આપણી ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી અને પુરુષ સહુ સાથે મળીને જ જીવનને માટે જરૂરી કામ કરતાં આવ્યાં છીએ. સ્થળ, સમય અને સંજોગો મુજબ સ્ત્રી અને પુરુષોની કાર્યની જવાબદારીઓ વહેંચાયેલી. સ્ત્રીઓ ઘર પરિવાર સંભાળે અને પુરુષો અર્થોપાર્જન કરે. આ માટે પુરુષોને ઘર ઉપરાંત ગામ કે શહેરની બહાર કે પછી દેશદેશાવર જવાનું થાય તેથી બાળકોના ઉછેરની જવાબદારી માતાની રહેતી. પહેલાં પરિવારો સંયુક્ત હતાં. બાળકો માતા ઉપરાંત પરિવારમાં દાદા, દાદી, કાકી, ફોઈ વચ્ચે ક્યાં ઊછરી જતાં ખબર પણ ન પડતી.

આજે હવે જમાનો બદલાયો છે. ભણતર વધ્યું છે. પોતાનું વતન સહુ કોઈને વિકાસ માટે નાનું પડી રહ્યું છે પરિણામે કુટુંબો વિભક્ત થતાં ચાલ્યાં છે.

ઘરમાં યુવાન પતિ અને પત્ની બે જ હોય છે. બન્ને એકબીજાને સંભાળી લ્યે પણ જ્યારે બાળકના ઉછેરની વાત આવે ત્યારે જરૂર પડે આ અંગેની યોગ્ય સમજણની. બાળઉછેર માટેની પૂરેપૂરી સમજણ જો માતા અને પિતા બન્નેને હોય તો બાળઉછેરની જવાબદારી ભારરૂપ નથી લાગતી અને બહુ સારી રીતે પોતાના બાળકનો ઉછેર બન્ને જણ મળીને કરી શકે છે. આમ ન થાય તો પછી ઊભા થાય અનેક પ્રશ્નો.

મોટાભાગના સમાજમાં લગ્ન પ્રસંગે ઘરે માતાજી તેડવાનો રિવાજ હોય છે. પરણનાર પૂજા કરી માતાજીની સ્થાપના કરે. લગ્ન પછી વરઘોડિયા માતાજીને પગે લાગે ત્યારે ઘરના વડીલો “ખોળાનો ખૂંદનાર દેજો” આવી માંગણી કરવાની ટીખળ દ્વારા જલદીથી દાદા દાદી બનવાની પોતાની ઇચ્છાઓ વ્યક્ત કરે. કુટુંબ, પરિવારની બધીજ સ્ત્રીઓ પણ નવપરણિતોને ઘેર જલદીથી પારણું બંધાય એવા આર્શીવાદ આપે. સમય જતાં બાળ કલરવથી ઘર ગુંજી ઉઠે. દરેકને હૈયે આનંદ છલોછલ હોય. આ આનંદમાં વધારો કરવા જરૂરી છે ઘરના વડીલોએ સમય મુજબ થોડા બદલાવાની. થોડી વિશેષ જાગૃતિ કેળવવાની.

દીકરા કે દીકરીનાં લગ્ન થવાનાં હોય ત્યારે આ પરણું પરણું થતા જોડાને કોઈ જ શરમ કે છોછ રાખ્યા વગર લગ્ન એટલે શું એ અંગેની સાચી સમજ ઘરના વડીલ જ આપે કે અપાવે એ આજના સમયની માંગ છે. આપણે એક નાની અમથી દવા લેવાની હોય તો એની આડઅસર અંગે ડૉક્ટરને પૂછીએ છીએ ને! બસ એમ જ, આ લગ્નોત્સુકોને લગ્નની સારી — માઠી અસરોની સમજ આપીને જીવનમાં થતી ભૂલોનું પુનરાવર્તન અટકાવીએ. “લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી, બે પરિવારો વચ્ચે બંધાતો સંબંધ છે.” આ સમજ દ્વારા નવા બંધાતા, નવા વિકસતા સંબંધોમાં પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને સન્માન વધશે. પરિવારના સભ્યો ભારરૂપ નહીં લાગે. વડીલો સન્માનનીય, સમવયસ્કો સખા અને નાનેરાં વ્હાલાં લાગશે. પારસ્પરિક સરખામણી, હરીફાઈ, કૂથલી, શંકા, કુશંકા જેવા નકામા વૈચારિક કચરાનો મનમાં ભરાવો થવાને બદલે નિકાલ થશે.

