આજે બહુધા શિક્ષિત મા—બાપ પોતાના બાળકના વિકાસ માટે સચેત દેખાય છે. પોતાનું બાળક કેળવાય તે માટે તેઓ અનેકવિધ ઉપાયો કરે છે. તેઓ બાળકને ફરવા લઈ જાય છે. બાળક માટે રમકડાં લાવે છે, વાર્તા અને ચિત્રોની ચોપડીઓ લઈ આવે છે.

બાળક માટે રમત ગમતનાં સાધનો પણ ઘરમાં અવાર નવાર આવતાં રહે છે. ટ્રાયસિકલ અને પછી બાયસિકલ પણ ઘરમાં આવે છે. જાગૃત મા—બાપ બાળકના માટે ખર્ચ કરવામાં પાછી પાની કરતાં નથી.

આ બધા ઉપાયો બાળકના ઘડતરમાં કેટલેક અંશે કારગત નીવડે છે. એનાથી બાળકોનું જ્ઞાન વધે છે. બુદ્ધિ વિકસે છે અને શારીરિક શક્તિઓનો વિકાસ થાય છે. પણ જ્ઞાનસંપાદન કે બૌદ્ધિક વિકાસની પ્રક્રિયા બાળકના ઘડતર માટે પર્યાપ્ત નથી.

જો બાળકના આત્મવિશ્વાસનું ઘડતર ઘરમાં ન થાય, તો આ બધા વિકાસ એકડા વગરનાં મીંડાં જેવા છે.

બાળક જ્ઞાની હોય, સશક્ત હોય, બુદ્ધિશાળી હોય પણ જો તેનામાં આત્મવિશ્વાસ ન હોય તો તે પોતાની શક્તિ મુજબ પ્રગતિ કરી નહીં શકે અને જે બાળક શક્તિ મુજબની પ્રગતિ નથી કરી શકતું તે બાળકના તરફડાટનો કોઈ પાર હોતો નથી. આવું બાળક આખી જિંદગી અજંપામાં ગુજારે છે. પ્રત્યેક શક્તિશાળી બાળક માટે આત્મ—અવિશ્વાસ જેવો બીજો કોઈ મોટો અભિશાપ નથી.

બાળક ડૉક્ટર બને પણ આત્મવિશ્વાસ નહીં હોય તો તે પોતાના ધંધામાં કામયાબી હાંસલ નહીં કરી શકે. આત્મવિશ્વાસ નહીં હોય તો ગમે તેવો હોંશિયાર શિક્ષક પોતાનો પ્રભાવ પાથરી નહીં શકે. વાહનચાલકમાં આત્મવિશ્વાસ નહીં હોય તો કટોકટી વખતે, વાહનને અકસ્માતમાંથી સલામતીપૂર્વક બહાર નહીં લાવી શકે. આત્મવિશ્વાસ વગરના સેનાપતિનું લશ્કર ખરે વખતે પીછેહઠ કરે છે.

બાળકમાં આત્મવિશ્વાસ નહીં હોય તો તે જવાબદારી લેતાં અચકાય છે. આવું બાળક નવી નવી ચેલેન્જ ઉપાડી લેવાને બદલે એક ઘરેડમાં જીવવાનું પસંદ કરે છે. આવું બાળક સલામત જિંદગી પસંદ કરે છે. મોટો થઈને સ્વતંત્ર ધંધો કરવાને બદલે નોકરી પસંદ કરે છે અને એક વખત નોકરી મળી જાય તે પછી તે જ નોકરીમાં જિંદગી પૂરી કરે છે. નોકરીમાં અન્યત્ર જવાથી—સ્થળ બદલવાથી સારી બઢતી હોય તોય આવું બાળક સલામતી છોડી એવી બઢતી મેળવવા રાજી હોતું નથી. પોતાની જ નોકરીમાં બઢતીની શકયતા હોય પણ તેમાં જો જવાબદારી લેવી પડતી હોય તો તે જવાબદારીથી ડરી બઢતીની તકને જતી કરે છે.

આમ, આત્મવિશ્વાસના અભાવવાળી વ્યક્તિ કોઈ સ્વતંત્ર જવાબદારી લઈ શકતી નથી કે નવાં નવાં વ્યાવસાયિક સાહસો પણ કરી શકતી નથી.

સામે પક્ષે કેટલીય એવી વ્યકિતઓ જોવામાં આવે છે કે જીવનમાં કોઈ આદર્શો ન હોય, ભાવનાઓ ન હોય, જ્ઞાન પણ ન હોય છતાં જો તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર હોય તો, તેઓ જીવનનાં અનેક ક્ષેત્રોમાં આગેવાની કરે છે અને પ્રગતિ કરે છે — તેઓ જીવનમાં વિકસી શકે છે કારણ કે તેમનું જીવનપ્યાલું આત્મવિશ્વાસથી છલોછલ છે.

