બાળકોને નવા નવા અનુભવો લેવા બહુ ગમે છે; તેમને નવું નવું જોવાનું, સાંભળવાનું, નવી ક્રિયાઓ કરવાનું બહુ ગમે છે. તેમને કામ કરવાની, ક્રિયા કરવાની કે પ્રવૃત્તિ કરવાની આળસ થતી નથી, પરંતુ એ ક્રિયા અથવા પ્રવૃત્તિ તેમને ગમે તેવાં હોવાં જોઈએ. જેને તે ઠીક પડે તેમ ફેરવી શકતો નથી તેવાં મોટાં ખર્ચાળ રમકડાં તેને ગમતાં નથી; તેમાં તેને નવો અનુભવ થતો નથી. તેને કાતર આપો અને કોઈ પુસ્તકમાંથી, કેટલોગમાંથી ચિત્રો કાપવાનું કહો, તેને માટીમાંથી રમકડાં બનાવવાનું કહો, તેને પાટી ઉપર કે કાગળ ઉપર રંગીન રેખાઓ દોરવાનું કહો, તેને લાકડાની ઈંટોથી ઘર, પુલ, મેજ વગેરે બનાવવાનું કહો તો આનંદ અને ઉત્સાહપૂર્વક તે બનાવશે; તેમાં તેને નવીન અનુભવો મળશે. તેનામાં જિજ્ઞાસા પ્રબળ છ, પણ તેને પૂરી કરવાની તેની રીત અનોખી છે. “ચૂપ, અદબ વાળીને બેસો, હલશો નહિ” આવી રીતે જિજ્ઞાસા તૃપ્ત કરવી, જ્ઞાન મેળવવું તેને ગમતું નથી; તેને પોતાની જાતે ક્રિયા દ્વારા, પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન મેળવવું ગમે છે.

બાબો ભણવામાં તલ્લીન બનતો નથી :

બાબો આઠ વર્ષનો હતો; તેની સામે એક ફરિયાદ સતત રહેતી હતી; બાબો કોઈ વિષયમાં ધ્યાન આપતો નથી. શિક્ષક તરફથી માબાપ પર ચિઠ્ઠી આવી : “બાબો… વિષયોમાં નબળો છે; તે અભ્યાસ ઉપર લક્ષ આપતો નથી.”

ઘરે બાબો અભ્યાસ કરવા બેઠો. તેની બાએ કહ્યું “ બાબા, જો બરોબર ધ્યાન આપજે. તારા શિક્ષકે લખ્યું છે કે બાબાને ભણવું ગમતું નથી.”

પણ બાબો કેમ ધ્યાન આપતો નથી? માબાપે જ તેને ધ્યાન ન આપવાનું, એકાગ્ર ન બનવાનું શીખવ્યું હતું. માબાપ એવું કદી શીખવે?

બાબો ત્રણ સાડાત્રણ વર્ષનો હતો. તે ફળીમાં પાણી અને માટી ભેગાં કરી તેના વિવિધ આકારો બનાવતો હતો. આ પ્રવૃત્તિમાં તે મશગૂલ બની ગયો હતો એવામાં બાએ તેને જોયો. બાબાનાં કપડાં ધૂળથી ખરડાશે એ બીકે તેણે બાબાને બૂમ મારી, “બાબા, જો, તું કપડાં બગાડશે. ઊભો થા. કુસુમ, તુ બાબાની સાથે દડાથી રમ જો.” કુસુમ તેમની આઠ વર્ષની પુત્રી હતી. કુસુમે દડાથી રમવા માંડયું, બાબાને આ રમતમાં પરાણે જોડયો, પણ બાબાનું ચિત્ત તો પેલાં માટીનાં રમકડાંમાં હતું. તે રમકડાં કરવા માંડયો. બાબાની બાએ આ જાણ્યું એટલે તેણે ફરી પાછી બૂમ મારી : “બાબા, તું માટી સાથે રમ નહિ; તારા કપડાં બગડશે, મારે કેટલી વાર તે ધોવાં?” પણ બાબો રમતમાં તલ્લીન થયો હતો; તેને રમકડાં બનાવવામાં બહુ મજા પડી હતી. બાબો ત્યાંથી ખસ્યો નહિ. પોતાના હુકમનો આવો અનાદર જોઈને બાને ક્રોધ ચડયો; તે બાબા પાસે ગઈ, અને તેનો હાથ પકડી તેને પરાણે ઘરમાં લઈ ગઈ.

