માતૃભાષાનું મહત્વ પ્રતિભાવ ૨
ત અંકમાં ચેતન બાલવાડીમાં માતૃભાષાના મહત્ત્વ વિશેના થયેલા પ્રયોગોના પ્રતિભાવોમાંથી એક વાલીશ્રીનો પ્રતિભાવ આપ વાચકમિત્રોએ વાંચ્યો. આ અંકમાં બીજો પ્રતિભાવ વાંચીએ.)
મા અને તેની ભાષા એટલે કે માતૃભાષાનું માનવના વિકાસક્રમમાં અજોડ સ્થાન છે. ખળખળ વહેતા ઝરણાના સંગીતમાં, અષાઢી મેઘની ગર્જનામાં, વરસાદનાં ટીપાંના સંગીતમાં, ભીની માટીની સુગંધમાં, પ્રસન્નતાથી નાચતા મોરની કળામાં અને માતૃભાષામાં એક અદ્ભુત સામ્ય છે. અલૌકિક કુદરતી સુંદરતાની આ દરેક અભિવ્યક્તિ વાસ્તવમાં પોતાના અસ્તિત્વના ઊંડાણમાંથી પ્રગટી છે. સંવેદનો, લાગણી, વિચાર, બોધ વગેરેના પ્રગટનમાં ભાષાનો અમૂલ્ય ફાળો છે અને છતાં ભાષા એ સંવેદનોના પ્રગટીકરણનું સાધન માત્ર નથી. ભાષા એ મૂલતઃ સંવેદનો અને તેના ઊંડાણની જનની છે. ભાષામાં શબ્દોનો અભાવ એ માત્ર ભાષાકીય શબ્દભંડોળની મર્યાદા કે ન્યૂનતા માત્ર નથી. એ ખરેખર સંવેદનોનો અભાવ છે. સાદા અર્થમાં દરેક ભાષામાં માતાને અનુલક્ષીને શબ્દ છે અને ગાય જેવા પ્રાણીને લગતા શબ્દ છે, પરંતુ ગાય માતા શબ્દ આપણી ભાષામાં છે. શબ્દ અને સંવેદનોની આ અદ્ભુત ગૂંથણી એ ભાષાની વિશેષતા છે. જો વધુ સરળ કરીએ તો માતૃભાષા એટલે માતાની સમવેદના, ગર્ભનાળની સંવેદના, અસ્તિત્વની સંવેદના. માતા જે રીતે અને જે અનુભવે છે તે જ રીતે અને તે જ અનુભવવાની ક્ષમતા. ભાષા માત્ર જે તે સમાજનાં સંવેદનો જ નહીં, વિચારો, વલણો, સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનની વાહક છે. વિનોબાજી ખૂબ સુંદર રીતે કહે છે કે “આપણી ભાષામાં તેં to teach અને to learn આમ બે જુદા શબ્દો જ નથી.” અહીં શિક્ષણ, શિક્ષક, શિક્ષા અથવા અધ્યયન, અધ્યાપન, અધ્યાપક જેવા શબ્દ છે. જે કહે છે કે જે અધ્યયનશીલ હોય તેજ અધ્યાપક હોય. મારું શીખવું હવે પૂરું થયું અને હવે બીજાને શીખવાડવું જ મારું કર્તવ્ય છે, આ મર્યાદિત સમજથી ખૂબજ આગળ વધેલ આ સંસ્કૃતિના શબ્દો દ્વારા તેના વિચારો ને વલણો અભિવ્યક્ત થયાં છે. આચાર્ય — (જે આચરણ દ્વારા શીખવે તે)નો અનુવાદ Principal !!! વૈચારિક ઊંડાણ તો છોડી દઈએ પણ પરકીય શબ્દો આપણી માતૃભાષાના શબ્દોના હેતુને પણ સાચા અર્થમાં પ્રગટ કરી શકતા નથી. રચનાત્મકતા, મૌલિકતા અને સર્જનાત્મકતા માટે માતૃભાષાનો કોઈ વિકલ્પ નથી. ઝવેરચંદ મેઘાણી, દર્શક, નર્મદ, કલાપી, જ્યોતીન્દ્ર દવે જેવા ગુજરાતી સાહિત્યકારોને વાંચ્યા વિના ગુજરાત અને ગુજરાતી વિરાસતને સમજવી અશક્ય છે. આ ભવ્ય વિરાસતની સભાનતામાં એ તાકાત છે કે તે એક આત્મવિશ્વાસથી ભરેલા, સર્જનાત્મક તરુણો, યુવાનોની આખી પેઢીનું નિર્માણ કરી શકે. યહૂદી પ્રજા અને હિબુ્ર ભાષા પ્રત્યેનો તેમનો પ્રેમ વિશ્વ વિખ્યાત છે. નૉબલ પારિતોષિક મેળવનાર નામોમાં યહૂદી નામોનું સૌથી વધુ હોવું, આ સંયોગ માત્ર નથી. શિક્ષણ અને વ્યવહારમાં માતૃભાષાને “મા”ને પ્રથમ સ્થાન આપવું એ વાસ્તવમાં જીવનને પ્રથમ સ્થાન આપ્યું ગણાશે.
મા અને માતૃભાષાનાં ચરણોમાં શતશઃ વંદન.