એટલે બાળકની કેળવણીમાં આત્મવિશ્વાસના ઘડતરને મહત્ત્વ આપવું જોઈએ. બાળક માત્ર જ્ઞાની બને, તંદુરસ્ત બને, સારો ચારિત્ર્યવાન બને તેટલું પૂરતું નથી. તે આત્મવિશ્વાસથી ભરપૂર બનવો જોઈએ.

આપણાં પરિવારોમાં બાળકોના જ્ઞાન ઘડતર પર જેટલો ભાર મૂકવામાં આવે છે તેટલો ભાર આત્મવિશ્વાસના ઘડતર પર મૂકવામાં આવતો નથી. એનાથી ઊલટું એમ પણ કહેવાનું મન થાય છે કે આપણાં પરિવારો બાળકોનો આત્મવિશ્વાસ કેળવવાને બદલે તેમના આત્મવિશ્વાસની ઈંટો એક પછી એક ખેરવતા હોય છે.

બાળક માટે વાર્તાની તેમજ ચિત્રોની ચોપડીઓ જરૂરી છે, રમત ગમતનાં સાધનો જરૂરી છે. આ બધું બાળકના વિકાસ માટે જરૂરી છે પણ એથી વધુ જરૂરી છે તેના આત્મવિશ્વાસનું ઘડતર.

માવતર તરીકે આપણે આ આત્મવિશ્વાસનું ઘડતર કેમ કરીશું?

નીચેના મુદ્દાઓ કદાચ માવતર માટે માર્ગદર્શક બની શકશે. :

બાળકને સ્વતંત્રતા આપો : બાળક અંતઃસ્ફુરણાથી જે પ્રવૃત્તિ કરવા માગે તે કરવા દો. જે રમત રમવા માગે તે રમવા દો. જાતે બૂટ કે કપડાં પહેરવા ઇચ્છે તો જાતે પહેરવા દો. જાતે નહાવા કે માથું ઓળવા ઇચ્છે તો તેમ કરવા દો. તેવી સ્વયંસ્ફુરિત પ્રવૃત્તિમાં રૂકાવટ ન કરો.

તે જાતે કામ કરે તે વખતે ધીમું કરે કે ખોટી રીતે કરે તો અકળાવ નહીં. તેને કામ કરવાની તેની ગતિ હોય છે. ધીરજથી તેની પ્રવૃત્તિને અવલોકો. બાળક જેમ જેમ સ્વાવલંબન કેળવતું જશે તેમ તેમ તેનો આત્મવિશ્વાસ વધતો જશે.

મદદ કરવા કૂદી ન પડો : બાળક જાતે કામ કરતું હોય છે ત્યારે તેનાથી ભૂલ થતી હોય છે. તમે બાળકને ભૂલ કરતું જુઓ કે તુરત તેની પાસે દોડી ન જાવ. બટન ખોટી રીતે બંધ કર્યા હોય તો તે ખોલીને તમે સાચી રીતે બંધ કરી આપો તે બરાબર નથી. બટન બંધ કરવામાં ક્યાં ભૂલ થઈ તેની ચર્ચા કરો.

બાળક ક્યાંક ચડવા મથતું હોય અને ચડી ન શકતું હોય તો તમે દોડીને, તેડીને તે જગ્યાએ તેને ચડાવી ન દો. તેને મન ઉપર બેસવા કરતાં, તે જગ્યાએ જાતે પહોંચવાનું મહત્ત્વ હોય છે. તે આનંદ તમે આમ કરવાથી છીનવી લો છો. બાળકને આ ગમતું નથી.

બાળક પોતાની પ્રવૃત્તિમાં અસફળ જાય ત્યારે તે તમારી મદદ માગે ત્યારે જ તેની પાસે જાવ અને તે વખતે પણ પ્રવૃત્તિ કરી ન આપો પણ પ્રવૃત્તિ કેમ કરવી તે બતાવો. બારી પર ચડવા મથતા બાળકને નીચે પાટલો મૂકી ચડવાનું સૂચવી શકો.

પ્રત્યેક સફળતાની પ્રશંસા કરો : બાળક અનેક પ્રવૃત્તિઓ કરતું હોય છે. બાળક જ્યારે કોઈ કામ સફળતાપૂર્વક કરે ત્યારે તેના કામનાં વખાણ કરો. બાળક પોતાની જાતે ટેબલ પર ચડી જાય તો શાબાશ! કહો. કૂદકો મારી ઝાડની ડાળી પકડે તો સરસ! કહો.

છાપું લઈ આવે, ટપાલ નાખી આવે કે પડોશીને ત્યાં વાટકો ઢોકળાં દઈ આવે ત્યારે તેના કાર્યને ખુશીનો પ્રતિભાવ આપો. બાળકના પ્રત્યેક સારાં કામને આનંદથી અભિનંદો.

