અને શિક્ષણનો અધિકાર કોને?
શાળ એ કાંઈ માત્ર ઈંટો નથી, ચૂનો નથી; પથ્થર નથી, લોખંડ નથી, ઈમારતી લાકડું નથી; કાચ નથી, રંગો નથી.
તેમ શાળા કાંઈ ચોપડીઓ નથી, સાહિત્યો નથી; મેજ, ખુરશી કે પાટલીઓ નથી.
વળી, માત્ર વિદ્યાર્થીઓ નોંધાય અને શિક્ષકો નિમાય એટલે જ શાળા કાંઈ શાળા બની જતી નથી.
અને શાળા એ પેખવાની વસ્તુ નથી, પરખવાની વસ્તુ છે.
શાળા તો માનવીએ તેના બૂરાઈઓ પર મેળવેલા વિજયનું મહાન સ્મૃતિમંદિર છે. ધીરજ અને ખમીર, નિશ્ચલતા અને શિસ્ત એના સ્તંભો છે. શાળા તો શુચિતા, નિર્મળતા, સેવા, સમર્પણ અને ભવ્યતાની શાશ્વત સંજ્ઞા છે.
શાળાનું કાર્ય પ્રેરવાનું, સર્જવાનું, રૂપાંતર કરવાનું છે; માનવીનું વ્યક્તિત્વ સોળેય કળાએ ખીલી ઊઠે એવો ઘાટ આપવાનું છે.
વળી, શાળાનું કાર્ય બાળક પોતાના અસ્તિત્વનો આનંદ માણી શકે, વ્યક્ત કરી શકે અને વિસ્તારી શકે એવી શક્તિનો તેનામાં સંચાર કરવાનું છે.
અને શાળાનું કાર્ય તો ઉપદેશ અને આચાર વચ્ચે એક સેતુ બની રહેવાનું છે.
અને વળી, શાળાએ તો એક મંદિર બની રહેવાનું છે; એવું મંદિર કે જ્યાં અગોચરને ખેડવાની માનવીની અદમ્ય ઈપ્સારૂપી શાશ્વત અગ્નિની જ્યોત સદાય ચેતેલી જ રહેતી હોય.
અને એટલે જ તો, સ્વભાવે સફરખેડુ એવા માનવીને સૃષ્ટિની નવી નવી સીમા અને અવનવા વનવગડાની તરફ જતી જીવનની પગદંડીએ ચડાવવાનું કામ શાળાનું છે. અને વળી શાળાનું કામ તો માનવીઓનું ચણતર કરવાનું છે; એવાં માનવીઓનું ચણતર કરવાનું છે કે જેમનામાં ભવ્યતા છે, ઉચ્ચતા છે; જેમને પોતાનું હૃદય, પોતાનો અંતરાત્મા છે; જેમણે જીવવા અને મરવા માટેના આદર્શો પોતાની આંખ સામે રાખેલા છે; જેમની પાસે સાચું બોલવાની હિંમત છે અને નિરાશા અને ભયંકરતાનો સામનો કરવાની અખૂટ તાકાત છે, જેમની પાસે દૃષ્ટિ છે, જેમણે અંતરાત્માને સાક્ષી રાખી અને ઈશ્વરને માથે રાખી, સેવા અને સ્વાર્પણની ભાવનાથી કામ કરવાનું વ્રત લીધેલું છે.
અને એમ તો શાળાનું કાર્ય વિધ્વંસક વાસનાઓ, વિલાસી વૃત્તિઓ અને ગોઝારી ધૂનોવાળાં તરંગી મનુષ્યોને સંપૂર્ણપણે સુધારી, નવો અવતાર આપીને નવાં માનવીઓનો એક નવો પરિવાર રચવાનું છે — વિલોપન અને સર્વનાશને પાત્ર એવા સમાજના ભંગાર અને કચરામાંથી એક નૂતન પરિવાર રચવાનું છે; એવો પરિવાર કે જેમાં સભ્યો આ પૃથ્વી પર દૃઢતાથી અને ભવ્યતાથી, પોતાના ખભા ઉપર પોતાનાં મસ્તકો સારી રીતે ઊંચાં રાખીને, તેમને પગે જાણે પાંખો ફૂટી હોય તેવા વેગવંતા થઈને, તેમના હૈયામાં હામ ભરીને, દૃષ્ટિમાં દીપ્તિ ભરીને અને સ્વપ્નમાં તેજ ભરીને કૂચકદમ કરી શકે.