આપણે માત્ર આટલેથી જ નથી અટકવાનું. આ લગ્નોત્સુકોને લગ્ન સંબંધ, પરસ્પરના સંબંધો, પરિવારની જવાબદારીઓ ઉપરાંત સમાજ પ્રત્યેની મહત્ત્વની નૈતિક ફરજથી પણ વાકેફ કરવાનાં છે. જી હા, આ લગ્નોત્સુકો જ તો છે ભાવિ પેઢીનાં સર્જકો!

લગ્નજીવનનાં પ્રેમનું પ્રતીક એટલે બાળક! બાળક એ માત્ર જન્મ આપનાર માતા—પિતાનો શોખ કે આનંદ નથી. બાળક એ ઘડપણનો સહારો માત્ર નથી. બાળક એટલે દાદા — પરદાદાનું નામ આગળ વધારનાર વારસ માત્ર નહીં. બાળક એ આપણી ઇચ્છાપૂર્તિનું રમકડું તો નથી જ નથી. તો બાળક છે શું? એક વાત સ્પષ્ટપણે સમજીને યાદ રાખવા જેવી છે કે, ભલે બાળકને જન્મ આપનાર આપણે હોઈએ પણ આ બાળક પર આપણી માલિકી નથી. બાળક એક સ્વતંત્ર વ્યક્તિ છે. આ સ્વતંત્ર વ્યક્તિત્વ, એક ઉત્તમ નાગરિક તરીકે સમાજ કે દેશને ઉપયોગી થાય એવું એનું ઉત્તમ ઘડતર થાય એ જોવું એ દરેક માતા પિતાની નૈતિક જવાબદારી છે.

બાળકનું ઉત્તમ ઘડતર એટલે આપણી ઇચ્છાઓ બાળક પર થોપવી એમ નહીં પણ બાળકની ઇચ્છા મુજબ, બાળકની રુચિ મુજબના એના વિકાસમાં સહાયક બનવું. માતાપિતાએ બાળકના માલિક નહીં પણ માળી બની રહીને માવજત કરવાની છે.

બાળક આપણને જૂએ છે. આપણાં વર્તન — વ્યવહારમાંથી શીખે છે અને એ જ રીતે વર્તે છે. અવલોકન અને અનુકરણની આ પ્રક્રિયા બાળકના ઘડતરમાં સકારાત્મક રહે એ માટે સંબંધો પ્રત્યેની, જીવન પ્રત્યેની કે સમગ્રતા પ્રત્યેની આપણી સમજણ અને સજાગતા વિકસે એ જરૂરી છે. આ માટે આપણે છેક બાળકના જન્મ પછી નહીં પણ લગ્ન પહેલાંથી જ તૈયારી કરવાની જરૂર છે.

ગર્ભાધાનથી લઈને બાળ ઉછેરની વિવિધ બાબતોની સમજ લગ્નોત્સુક કે નવપરિણિતને આપવી જોઈએ. ગર્ભાધાન, ભૃણહત્યા, ગર્ભાવસ્થાની વૈજ્ઞાનિક સમજ, ગર્ભાવસ્થા સંભાળ, પ્રસૂતિ, માતા અને બાળકની આરોગ્ય સંભાળ, બાળઉછેરમાં માતા જેટલી જ પિતાની પણ જવાબદારી છે વગેરે ઉપરાંત શિક્ષણ એટલે ખરેખર શું? આટ આટલી બાબતો અંગે યોગ્ય સમજ આપવી ખૂબ જરૂરી છે. આ કામ ઘરનાં વડીલોએ કરવું જોઈએ. જો વડીલોથી આ શક્ય ન હોય તો આ અંગે જ્યાં વૈજ્ઞાનિક સમજ અપાતી હોય ત્યાં લગ્નોત્સુકોને મોકલવાં જ જોઈએ.

