બાળક પોતાના સામાજિક ઉછેર દરમિયાન કંઈ કેટલીય વસ્તુઓ, આદતો, રીત—રિવાજો વગેરે શીખતું હોય છે. એના માટે બધું જ સારું અને બરાબર જ હોય છે. અમુક આદતો સારી છે કે ખરાબ એનો એને ખ્યાલ એને આપણે જે તે આદત કે વર્તન માટે એનાં વખાણ કરીએ છીએ કે એને ધમકાવીએ છીએ તે જોયા પછી જ આવે છે. ત્યારબાદ એક ખૂબ જ રસપ્રદ ઘટના બને છે. આપણને ન ગમતું વર્તન કે ન ગમતી બાબતનો બાળક આપોઆપ જ ત્યાગ કરતાં શીખે છે, જ્યારે જેના માટે એને શાબાશી મળી હોય છે, તેવાં લક્ષણોને એ અપનાવી લે છે. અને એ બધાની આસપાસ પોતાનું વર્તન ગોઠવે છે.

અમુક બાળકો આ પ્રક્રિયામાં નિષ્ફળ નીવડે છે. એના માટે બાળક ઉપરાંત સંજોગો, બાળકના વાતાવરણનાં પરિબળો વગેરે અનેક વસ્તુઓ જવાબદાર હોય છે. આપણને ન ગમતી હોય, આપણે વારંવાર ટોકીએ છતાં પણ જાણે અંદરથી કંઈક ફરજ પડતી હોય તે રીતે બાળક આવી આદતોને પકડી રાખે છે. અંગૂઠો ચૂસવો એ એક આવી જ આદત છે. (અન્ય ખરાબ આદતો પણ વત્તે—ઓછે અંશે આવું જ કંઈક સૂચવે છે.)

અંગૂઠો ચૂસવો (Thumb Sucking) એ એક વિચિત્ર આદત છે. આપણને નવાઈ લાગે કે હાથના અંગૂઠામાં એવું તો શું હશે કે બાળકો અદ્‌ભુત આનંદપૂર્વક એ ચૂસતાં હશે? અને એ પણ એટલી હદે અંગૂઠાના બંધાણી થઈ જતાં હોય છે કે એ ટેવ છોડાવવી પણ ખૂબ જ અઘરી થઈ પડે છે. એમાંથી કંઈ પણ ન નીકળતું હોવા છતાં એ લોકો રસપૂર્વક ઘૂંટડા ઉતારતાં હોય છે.

બાળકો અંગૂઠો શું કામ ચૂસે છે ? : આ માટેનું કોઈ એકાદ કારણ નથી. ઘણાં બધાં કારણોના મિશ્રણરૂપે બાળક અંગૂઠો ચૂસતું હોય છે. થોડાંક કારણો જે મનોવિજ્ઞાનીઓ સમજી શક્યા છે, તે નીચે પ્રમાણે છેઃ

મોટાભાગનાં બાળકો આશરે ત્રણ મહિનાની ઉંમરની આસપાસ જ અંગૂઠો ચૂસવાનું શરૂ કરી દે છે. આટલી નાની ઉંમરે બાળક જ્યારે ભૂખ્યું થાય અને એને ચૂસવાની ઇચ્છા થાય ત્યારે અંગૂઠો કે આંગળી મોઢામાં નાખીને એ પોતાની ઇચ્છા વ્યક્ત કરે છે.

લગભગ છ મહિનાની ઉંમરે આ આદત ઓછી થઈ જતી હોય છે. આ ઉંમરે બાળક પોતે માતાથી સ્વતંત્ર છે, એની શરૂઆતની પ્રતીતિ કરતું થઈ જાય છે. એ પોતે પોતાની જાતે રમવા માગે છે. કોઈ પણ વસ્તુ એના હાથમાં હોય તો માતા દેખાડે તેમ નહીં, પણ પોતાને જે રીતે એ જોવી હોય તેમ જોવાનો આગ્રહ રાખે છે. આવું કરવામાં એ થાકી પણ જાય છે ત્યારે એ ફરીથી માતાની હાજરી તથા સાન્નિધ્ય ઝંખે છે. એ વખતે જે કંઈ હાથમાં આવે તે કપડું અથવા અંગૂઠો ચૂસવા લાગે છે.