શાળાનું કાર્ય તો સ્વાસ્થ્ય અને સ્ફૂર્તિ માટે, ચેતના અને ડહાપણ માટે, સાહસ અને જ્ઞાનની ખેવના માટે, ઉત્સુકતા અને શ્રદ્ધા માટે, ક્ષમતા અને સહિષ્ણુતા માટે, સૌંદર્ય અને ચારિત્ર્ય માટે, ધૈર્ય અને વ્યક્તિગત માટે ઊગતી માનવ પ્રજાને ઉછેરવાનું છે.
વળી, શાળાનું કાર્ય તો એને બારણે આવીને ઊભો રહે એવા પ્રત્યેક બાળક માટે સાંસ્કૃતિક વારસો, બૌદ્ધિક મોભો, નવસંસ્કૃત દૃષ્ટિ, અભિજાત અભિવ્યક્તિ, ફરજની ઉચ્ચ ભાવના, સેવાની સ્વાભાવિક ઉત્સુકતા, ચિંતનશીલ અને સર્જનપ્રિય ચિત્ત, વિશાળ મન, આત્મસંયમ અને શિસ્ત અર્પવાનું છે — આત્મસાક્ષાત્કારની વાંછા જગાવવાનું છે. અને અવશ્ય શાળાનું કાર્ય તો માનવીનું મૂલ્ય અને તેનો મોભો વધારવાનું છે, તેનામાં પાત્રતા પ્રકટાવવાનું છે.
શાળા તો માનવીના સંપૂર્ણ વ્યક્તિત્વના પ્રત્યેક પાસાને પ્રતિબિંબિત કરતું સર્વાંગીણ રૂપાન્તર કરવા માટે છે. એ રૂપાન્તરને તે એવું તો સંપૂર્ણ બનાવશે કે તેનો અંશ માત્ર પણ અખંડશો લાગશે જ્યારે તેનું અખંડ સ્વરૂપ માનવીની સિદ્ધિના એક સંપૂર્ણ એકમશા અંશની વિસ્તૃત છબી સરીખું બની રહેશે — કેળવણીના અનંત ક્રમના પ્રતીક સમું આ તેનું અંતિમ ધ્યેય બની રહેશે.
અને શાળાનું કાર્ય તો તણાયેલાં અને ત્વજાયેલાંઓને માટે દીવાદાંડી થવાનું છે. આતતાયીઓની બુદ્ધિને યોગ્ય માર્ગે કામ કરતી કરવાનું છે જેથી તેઓ તેમનાં પોતાનાં બાવડાંને બળે જડતા અને નિરાશાના ખડકો સાથે ક્રૂરતાથી અફાળીને તેમનો નાશ કરી શકે તેવાં મોજાં અને ઘૂમરી ખવરાવતાં વમળો વચ્ચે થઈને, તરીને પાર નીકળી શકે એવી શ્રદ્ધા તેમનામાં જગાવવાનું છે.
ખરેખર, શાળાનું કાર્ય તો માનવ — પ્રાણીને માનવ — માનવી બનાવવાનું છે; એવી માનવતાભર્યો માનવી કે જે તેના વિશ્વપરિવારને ઉપયોગી અને વફાદાર રહેશે અને જેની વિશ્વસનીયતા અને નિશ્ચલતા સર્વોચ્ચ રહેશે.
અને જે શાળા અભ્યાસક્રમની ઓેથે રહીને વિષયો શીખવી દે છે એ કેળવણીનું કાર્ય કરી રહી છે એમ નિશ્ચિતપણે તો ન જ કહી શકાય. કેળવણીનું કાર્ય માત્ર જ્ઞાનતંતુ અને સ્નાયુઓના સફળ સમન્વય પૂરતું પણ મર્યાદિત નથી; પરંતુ એના સાફલ્યની અબાધિત શરતોમાં ભાવાત્મક ઐક્ય અને શાણપણ, સંસ્કારિતા અને ભવ્યતા, પરખવાની કળા અને લાગણીની ઉત્કટતા, અગાધ ડહાપણ અને અસત્માંથી સત્, અન્યાયમાંથી ન્યાય, બૂરાઈમાંથી ભલાઈ, વિરૂપતામાંથી સુંદરતા અને ક્ષણિકતામાંથી શાશ્વતતા ઓળખી કાઢવાની અખૂટ શક્તિના વિકાસનો સમાવેશ સ્વાભાવિક રીતે જ થવો જોઈએ.