બાબો એકાગ્ર થઈ શકે છે કે નહિ? બાબાની એકાગ્રતામાં કોણે ભંગ પાડયો? બાબાની બાએ જ તેને એકાગ્ર ન થતાં શીખવ્યું હતું. બાબાને પોતાના વિકાસની પડી હતી; તેની સર્જનશક્તિને તે પ્રગટ કરતો હતો; એનાં લૂગડાં સુંદર, કીમતી હોય કે તદ્દન ગાભા જેવાં હોય તેનું કાંઈ મહત્ત્વ તેને મન ન હતું.
આવું અનેક વાર બનતું હતું, “બાબા, તું માંદો પડીશ, તને શરદી થઈ જશે, માટે તું પાણીની રમત રમ મા.” આવા આવા નિષેધો બાબાની એકાગ્રતામાં વારંવાર ભંગ પાડતા હતા. બાબો એકાગ્ર બની શકતો હતો; પરંતુ તેની બા તેને એમ કરતાં અટકાવતી હતી.
બાને બાબા ઉપર ઘણું હેત હતું, બાબાનું ભલું કરવા જ તે ઇચ્છતી હતી; પરંતુ બાબાનું ભલું શેમાં છે તેની તેને સૂઝ ન હતી. તે બાબાના હૃદયમાં ઊંડી ઊતરી શકતી હોત, તો તે બાબાને સમજી શકી હોત, અને તેની એકાગ્રતામાં તેને મદદરૂપ થઈ શકી હોત.
બાળકો શીખે છે :
બાળકો ચાલતાં, ખાતાં, બોલતાં, નાહતાં, માથું ઓળતાં, લૂગડાં પહેરતાં, બટન બીડતાં શીખે છે; આ ઉપરાંત તે રમતો રમે છે; માટીનાં રમકડાં બનાવે છે, કાગળની આકૃતિઓ બનાવે છે; લીટા કરે છે, કાગળ કાપે છે, તે કાગળની આકૃતિઓ ચોડે છે; તે અનેક વસ્તુઓ બનાવતાં શીખે છે.
આ બધું તે કેવી રીતે શીખે છે ? :
કેટલુંક તો તે અંદરની પ્રેરણાથી શીખે છે; જેમ કે ચાલતાં શીખવું. તેના અવયવો ધીમે ધીમે કેળવાતા જાય છે, તેઓમાં જોમ આવે છે. અને બાળક ચાલતાં શીખે છે તે પડી જાય છે, પણ તે વારંવાર પ્રયત્ન કરે છે અને છેવટે તે ચાલતાં શીખી જાય છે.
બીજું કેટલુંક તે અનુકરણથી શીખે છે. બા રોજ નવરાવે છે; બાળક રોજ નાહવાનો અનુભવ કરે છે; તે બાની ક્રિયાઓ પ્રમાણે ક્રિયાઓ કરે છે અને તે જાતે નાહતાં શીખી લે છે. કપડાં ધોવાનું, વાળવાનું, સાફ કરવાનું કામ બાળક અનુકરણથી કરે છે.
કેટલુંક કામ બાળકને શીખવવું પડે છે. તે જાતે શીખે છે, અનુકરણથી શીખે છે તેમાં પણ માતા તરફથી અને બીજા તરફથી સલાહ, સૂચના, શિક્ષણ મળે છે. રકાબી પકડતાં શીખવામાં આ બધી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. સ્વયંસ્ફુરણા, અનુકરણ અને શિક્ષણ, સર્વ આમાં ભાગ ભજવે છે. માતા તેને રકાબી પકડતાં શીખવે છે; તે કેવી રીતે શીખવે છે? કેવા વાતાવરણમાં તે સારામાં સારી રીતે શિખાય છે?
માતા માને છે કે બાળકને રકાબી પકડતાં શીખવું છે. તે સહકાર આપવા તૈયાર છે. બન્ને વચ્ચે મિત્રાચારી ભરેલું, પ્રેમ ભરેલું વાતાવરણ છે. માતા એક વાર નહિ પણ અનેક વાર સૂચના આપે છે : “બાબા, રકાબી આમ પકડ.” બાબો તે પ્રમાણે કરવા પ્રયત્ન કરે છે; તેમાં તે સફળ થાય છે; તે રકાબી સાચી રીતે પકડી શકે છે; માતા ખુશ થાય છે, બાબા ઉપર પ્રસન્ન થાય છે, તેનાં વખાણ કરે છે; “બાબો બહુ ડાહ્યો છે. તેને રકાબી પકડતાં આવડી ગયું.” અને આપણે મોટાં પણ કેવી રીતે શીખીએ છીએ? આમ જ શીખીએ છીએ ને!
બાબાની ભૂલ થાય ત્યારે ગુસ્સે થવાથી બાબો શીખતો નથી; બાબો થોડુંક શીખ્યો હોય છે તે પણ ભૂલી જાય એવી એવી સ્થિતિ ઊભી થાય છે; તેનો આત્મવિશ્વાસ ચાલ્યો જાય છે; તેને લાગે છે; મને આવડશે નહિ. બાબો ભૂલ કરે એ સ્વાભાવિક છે. તેનો સ્વીકાર કરીએ તો ગુસ્સે થવાની જરૂર રહેતી નથી. તો તો એમ સમજાશે કે ગુસ્સો કરવો એ ખોટું છે, ઊલટું બાળક પોતાની અપૂર્ણતાથી નાસીપાસ ન થાય તે માટે તેને હિંમત આપવાની જરૂર છે. બાબા ઉપર ગુસ્સો કરવાને બદલે બાબાને ઉત્તેજન આપવું જોઈએ; બાબાને રકાબી પકડતાં ન આવડે ત્યારે એમ કહેવું જોઈએ, “બાબા, ફરીથી પકડીશ ત્યારે તને આવડશે.”