ટીકા ન કરો : બાળક કામમાં ભૂલ કરે કે કામમાં અસફળ બને ત્યારે તેના કામની ટીકા ન કરો. ઉતારી ન પાડો. તેને સજા કે ઠપકો ન આપો. કામમાં કેમ ભૂલ થઈ તેની ચર્ચા કરો. શું કર્યું હોત તો ભૂલ ન થાત તેવી વાતચીત કરો. આવી વાતચીત વખતે તમારા ચહેરા પર અણગમો કે ગુસ્સો નહીં, આત્મીયભાવ હોવો જોઈએ.

બાળકની કક્ષાનાં કામ ચીંધો : ઘરમાં બાળકને જ્યારે કામ ચીંધો ત્યારે તેની કક્ષાને ધ્યાનમાં રાખો. તેની કક્ષા બહારનાં કામ ચીંધશો તો બાળક તે કરી નહીં શકે અને તે નાસીપાસ થશે.

આદેશમાં દ્વિધા ન ભેળવો : બાળકને જ્યારે કોઈ કામ માટે આદેશ આપો ત્યારે એ આદેશમાં વિશ્વાસ અને દૃઢતા જોઈએ. — “તું દસના છુટ્ટા લાવી શકીશ?” એવો દ્વિધાયુક્ત આદેશ ન આપો.” “જા, તું દુકાનેથી દસના છુટ્ટા લઈ આવ” એવો સ્પષ્ટ આદેશ આપો. બાળકને અનેક કામ ચીંંધતી વખતે પૂરા વિશ્વાસથી કામ ચીંધો. બાળકનો વિશ્વાસ ડગી જાય તેવી ભાષા ન વાપરો.

નકારાત્મક પ્રતિભાવથી દૂર રહો : બાળકને ક્યારેય એમ ન કહો કે “આ તને ન આવડે”, “તું આ નહીં કરી શકે“, “તું બગાડી બેસીશ, રહેવા દે. તારાથી એ કામ બગડશે” — આવા અભિપ્રાયો ન આપો. તમારા આવા અભિપ્રાયો જ બાળકનો આત્મવિશ્વાસ તોડે છે.

સરખામણી ન કરો : એક જ સરખી ઉંમરનાં બાળકોની પણ શક્તિ શક્તિમાં ફેર હોય. તમારું બાળક કોઈ કામ ન કરી શકે અને તે જ ઉંમરનું પડોશીનું બાળક તે જ કામ કરી બતાવે તો તે વખતે પડોશીના બાળકનાં વખાણ કરી, તમારા બાળકને ઉતારી ન પાડો. કેટલાંક કામ એવાં પણ હશે કે જે કામ પડોશીનું બાળક નહીં કરી શકતું હોય તે કામ તમારું બાળક કરતું હશે.

એક જ ઉંમરનાં બાળકો વચ્ચે સરખામણી કરી તમે તમારા બાળકને ઉતારી ન પાડો. એનાથી બાળકમાં પોતાની શક્તિ વિશે અવિશ્વાસ જન્મે છે.

બાળકની સર્જકતાને સંકોરો : બાળક સર્જન કરી શકે તેવી સામગ્રી ઘરમાં લઈ આવો. રેતી, ઈંટો, લાકડાના ઘન, મિકેનો, રંગબેરંગી પેન્સિલ વગેરે સાધનો દ્વારા બાળકો અનેક પ્રવૃત્તિઓ કરશે. બાળકનું પ્રત્યેક સર્જન તેના આત્મવિશ્વાસમાં વધારો કરશે.

બાળકને પ્રેમ આપો : જે બાળકને માતાપિતાનો પ્રેમ મળે છે તે બાળક આત્મવિશ્વાસથી ભરપૂર બને છે. બાળકને આત્મવિશ્વાસુ બનાવવા માતાપિતા બાળકને પૂરતો પ્રેમ આપે તે જરૂરી છે.

બાળકને સલામતી આપો : જેમ છોડ મોટા થઈને વૃક્ષ બને તે પહેલાં છોડને કોઈ છૂંદે નહીં માટે તેની ફરતે વાડ કરવી જરૂરી બને છે, વાડ તે છોડને વિકસવા માટેની સલામતી છે, બાળકનું પણ તેમ જ છે. બાળકનું અનેક રીતે રક્ષણ કરવું જરૂરી બને છે. બાળકને કોઈ મારે નહીં, બાળકને બિવરાવે નહીં, બાળક પર કોઈ દાદાગીરી કરે નહીં વગેરે બાબતનું ધ્યાન માબાપે રાખવું જોઈએ.

આવા પ્રસંગો બને ત્યારે બાળકને સતત પ્રતીતિ થવી જોઈએ કે મને કાંઈ થશે તો મારાં માતાપિતા મારી પડખે છે. આવી તૈયારી બાળકના જીવનબાગને વિકસાવવા માટે ખૂબ જરૂરી છે.

આ બધી બાબતો બાળકના આત્મવિશ્વાસના ઘડતર માટે ખૂબ અગત્યની છે. પોતાનાં બાળકોમાં આત્મવિશ્વાસ પેદા કરવા મથી રહેલાં માતાપિતાએ આ અગિયાર ઉપાયો અજમાવી જોવા જેવા છે.