“આ બચુડી આજ કજિયો કેમ કરે છે?”
“બાઈ, બચુડી તો બચુડી છે! ઈ મીઠું મીઠું બોલે ત્યાં સુધી; વટકી તો પછી થઈ રહ્યું.”
“ઊં ઊં ઊં.”
“શું છે બચુડી? શું છે બાપા?”
“ઊં ઊં ઊં.”
“એમ ઈ નઈં બોલે. એમ તો ઉનાની ઓલી કોરની છે.”
“બચુ બાપા, શું છે? શું જોવે છે?”
“ઊં … ઊં … ઊં.”
“હવે છાની રહે છે કે?”
“ઊં … ઊં … ઊં.”
“એમ ઈ કાંઈ છાની રે,શે? એમ તો છોકરાં બમણાં થાય.”
“જોઉં ફરી પૂછવા દે શું છે, બચુબેન, શું છે? આવો મારી પાસે આવો; મને કહો જોઈએ?”
“ઊં … ઊં … ઊં, ટમટો…”
“ટમટો? “ટમેટો” શું બેન?”
“ભાઈ, આ શું માગે છે?”
“લ્યો આ ચમચો. આ જોવે છે?”
“નહિ એમ નહિ.”
“ત્યારે?”
“એમાં એમ છે કે મેં ચમચો મંગાવ્યો ને બબુ લઈ આવી એટલે હવે બચુ કજિયો કરે છે.”
“ત્યારે એમ કહોને! બચુબેન, તમારે ચમચો લાવવો હતો?”
“હં… અં.”
“તે લાવોને, ના કોણ પાડે છે! લ્યો હું ચમચો હતો ત્યાં પાછો મૂકી દઉં; બસ! હવે લાવો જોઈએ.”
બચુઃ “બા, લે આ ટમટો ટાલે જોવે છે ને?”
બચુબેન રડતાં રહી ગયાં ને ચમચો આપી રાજી થયાં.