બાબાને ન આવડે ત્યારે ગુસ્સો કરવો અથવા ઉત્સાહ આપનાર વચનો કહેવાં એ બે વચ્ચે કેટલો બધો તફાવત છે! એકમાં બાળક નિરાશ થઈ જાય, તેનો આત્મવિશ્વાસ ચાલ્યો જાય, તેની સહીસલામતી ઓછી થાય; અને બીજામાં બાળકનો ઉત્સાહ ચાલુ રહે. તેને આવડશે એ વિચાર ઉપર તેની દૃષ્ટિ રહે, અને તેને જરૂર આવડે.

અને જ્યારે બાળક સફળ થાય ત્યારે તેનો આનંદ પ્રદર્શિત કરવાથી બાળકનું શિક્ષણ દૃઢ થાય છે. આપણને મોટાને પણ આ જ રીતે શીખવું ગમે છે ને? આપણી ભૂલ થાય ત્યારે પણ આપણને પ્રોત્સાહન મળે તો આપણી શીખવાની તત્પરતા વધે છે.

જ્યાં અસત્ય સત્ય સમાન બને છે :

“હેં! આ શું! બેબી આવું હડહડતું જૂઠાણું બોલે છે!” પિતા મનમાં વિચારે છે; પછી બેબી તરફ ફરીને પૂછે છેઃ

“બેબી, તું માસીને શું કહેતી હતી?”

“ હું માસીને કહેતી હતી કે માસી, પેલા ટેબલક્લોથ પરનું ભરત મેં ભર્યું છે, અને બાબલાનાં મોજાં મેં ગૂંથ્યાં છે?”