બાળક માંદું હોય, માતાએ કોઈ પણ કારણસર એને ધાવણ આપવાનું બંધ કરી દીધું હોય કે કોઈપણ રીતે એ હેરાન હોય તો એ વખતે એ સુરક્ષા ઝંખે છે. માતાના હાથમાં, ખોળામાં કે હૂંફમાં જે શાંતિ અને સંતોષ મળતાં એ તેને યાદ આવે છે. અને એ વખતે એ એવી સરસ તંદ્રામાં સરી જાય છે, જાણે માતાના ખોળામાં જ ન હોય?!

મોટાં બાળકો ભૂખ વગર પણ અંગૂઠો લેતાં હોય છે. એમના અજાગૃત મનમાં નાનપણમાં આવા જ અનુભવ (સ્તનપાન)માંથી મળેલ સલામતી અને શાંતિ તરફ ફરીથી જવાની તમન્ના હોય છે.

ઘણાં બાળકો અંગૂઠો લેવાની સાથે સાથે શૉલ, ધાબળો, કોઈ કપડું કે થપથપાવતાં અંગૂઠો લે છે. (આવાં કપડાં તેમજ શાલના ગાભા બાળક માટે એક અમૂલ્ય નજરાણા સમાન હોય છે. એ ફેંકી ન દેવાં. સાફ રાખવાં.)

લાગણીના ભયંકર અભાવથી પીડાતાં બાળકો ભાગ્યે જ અંગૂઠો ચૂસે છે. એટલે લાગણીનો અભાવ એ હવે અગત્યનું કારણ ગણાતું નથી.

અંગૂઠો ચૂસવાની આદત છોડાવવા શું કરવું?

બાળકને આ ટેવ ન પડવા દેવી. પણ આ બાબત સંપૂર્ણપણે આપણા હાથની વાત નથી હોતી. પેસિફાયર કે ચૂસણી નાની ઉંમરમાં આપવાથી અંગૂઠો ચૂસવાની ટેવ પડતી જ નથી. બાળક ચૂસણીનો ઉપયોગ પોતાની મેળેજ એકાદ વરસની ઉંમર સુધીમાં છોડી દે છે. આ માટે કચકડા(એક્રેલિક)માંથી બનતી ચૂસણી જ વાપરવી, લાકડાની, રબર કે ધાતુની તેમજ રંગ કે ઢોળ ચડાવેલ ચૂસણી ન વાપરવી, મોટી ગોળ રિંગ સાથેની ચૂસણી વાપરવાથી બાળકને ગળામાં ઈજા થવાની કે ચૂસણી પોતે જ ગળામાં ઊતરી જવાની બીક રહેતી નથી.
સૂતી વખતે કે ક્યારેક થાકીને ઘડીક અંગૂઠો લેતાં બાળકની ટેવ છોડાવવા ખૂબ ધમપછાડા ન કરવાં. એનાથી કોઈ લાંબાગાળાનું નુકસાન થતું નથી. આવાં બાળકોને પ્રેમ કે લાગણીનો અભાવ રહી ગયો છે એમ માનીને માબાપ તરીકે દુઃખી ન થવું. હકીકતે આવાં બાળકો ખૂબ જ આનંદી હોય છે. ઉપર જણાવેલ વાત પણ ન ભૂલવી કે લાગણીનો જેના જીવનમાં ભયંકર અભાવ રહી ગયો હોય તેવાં બાળકો ભાગ્યે જ અંગૂઠો લેતાં હોય છે.
મોટાં બાળકોને એમને ગમતી પ્રવૃત્તિમાં પરોવાયેલાં રાખો. જ્યારે કંઈ કરતાં કંઈ પ્રવૃત્તિ કે ધંધો ન હોય ત્યારે બાળકોમાં અંગૂઠો લેવાનું પ્રમાણ વધારે રહે છે.
બાળક ઘરમાં તોડ—ફોડ ન કરતું હોય કે એને પોતાને કોઈ જોખમ જેવું ન હોય તો એની રમત અંગે કચકચ ન કરો. કદાચ બાળકની કોઈ રમત કે પ્રવૃત્તિ તમને ન ગમે તો એને બીજી કોઈ આનંદદાયક રમતમાં પરોવતાં શીખો. દરેક વાતમાં કટ કટ કરવાથી બાળક મૂંઝાય છે. “હવે શું કરવું” તેની દ્વિધા અનુભવતું બાળક કંટાળીને અંગૂઠો ચૂસવા બેસે છે.

