લોકો એમ માને છે
બાળકને શું ગમે છે?
શાંતિ કે ઘોંઘાટ?
કામ કે નિષ્ક્રિયતા?
લોકો એમ માને છે કે બાળકોને અવ્યવસ્થા ગમે છે. કારણ તેઓ અવ્યવસ્થિત રહે છે ને અવ્યવસ્થા ઉત્પન્ન કરે છે. પરંતુ તે માન્યતા ખોટી છે. બાળકોે વ્યવસ્થા પ્રિય છે. કારણ મનુષ્યનું માનસ વ્યવસ્થાપ્રિય છે. અવ્યવસ્થામાં તે ગૂંગળાય છે, મૂંઝાય છે. તેને અવ્યવસ્થામાં કાંઈ સૂઝતું નથી. આપણે તેને સુવ્યવસ્થિત વાતાવરણ કરી આપતા નથી, ને તે બિચારું નાનું હોવાથી મોટી અવ્યવસ્થા વ્યવસ્થિત કરી શકતું નથી માટે તેને મૂંઝાતાં અકળાતાં જેમ તેમ અવ્યવસ્થામાં જીવવાનો રસ્તો શોધી કાઢવાનો રહે છે. ને તેને જ આપણે બાળકની અવ્યવસ્થા કહીએ છીએ. બાળકની અવ્યવસ્થા એ તો બિચારાની મૂંઝાયેલ સ્થિતિ છે, જે આપણા અવ્યવસ્થિત વાતાવરણમાંથી ઉત્પન્ન થયેલી હોય છે.
લોકો એમ માને છે કે બાળકોને ઘોંઘાટ ને ગડબડ પ્રિય છે, બાળકોને શાંતિ ગમે જ નહિં ને શાંત બેસતાં આવડે પણ નહિ, કારણ બાળક ચંચળ છે. પણ તે માન્યતા ખોટી છે. બાળક ઘોંઘાટ ને ગડબડથી બહુ મૂંઝાય છે. તેના નાના નાના જ્ઞાનતંતુ મોટા અવાજથી બહુ અકળાય છે. તેના પર ખૂબ તાણ પડે છે. રોજ કેટલાયે અર્થ વગરના અવાજો તેના કાન પર નિર્દયતાથી અથડાયા જ કરે, શેરીના ને ઘરના માણસો ખૂબ જોરથી વાતો કરતાં જ હોય, આજુબાજુમાં માણસો રાડો પાડતાં જ હોય, બારણાં ભટકાવતાં જ હોય, વાસણો ખખડાવતાં જ હોય ને તે બધું કારણ વગર, અર્થ વગર. બાળકનું મગજ આ ઘોંઘાટથી ખવાઈ જાય છે. આવી ધમાલમાં પોતાને બીજા સાંભળે માટે તેને પોતાનો નાનો અવાજ પણ તાણવો પડે છે, ગળું દુઃખાવવું પડે છે. પણ બિચારું શું કરે? અવાજ, ગડબડ અને ઘોંઘાટમાં જીવવાનો રસ્તો તેને શોધવો જ પડે. ને તે શોધી લે છે કે ઘોંઘાટ કે ગડબડ કરવી એ જ તેનો રસ્તો છે. પણ તેના જ્ઞાનતંતુ થાકી તો જાય છે જ.
લોકો એમ માને છે કે બાળકોને કામ કરવું ગમતું જ નથી. માટે બાળકો પાસે પરાણે કામ કરાવવું જોઈએ. પણ આ માન્યતા તદ્દન ખોટી છે. બાળકો કુદરતી રીતે ક્રિયાપ્રિય છે. પણ તેમને આ મોટાંઓના જગતમાં કામની સગવડ મળતી નથી. તેમને માટે યોગ્ય એવાં સાધનો મળતાં નથી. તેમને માટે સ્થળ મળતું નથી. મોટાંઓ ગમે ત્યારે રાડ પાડશે જ કે : “આ શું કરે છે? ત્યાં શું કામ અડયો? આ શું કામ લીધું?” એવા અકસ્માતો વચ્ચે જ તેણે ક્રિયા કરવી રહી. એટલે તે નિષ્ક્રિયતાપ્રિય આસ્તે આસ્તે થતું જાય તો શી નવાઈ? બાળકમાં અવિશ્વાસ રાખવા વાળા તો ક્યાંથી જ જોઈ શકે કે બાળકોને શું શું આવડે ને કેટલું કેટલું તેઓ કરી શકે છે !
બીજું જે ફાવે, જે ગમે, કે જેમાં સૂઝ પડે તે કરવાની સગવડ મળે નહિ, ને ન ફાવે, ન ગમે, ન સૂઝે તે ફરજિયાત કરવું પડે, તો તેવું કરવા કરતાં બાળકો ન કરવાનું પસંદ કરે તો શી નવાઈ? તેથી મોટાઓ માને છે કે બાળકોને કામ ન ગમે. આ કારણે બાળકોમાં કેટલી અમાપ ક્રિયાશક્તિ રહી છે તેનાથી તેઓ અજ્ઞાત જ રહી જાય છે.
Mane aapustak bahuj game chhe
Thank you for your kind appreciation.