અને શાળાનું કાર્ય તો એક એવું વિચાર સભર વાતાવરણ સર્જવાનું છે કે જેના દ્વારા માનવીના હૈયાની ધરતીમાં જે વિચારો વવાશે તેમાંથી સદ્ગુણોનો અપૂર્વ પાક નીપજશે.
વળી શાળાનું કાર્ય તો એક એવું સૌંદર્ય સભર વાતાવરણ રચવાનું છે કે જેમાં માનવ હૃદયમાંથી આવેગ પામતી પ્રત્યેક ઊર્મિ સંપૂર્ણ અને શાશ્વત સૌંદર્યના સૂક્ષ્મ સ્વરૂપશી બની રહેશે.
અને શાળાનું કાર્ય તો એક એવા સંસ્કાર સભર વાતાવરણની રચના કરવાનું છે કે જેમાં માનવીમાં રહેલી ખાનદાની તેની સર્વોચ્ચ કક્ષાએ વિકસી રહેશે.
અને એ જ પ્રમાણે શાળાનું કાર્ય એક એવા અધ્યાત્મસભર વાતાવરણનું સર્જન કરવાનું છે કે જેમાં ઈશ્વરના સાક્ષાત્કારને ઝંખતો માનવીનો આત્મા ૠષિની વાણી પુકારી ઊઠશેઃ
રૂકો વશી સર્વ ભૂતાન્તરાત્મા
રૂકં રૂપં બહુધા યં કરોતિ ।
તમાત્મસ્થં યેડનુગ્શ્યન્તિ ધીરાસ્
તેષાં સુખં શાશ્વતં નેતરેષામ્ ॥
તેથી જ તો શાળાના વાતાવરણમાં જ્ઞાન એ ઈશ્વરની અનુભૂતિશું પ્રેરક હશે, વિચારો શાશ્વતતાની લહરીઓશા અખૂટ હશે અને સૌંદર્ય સત્વના સંપૂર્ણ રૂપશું અનંત હશે.
અને શાળાનું કાર્ય માનવીના અસ્તિત્વરૂપી નાવને શાશ્વતતાના મહાસાગર ઉપર હંકારી દેવાનું રહેશે જેથી કરીને જીવનના સૂર્યાસ્તને ટાણેય ક્રંદનાત્મક ગર્જન કરતા અર્ણવનો આકરો ઓવારો ઓળંગવાને સમયે પણ સઢ અને સુકાન ઉપરનો કાબૂ તેનો પોતાનો જ હશે.
તે જ શાળાનો પાયો મજબૂત છે જે જીવનની મજબૂત શિસ્ત ઉપર રચાયેલ વિચાર અને કર્મના સ્વાતંત્ર્યની વિશિષ્ટતા ધરાવતા સંસ્કૃત સમાજનો પાયો નાંખી શકે છે.
ખરે જ, શાળાનું કાર્ય શીખવવા કરતાં કેળવવાનું વિશેષ છે, અને કેળવવા કરતાંય સર્જવાનું વિશેષ છે.
તેથી જ, શાળાનું કાર્ય નવાં માનવીઓને સર્જવાનું છે — એવા નવા માનવીઓ કે જેમને અજ્ઞાન અને જડતાનાં બંધનોમાંથી કેળવણી જ મુક્ત કરી શકશે. લોભ અને મોહના મૃગજળમાંથી કેળવણી જ તેમને બચાવી શકશે; અને માયા તેમજ દુષ્ટતાના કાદવમાંથી કેળવણી જ તેમને ખેંચી કાઢી શકશે; જેથી નવા માનવીઓનો એ પરિવાર પોતાના આદર્શોને પોતે જ સંસ્થાપશે અને એ આદર્શોને આંબવા માટે આશાથી, શ્રદ્ધાથી, ધૈર્યથી અને ચેતનાથી ઉન્નત મસ્તકે પ્રકાશના શાશ્વત પ્રભાતમાં પુરુષાર્થ બની રહેશે.