હજી તો પરીક્ષાનો બેલ પડયોને અંશિની હાંફતી મારી ઓફિસમાં આવી. “બેન ! મને જુદી બેસાડોને ! મને ઈન્ફેકશન થયું છે. મારાથી શ્વાસ નથી લેવાતો”

મને થયું, “વાત તો સાચી છે, શરદી કે કાંઈ વાઈરલ ઈન્ફેકશન હોય અને બીજાને ચેપ લાગે તે કરતાં એવી વ્યવસ્થા કરવી સારી…” ત્યાં તો તેણે કહ્યું… બેન ! મારાથી શ્વાસ લેવાતો નથી, પણ મને શરદી નથી થઈ…”

પેલો પાર્થ પેપરને માંડ કલાક થયો હશે ને એકદમ હાંફતો હાંફતો મારી ઓફિસમાં આવ્યો, “બેન ! મને છાતીમાં સખત દુઃખે છે, શ્વાસ લેવાતો નથી…”

“આવું ક્યારેય થાય છે ખરું?” “ના ખાસ નહીં. પણ ક્યારેક થાય છે ખરું.” મને ડર લાગ્યો કે ક્યાંક કંઈક વધુ તબિયત બગડે તો ! અને મેં તરત જ તેની મમ્મીને ફોન કર્યો. મમ્મી આવતા સુધી તેને મારી ઓફિસની સામે જ બેસાડયો, અને થોડી જ વારમાં બહાર જઈને જોયું તો શ્વાસ લગભગ બેસી ગયેલો, લગભગ સ્વસ્થ જેવો તે જણાતો હતો. પરીક્ષાની બીક આપણે બાળકો નાનાં હોય ત્યારથી જ તેમનામાં કેવી બેસાડી દઈએ છીએ? પહેલાં ધોરણમાં બાળક હોય, અને પરીક્ષાનો કાર્યક્રમ આવે ને માનું ટોકવાનું શરૂ થઈ જા્ય, “હવે ભણવા બેસ, નહીં તો પરીક્ષામાં નાપાસ જ થશે.” જાણે કે પરીક્ષાનાં માર્કસ્‌ મેળવવાં માટે જ બાળકોને આપણે ભણાવતાં ન હોઈએ ! વારંવાર મેં કહ્યું છે કે પરીક્ષાના માકર્સ એ જ છોકરાની હોંશિયારીનો અંદાજ કાઢવાની પારાશીશી નથી પણ આપણે તો બાળકોને આપણી પ્રતિષ્ઠાનાં પ્યાદાં બનાવી દીધાં છે. “મારા નિશાંતને ખૂબ સરસ માકર્સ આવ્યા.” કહી આપણે સમાજમાં ગૌરવભેર ડોક ઊંચી રાખીને ફરવું છે અને એટલે પરીક્ષાનો પ્રોગ્રામ આવે ત્યારથી તેની પર માનસિક દબાણ ચાલુ થઈ જાય છે. છોકરું છે, થોડું રમવાનુંય મન તો થાય, આ ક્યાં યુનિવર્સિટીની પરીક્ષા છે તે સતત વાંચ્યાં કરે ! પણ આપણે એ સમજીએ તો ને! પરિણામે પરીક્ષાનો પ્રોગ્રામ આવે ત્યારથી જ માબાપ અને બાળકો બધાં જ ટેન્શનમાં આવી જાય છે. પરિણામે કોઈકને ઊલટીઓ થવા માંડે, કોઈકને માથું દુઃખે, કોઈકને પેટમાં દુઃખે, તો વળી કોઈકને શ્વાસ ચડે, બાળક તો તંદુરસ્ત જ હોય ને! એને વળી આવું કશું ક્યાંથી થાય ! પણ પરીક્ષાનો “હાઉ” ઊભો કરવામાં આવે છે તેનાથી બાળકની તબિયત પર ખૂબ વિપરીત અસર થાય છે. એટલું જ નહીં પણ ભણવા તરફ તેને અણગમો ઉભો થાય છે. ઈશ્વરે માનવમાત્રમાં જીજ્ઞાસા મૂકી છે અને એટલે એને નવું નવું જાણવાની સાહજીક રીતે જ ઈચ્છા થાય, તેને ભણવું શું કામ ન ગમે? પણ આપણે જ પરીક્ષા પરીક્ષા કરી ભણવા માટેનો અણગમો ઊભો કરીએ છીએ, અને એટલે જ વારંવાર વિચાર આવે છે કે આનાં કરતાં તો શ્ુરુપ્રુસ્િેંં ત્ેંસ્ત્ જ લીધો હોય તો !!! આમે ય પરીક્ષાનાં માકર્સ એ જ વિદ્યાથીૅને માપવાની પારાશીશી તો છે જ નહીં તો પછી એનાં માથે આવું ટેન્શન ઊભું કરી અને ભણવા તરફ અણગમો શા માટે ઊભો કરવો !!! શિક્ષણ જ્ઞાન માટે છે કે પરીક્ષાનાં માકર્સ માટે?બહુ વિચારવા જેવો પ્રશ્ન છે.

અને તે ય હજી ઓછું હોય તેમ આટલાં નાનાં બાળકો માટે માંડ દોઢ બે કલાકનું પેપર પૂરું થવા આવે ત્યાં માબાપની દૂધ અને નાસ્તો લઈને આવવાની દોડધામ ચાલુ થઈ જાય. “બિચારો! પાર્થ પરીક્ષાનાં ટેન્શનમાં સવારે જમ્યો જ નથી.” અને ત્યારે મારાથી સહેજે પુછાઈ જાય છે કે “આ શું બોર્ડની કે યુનિવર્સિટીની પરીક્ષા છે?” નિજાનંદની મસ્તીમાં મહાલતાં બાળકોને માબાપ પરીક્ષાનો “હાઉ” ઉભો કરીને એમનામાં કેટલો માનસિક તણાવ ઊભો કરે છે ! જે પરીક્ષાનો વારંવાર સામનો કરવાનો છે તે તરફ સાહજીક અભિગમ નહીં અપનાવીએ તો આપણાં જ સંતાનો આખાય વિદ્યાર્થીકાળ દરમ્યાન સતત હેરાન થયા જ કરશે. આને માટે જવાબદાર તો આપણે જ છીએ ને !