હવેનાં સમયમાં દીકરી અને દીકરાઓ બન્ને પોતાની એક આગવી ઓળખ બનાવી આગળ વધી રહ્યાં છે, ઘરની બહાર કામ માટે જાય છે ત્યારે જુદી જુદી અનેક પરિસ્થિતિ સર્જાય છે.

ક્યાંક બહોળા પરિવારના ખર્ચને પહોંચી વળવા બે છેડા ભેગા કરવા માટે પતિ અને પત્ની બન્ને બહાર કામ માટે જાય છે ત્યારે ક્યારેક બાળક જ ન જોઈએ એવો નિર્ણય લેવાય છે! પરિણામે લાંબાગાળે એકલતા અનુભવાય છે.

ક્યારેક બાળકનાં આગમન પછી બાળકની સંભાળ, એનો ઉછેર બોજ લાગવા માંડે છે! ઝઘડા થાય છે. ક્યાંક છૂટાં પડવાનો નિર્ણય લેવાય છે. આવે સમયે બાળક, એક પૂર્ણ વ્યક્તિત્વ, પ્રેમના અભાવે ખંડિત થઈ વિકસે છે!

ક્યારેક મોજશોખ માટે પણ બાળકને નડતરરૂપ મનાય છે!!!

ક્યાંક “નવું નવ દિવસ” પછી “તું નહીં તો ઓર સહી”નો સ્વભાવ રાખનાર, અચાનક બાળક નાનું હોય કે ગર્ભસ્થ હોય તો પણ હાથ અને સાથ છોડી જાય છે. આવે સમયે આવેલ કે આવનાર બાળકનો બેલી કોણ? જન્મ સાથે જ પ્રેમનો અભાવ બાળકના જીવન પર કેટલી મોટી અને ગંભીર અસર કરે છે એની જવાબદારી કોની?

માત્ર વિભક્ત કુટુંબ જ નહીં, સંયુક્ત પરિવારમાં ચાલતાં સાસુ—વહુ, દેરાણી—જેઠાણી, નણંદ—ભોજાઈ કે ભાઈ—ભાઈ વચ્ચેના પારિવારિક વિવાદોની વચ્ચે ઊછરતાં બાળકો સમાજમાં શાંતિનો ફેલાવો કરી શકશે ખરાં?

આ કે આવા તમામ પ્રશ્નો અંગે પણ લગ્નોત્સુકો સાથે ચર્ચા વિચારણા થવી જોઈએ. આ તમામ વચ્ચે એક મુખ્ય બાબત ભારપૂર્વક સમજાવવી જોઈએ કે, “બાળક એ બોજ નહીં પણ એક ઉત્તમ સર્જન છે” તેથી માતાપિતા બન્નેએ સમજણપૂર્વક બાળકની યોગ્ય સંભાળ અને ઘડતર માટે સમય આપવો જ રહ્યો.

આમ થતાં જુવાનીમાં થતાં લગ્નો, જવાબદારી કે બંધન નહીં, સમજણ બની રહેશે. પરિણામે નવી સ્વસ્થ અને તંદુરસ્ત પેઢીના અવતરણ દ્વારા સ્વસ્થ અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે. સ્વસ્થ સમાજનું નિર્માણ એ આપણા સહુની જવાબદારી છે.

આપણે આપણી સંસ્કૃતિ, માન્યતા કે શ્રદ્ધા ત્યજવાની જરૂર નથી પણ જરૂર છે ઘરમાં જાગતી માને તેડવાની. જી હા, જરૂર છે લગ્ન અને બાળ ઉછેર અંગેની સાચી વૈજ્ઞાનિક સમજણ મેળવવાની જાગૃતિ લાવવાની.

ચલતે — ચલતેઃ

ગુલઝારજી કહે છે—

धुप में बाप और चूल्हे पर माँ जलती हे

तब कही जाकर ओलाद पलती हे