસ તકેદારી રાખવી જરૂરી છે.
જાતીય શોષણનો ભોગ બનનાર બાળક કે કિશોર પર તેની અનેક જાતની માઠી અસરો પેદા થતી હોય છે :
જાતીય અંગોને ગંભીર ઈજા થવી.
જાતીય અવયવોમાં ચેપ લાગુ પડવો.
મૂત્રમાર્ગમાં ચેપ કે રોગ થવો.
માનસિક આઘાત લાગવો.
વર્તનલક્ષી સમસ્યાઓ ઊભી થવી.
બાળકના ભવિષ્યના જાતીય અને લગ્નજીવન પર તેની દૂરગામી અસરો પડવી.
હતાશા અને ચિંતાતુરતાનો ભોગ બની જવું.
આત્મહત્યાનો માર્ગ અપનાવવો.
આમાંથી બહાર આવવા માટે બાળકને મનોચિકિત્સા અને તબીબી ચિકિત્સાની જરૂર પડતી હોય છે. તેના માબાપે તેની અવગણના કરવાની કે સમાજના ડરથી તેને દબાવી દેવાની ભૂલ ન કરવી જોઈએ.
બાળકનું જાતીય શોષણ થયું હોવાની આશંકા પેદા કરનારાં ચિહ્‌નો
બાળકની ઊંઘ ખોરવાઈ જાય છે. તે ઊંઘમાંથી એકાએક જાણે કોઈ બિહામણું સ્વપ્ન જોયું હોય તેમ અવારનવાર છળી મરીને જાગી જાય છે, ચીસો પાડવા લાગે છે, પરસેવે રેબઝેબ થઈ જાય છે અને ધૂ્રજવા લાગે છે.
તેના વર્તનમાં ન સમજી શકાય તેવી આક્રમકતા પેસી જાય છે.
પેશાબમાં બળતરા, મળત્યાગમાં અતિશય પીડા થવી, પેશાબમાં અને યોનિમાર્ગેથી દુર્ગંધિત રસી આવવી.
ગુપ્ત ભાગમાં કે ગુદાસ્થાન આગળ ઈજાનાં ચિહ્‌નો જણાવાં.
ઊંઘમાં પેશાબ કરી દેવો.
ખાવાપીવાનું બંધ કરી દેવું. ખાવા બેસે કે એને અતિશય ઊબકાઓ આવવા લાગે છે.
અમુક જગ્યા કે સ્થાનનું નામ લેતાં કે તે સ્થાન પાસે જતાં અસાધારણ રીતે ડરી જવું.
ડર અને ગભરાટના અસાધારણ હુમલાઓનો ભોગ બનવું.
કોઈ ખાસ વ્યક્તિ સાથે એકલા પડવાનો કે રહેવાનો સંજોગ ઉપસ્થિત થાય એટલે આનાકાની કે પ્રતિકારનાં ચિહ્‌નો બતાવવાં.
મનપસંદ પ્રવૃત્તિઓમાં નિરસ બની જવું અને એકલતામાં સરી પડવું.
અભ્યાસમાં પાછળ પડવા લાગવું.
વર્તનની સમસ્યાઓ પેદા થવી.
પોતાના બાળ કે કિશોર વયના સંતાન સાથે જાતીય અત્યાચાર થયો હોવાનું ધ્યાનમાં આવે તો માબાપે શું કરવું જોઈએ?
આ એક ગુનો બને છે અને તે આચરનાર વ્યક્તિને યોગ્ય સજા થવી જોઈએ. સમાજમાં નાલેશી થવાના ડરથી જે માબાપ આવા કિસ્સાને દબાવી દે છે અને પોતાના સંતાનને ન્યાય અપાવતા નથી તે ખોટું કરે છે. એમાં પણ જ્યારે બાળકનું તેના કુટુંબની જ કોઈ વડીલ વ્યક્તિએ શારીરિક શોષણ કર્યું હોય ત્યારે તો બાળક ખોટું બોલે છે એમ માની લઈને અથવા કુટુંબની વ્યક્તિ પર શી રીતે પગલાં ભરી શકાય એમ માનીને તેને દબાવીને ચૂપ કરી દેવામાં આવે છે. આવું કરવાથી અત્યાચારનો ભોગ બનનાર બાળકને અન્યાય થાય છે.
અત્યાચારનો ભોગ બનનાર બાળક કે કિશોરની વાતને સાચી માનીને આગળ વધવું જોઈએ. આવી બાબતમાં તે કદી ખોટું બોલવાનો માર્ગ અપનાવે નહીં.
તેને પૂરેપૂરાં પીઠબળ અને હૈયાધારણ આપવાં જોઈએ. તેના ડર અને ગુનાહિતપણાના ભાવને દૂર કરવાનો માબાપે પ્રયાસ કરવો જોઈએ. આમાં એની કોઈ ભૂલ કે ગુનો નથી એવી એને ખાતરી આપવી જોઈએ.
બાળકની કથની સાંભળ્યા પછી એને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવાનો ભરોસો આપવો જરૂરી છે. બાબતને ટાળવાનો કે પાછી ઠેલવાનો પ્રયત્ન કદી ન કરવો જોઈએ. એને ત્વરિત કૌટુંબિક, કાનૂની, તબીબી અને મનોચિકિત્સકીય મદદ પૂરી પાડવી જોઈએ. કેવળ બાળકને જ નહીં, પણ એના કુટુંબને પણ તબીબી અને મનોચિકિત્સકીય સહાયની જરૂર પડી શકે છે. આવા કિસ્સાઓમાં અત્યાચારનો ભોગ બનેલા બાળકની વ્યક્તિગત મનોચિકિત્સા ઉપરાંત ગુ્રપ થેરાપી તેમ જ ફેમિલી થેરાપી ખૂબ ઉપયોગી થાય છે. જેટલું મહત્ત્વ આમાં તબીબી સારવારનું છે એટલું જ, અથવા એનાથી વધારે મનોચિકિત્સાનું રહે છે, કેમ કે બાળકના મન પર થયેલો આઘાત દૂર કરવામાં ન આવે તો એની એના વ્યક્તિત્વ પર કાયમી માઠી છાપ રહી જવા સંભવ રહે છે.
બાળક રડી રહ્યું છે એમ કહેવાને બદલે તે કંઈક કહી રહ્યું છે
એમ સમજનારી માતાને “સોળ આની માતા” સમજવી જોઈએ.
– મહાત્માભગવાનદીન