માતૃભાષાનું મહત્વ
દર વર્ષે ૨૧ ફેબ્રુઆરીને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ તરીકે જાહેર કરાયો છે. કહેવાય છે કે મનથી બોલાય એ માતૃભાષા અને મગજથી બોલાય એ પરભાષા. કોઈએ ખૂબ જ સુંદર કહ્યું છે કે “મા” ના ધાવણ પછી જો કોઈ શ્રેષ્ઠ ટોનિક હોય તો તે માતૃભાષા છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. કવિ ખબરદાર કહે છે… “ગુર્જર વાણી ગુર્જર લ્હાણી, ગુર્જર શાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉધમ પ્રીત”. કવિ નર્મદે પણ ખૂબ જ સરસ કહ્યું છે “મને ફાંફડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી… પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે.” નેલ્સન મંડેલા કહે છે કે “કોઈ માણસને તમે એ સમજે એવી ભાષામાં બોલો તો મસ્તક સુધી જાય છે, પણ તેને તમે એની માતૃભાષામાં સમજાવી શકો તો એ હૃદય સુધી પહોંચે છે.” આ સિવાય પણ આપણા ગુજરાતી લેખકો અને કવિઓએ આપણી ગુજરાતી માતૃભાષા વિષે ઘણું બધું કહ્યું છે, જે વાંચ્યા પછી આપણને બધાને આપણી માતૃભાષા પ્રત્યે માન, સન્માન અને લાગણી પેદા થયા વગર રહી શકે એમ નથી.
વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે અમે ચેતન બાલવાડીના વાલીઓ સાથે “માતૃભાષામાં ભણતર” અને “માતૃભાષામાં મહત્ત્વ” વિષે એક પ્રયોગ હાથ ધરેલ. અને અમને જાણીને ઘણી ખુશી થઈ કે ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે હજી વાલીઓની સંખ્યા ઘણી છે. વાલીઓ દ્વારા માતૃભાષા વિશેના તેમના અભિપ્રાયો ખૂબ જ પ્રશંસનીય છે. તેમાંથી એક વાલી શ્રી સુનિલ પટેલનો પ્રતિભાવ અહીં પ્રસ્તુત છે.
માતૃભાષા એટલે મારી ભાષા. માતૃભાષા એટલે મારી માતાની ભાષા. માતાના ગર્ભમાંથી જ જે ભાષાનું જ્ઞાન મને થયું તે એટલે મારી માતૃભાષા.
જે ભાષાએ મને બોલતાં શીખવ્યું, જેના શબ્દો મને પોતીકા લાગે છે, જે ભાષામાં મમતા અને વાત્સલ્ય બંને છે તે એટલે મારી માતૃભાષા. જે ભાષા એક માતાની જેમ મારી સંભાળ રાખે છે, મારી કાળજી કરે છે, તે છે મારી માતૃભાષા.
દરેક વ્યક્તિના જીવનમાં જ્ઞાનનો આરંભ માતૃભાષાથી જ થાય છે. વ્યવહારનું જ્ઞાન દરેક વ્યક્તિ માતૃભાષામાં સહજતાથી મેળવે છે. માતૃભાષામાં જ વ્યક્તિનો સર્વાંગી એટલે કે માનસિક, બૌદ્ધિક, ભાષાકીય વિકાસ સરળતાથી થઈ શકે છે. મનના ભાવોને માતૃભાષામાં સરળતાથી વ્યક્ત કરી શકાય છે. વળી સંકટના સમયે કે દુઃખના સમયે તો મુખમાંથી માતૃભાષામાં જ સહજ ઉદ્ગારો સરી પડે છે.
માતૃભાષા એ માતાના દૂધની સમાન પવિત્ર અને સ્વાસ્થ્યવર્ધક છે. વિચારોની મૌલિકતા અને વિચારોની સ્પષ્ટતા માતૃભાષામાં સરળતાથી મેળવી શકાય છે.
“માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ મળે તો બાળકનો સર્વાંગી વિકાસ થઈ શકે છે.”
મહાનુભાવોના આ અનુભવકથનને ચેતન બાલવાડી દ્વારા સાકાર સ્વરૂપ મળ્યું છે.
માતૃભાષામાં શિક્ષણની આ પ્રથમ પગથી બાળકનો સર્વાંગી વિકાસ અવશ્ય સાધશે કારણ કે દરેક બાળક પોતાની માતૃભાષામાં પોતાના મનના ભાવોને અહીં સરળતાથી વ્યક્ત કરતો હોય છે.
બાલવાડી દ્વારા કરાવવામાં આવતી પ્રવૃત્તિઓથી બાળકોનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે કારણ કે બાળઉછેરના તમામ આયામોનો વિચાર કરીને માતૃભાષામાં વિવિધ પ્રવૃત્તિઓને આકાર આપીને બાળવિકાસની દિશામાં અગ્રેસર છે.
માતૃભાષાનું મહત્ત્વ ચેતન બાલવાડીના શિક્ષકગણ સવિશેષ જાણે છે અને એટલે જ એમના માર્ગદર્શનથી બાળકોની અંદર માતૃભાષા વિશેની લાગણી પ્રગટ થાય છે. મહામારીના આ સમયમાં પણ બાલવાડીના સંચાલકો અને શિક્ષકગણ ખૂબ જ મહેનત પૂવર્ક અને રુચિ પૂર્વક બાળકોને માતૃભાષામાં અનેકવિધ પ્રવૃત્તિઓ, બાળગીતો, વાર્તાઓ, સંવાદ અને વિવિધ સંકલ્પનાઓ શીખવી રહ્યા છે જે સરાહનીય છે.
આજે ચારે તરફ જ્યારે બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની હોડ લાગી છે તેવા કાળમાં માતૃભાષાનું મહત્ત્વ સમજીને બાળકનો વિવિધ પ્રવૃત્તિઓ અને અલગ — અલગ ક્ષેત્રના મહાનુભવો સાથે શિબિર અને સંવાદ દ્વારા બાળકો વિવિધ ક્ષેત્રમાં અગ્રદૂત બને તે માટે બાલવાડી બાળકો અને તેમના વાલીમિત્રોને પ્રોત્સાહિત કરતી રહે છે.
બાલમૂર્તિ સામયિકનો માસિક અંક વાલીઓને નિયમિત મોકલાવીને બાળ ઉછેરની બારાક્ષરીનું “ચેતન બાલવાડી” માતૃભાષામાં પોષણ કરી રહી છે. માતૃભાષાના વાત્સલ્યનો આ અવિરત પ્રવાહ “બાલમૂર્તિ” અને “ચેતન બાલવાડી” દ્વારા સતત વહેતો રહે અને અમારા જેવા અભિભાવકો અને એમનાં બાળકો આ અસ્ખલિત પ્રવાહનો પ્રેમ મેળવતા રહીએ એવી અભ્યર્થના કરીએ.
પ્રતિભાવના અંતમાં માતૃભાષા વિશે એટલું જરૂર કહેવું છે
“મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે.
ભૂંસવા ક્યાં દીધો કક્કો? હજી પાટીમાં રાખ્યો છે.
કંઈ કેટલાય મલક ખૂંધ્યા, બધાની ધૂળ ચોંટી પણ,
મેં હજુયે મારો ધબકારો ગુજરાતીમાં રાખ્યો છે.”
અને એટલે જ
“જેને વાંચવાથી મળે છે જીજીવિષા,
જેને સાંભળીને નથી આવતી કદી નિરાશા,
જેને લખવાથી મળે છે નૂતન આશા,
એવી પોષક અને પ્રેમાળ છે મારી માતૃભાષા.”