પરદેશમાં Thum કે Stop જેવા અંગૂઠા પર લગાવવાના પદાર્થો મળે છે, જે અંગૂઠા પર લગાવવાથી બાળક મોઢામાં કંઈક વિચિત્ર સ્વાદ આવવાથી અંગૂઠો ચૂસી શકતું નથી. આપણા દેશમાં કરિયાતું, કાળીજીરી, સુદર્શન ચૂર્ણ વગેરે અંગૂઠા પર લગાવવામાં આવે છે. હકીકતમાં આ બધી જંગલિયતભરી પ્રથાઓ છે. જેવું આ બધું લગાવવાનું બંધ થશે કે તરત જ બાળક અંગૂઠો ચૂસવાનું શરૂ કરી દેતું હોય છે. અને ત્યારબાદ આ આદત વધારે જોરથી વળગે છે. અને વધારે લાંબો સમય ચાલે છે.

હાથ કે અંગૂઠો બાંધી દેવામાં આ ટેવ લંબાય છે. એટલે એવું ન કરવું. ધાકધમકીથી પણ આ ટેવ છોડાવવાની કોશિશ ન કરવી. એવું પણ મનાય છે કે આવાં બાળકોને ભવિષ્યમાં સિગારેટ કે બીડી પીવાની ટેવ જલદી પડે છે.

પાંચ વરસ સુધી બાળક અંગૂઠો લે તો એને કંઈ નુકસાન થતું નથી. એમના હાથ ધોવડાવવાનો બરાબર ખ્યાલ રાખવો. નહીંતર ગંદો અંગૂઠો ચૂસવાથી કરમિયાં તેમજ પેટના અન્ય ચેપી રોગો થઈ શકે છે. પાંચ વરસ પછી ઉપરના દાંત આગળ આવવા માંડે છે. આ ઉપરાંત નીચેના દાંતને પણ નુકસાન થાય છે. અને ભવિષ્યમાં એવા ગડબડિયા દાંત સરખા કરાવવાની સારવાર ખૂબ જ ખર્ચાળ તેમજ લાંબી નીવડે છે. એટલે આ ઉંમર પછી અંગૂઠો ચૂસવાની ટેવ છોડાવવી જોઈએ. એ માટે બાળક ખૂબ જ સલામતી અનુભવે તેવું વાતાવરણ સર્જવું.

જરૂર પડયે બાળકને સમજાવવું. એનાં યોગ્ય વખાણ કરવાં. એના સારા વર્તન માટે એની પ્રશંસા થવી જ જોઈએ. એને બરાબર હૂંફ તેમજ લાગણી આપવાં.

જે દિવસે કે રાત્રે બાળક અંગૂઠો લીધા વિના સૂઈ જાય તે દિવસે કે બીજી સવારે એની પીઠ થાબડો. એને પ્રશંસાના થોડા શબ્દો કહો. એ દિવસે ઘરમાં જાણે ઉત્સવનું વાતાવરણ બની ગયું હોય તેવું કરો. બાળક માગે તેવી નાનકડી અને વાજબી ભેટ આપો.
(લેખકના પુસ્તક “બાળ આરોગ્યની ચાવી”માંથી સાભાર)