“એ બધું શું તે કર્યું છે? આ તે કેવી જુઠ્ઠી છોકરી થઈ! જા, આજે તારે જમવાનું નથી.”

બેબી આજે જમ્યા વિના રોતી રોતી સૂઈ ગઈ. તેને છ વર્ષ થયાં હતાં, તે અસત્ય બોલતી હતી તે વાત સાચી હતી; પરંતુ વિચાર કરવા જેવું એ છે કે તે શા માટે જૂઠું બોલતી હતી? તેને આવું કરવાનું શું કારણ હતું? ખરી રીતે તેમ કરવાને તેની પાસે સબળ કારણો હતાં. તેને કામ કરવાની ઇચ્છા થતી હતી, પરંતુ તેની બા તેને કામ કરવા દેતી નહિ; “તને તે આવડે નહિ.” “તું તે બગાડીશ અને મારું કામ વધારીશ,” “બેબી, આ કરતાં તો તું બહાર જતી રહેતી હોય તો સારું. તું બહુ આડી આવે છે.” બેબીને કામ કરતાં શીખવું હતું; તેણે તેની માતાના જેવું કાર્ય કરવું હતું. તેને પોતાના હાથને કેળવવા હતા; વળી વધારામાં તેને કુટુંબને ઉપયોગી થવું હતું. “બા આટલું બધું મારા માટે, અમારા સહુના માટે કરે છે. બાપા અમારા માટે કેટલી મહેનત લે છે; તો હું પણ કાંઈક કરું ને?” કેવાં પ્રબળ કારણો તેને કામ કરવા પ્રેરી રહ્યાં હતાં! પણ તેની બા તેને સમજી શકતી નહિ; તેની બા પોતાની સગવડની દૃષ્ટિએ જ જોતી હતી અને સગવડ ટૂંકા ગાળાની હતી. બેબીને કામ કરવા દેવામાં ન આવે તો તેનું વ્યક્તિ તરીકે સન્માન ન કર્યું કહેવાય, તેની પ્રબળ અને ગંભીર જરૂરિયાત પ્રત્યે દુર્લક્ષ કર્યું કહેવાય. તેના ઉપર પૂરેપૂરો સ્નેહ ન દાખવ્યો કહેવાય. આવા વાતાવરણમાં તેને સહીસલામતી કેવી રીતે લાગે? તેનો આત્મવિશ્વાસ કેવી રીતે વધે? તે લઘુતાની લાગણી જ અનુભવે ને? પછી એ લઘુતાને ઢાંકી દેવા, પોતાના અહંને પોષવા “મેં આ કર્યું અને તે કર્યું” એમ બોલે તો તેમાં શી નવાઈ છે?

શું બેબી ખરેખર જૂઠું બોલી હતી? ન્યાયાધીશની દૃષ્ટિએ તે અસત્ય બોલી હતી; પરંતુ શિક્ષક અને માનસશાસ્ત્રીના હૃદયમાં વસતી ન્યાયબુદ્ધિ કહેશે, બેબી હકીકતને પોતાની રીતે વ્યક્ત કરવા માગતી હતી. તે કહેવા માગતી હતી, “હું કામ માગું છું, હું કામ શીખવા માગું છું. હું બાને, બાપાને મદદ કરવા માંગું છું. પણ તમે મને શા માટે તેમ કરવા દેતાં નથી ?”

બેબીની વાતમાં માનસશાસ્ત્રીય સત્ય હતું; માબાપે તે સમજવું જોઈતું હતું, તે સ્વીકારવું જોઈતું હતું. અને બેબીને ઠપકો આપ્યા સિવાય; સસ્નેહ તેને શક્તિ મુજબનું કામ સોંપ્યું હોત, તેના કામની કદર કરી હોત તો તેનું જીવન કેવું કૌશલ્યભરેલું અને પ્રસન્ન બન્યું હોત !

આપણે બાળકને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.