મિત્રો વિષે બેદરકારી રાખતાં મા-બાપો
બાળકને સમય જતાં ઘણા મિત્રો બને છે. પરંતુ એ સૌમાંથી તેને એકાદ—બે સાથીદાર વધુ પસંદ હોય છે. તેની સાથે તે અનેક પ્રકારના વ્યવહારમાં વધુ રહેતો હોય છે. અને અભ્યાસકાળ પૂરો થઇ ગયા પછી પણ તેની સાથેનો સંબંધ જળવાઇ રહેતો હોય છે. પરંતુ ઘણાં મા—બાપ એવાં હોય છે કે પોતાના પાલ્યના મિત્રો કોણ છે, કેવા છે, તેની આદતો કેવી છે તેની દરકાર રાખતાં નથી. પરિણામે ભવિષ્યમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો વખત આવે છે. અયોગ્ય મિત્ર તેના વિકાસમાં નડતરરૂપ થાય છે. પરિવાર માટે પણ સમસ્યા ઊભી કરી શકે છે. સારી ઉજ્જ્વળ કારર્કિદી ધરાવતા વિદ્યાર્થી પણ ખરાબ સોબતના લીધે અવળે માર્ગે ચડી જતા હોય છે. પોતાના પાલ્યના મિત્રમાં, વ્યવહારમાં ખામી જેવું જણાય તો તેને તરત જ રોકવો જોઇએ. આવાં પગલાં સાવધાનીપૂર્વક વેળાસર લેવાય તો ઘણી અયોગ્ય ઘટના ટાળી શકાય છે.
ઘરની સામાન્ય વાતચીત દરમિયાન મિત્રો સાથે કેવો વ્યવહાર રાખવો જોઇએ તે પણ સરળતાથી સમજાવી શકાય. સાદા અને સરળ વ્યવહારમાં નીચેની બાબતોનો સમાવેશ કરી શકાય.
૧. મિત્રોનો વિશ્વાસ ન તોડવો.
૨. તેની ગેરહાજરી દરમિયાન વારંવાર તેના ઘેર ન જવું
૩. બન્ને પરિવારની ગુપ્ત વાતો કહેવાનું ટાળવું.
૪. વાણી—વ્યવહાર અને ચારિત્ર્ય બાબતે શિસ્ત રાખવી.
૫. સ્વાર્થ અને કોઇપણ પ્રકારના ભેદ વગર સંબંધ રાખવો.
૬. તેના અવગુણ બાબતે તેના પરિવારનું ધ્યાન દોરવું.
૭. તેના વિકાસમાં કે મૂંઝવણમાં સહાયરૂપ થવું.
સારા મિત્રો થાય તે માટે શિક્ષક—ગુરુની ભૂમિકા
ભારતીય સંસ્કૃતિમાં ગુરુ ઉચ્ચ સ્થાને છે. નીચેની ચોપાઇ આ વાતને વધુ સ્પષ્ટ કરી મહત્ત્વ
આપે છે.
“ગુરુ ગોવિંદ દોનોં ખડે કિસકો લાગુ પાય
બલિહારી ગુરુદેવ કી જિસને ગોવિંદ દિયો બતાય !”
પ્રભુને પામવા માટે પણ ગુરુને અનોખી સાંકળરૂપ કડી માનવામાં આવે છે. આથી ગુરુની ભૂમિકા ભજવતો શિક્ષક બાળ વિકાસમાં, વ્યક્તિ વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તે વિદ્યાર્થીનો ગુરુ, મિત્ર અને વાલી પણ બની શકે છે. નીચે દર્શાવેલ મુદ્દાઓ દ્વારા તે વિદ્યાર્થીને સારા મિત્રો આપી શકે છે.
૧. સંવેદનશીલ કે કોયડારૂપ બાળક માટે તે વર્ગખંડમાં અન્ય વિદ્યાર્થી સાથે ચર્ચા કરી તેને ઉપયોગી થાય તેવા વિદ્યાર્થી સાથે દોસ્તી કરાવી શકે.
૨. શાળાના વાલીદિનના દિવસે તેના માતાપિતા સાથે ચર્ચા કરી તેને સારા મિત્રોનાં નામ આપી તેની સાથે મિત્રતા રાખવાનું સૂચન કરી શકાય.
૩. ક્યારેક તેના ઘેર મુલાકાત લઇ તેના ઘડતર, ભણતર અને તેના મિત્રો વિશેની નિખાલસ ચર્ચા કરી શકાય. આવી મુલાકાત પરિવારના સૌ કોઇ માટે અસરકારક બની શકે.
૪. અભ્યાસમાં, ઇતરપ્રવૃત્તિમાં કે પછી અન્ય કામોમાં નબળા પડતા વિદ્યાર્થીને અન્ય સેવાભાવી વિદ્યાર્થીને સહકાર આપવા સમજાવી શકાય.
૫. વર્ગખંડમાં પણ તે મિત્રની અગત્યતા સમજાવી શકે છે.
૬. મિત્ર એ પરિવારનો ન હોય છતાં તે ઉત્તમ શુભેચ્છકોની ગરજ સારે છે. તેનું સ્થાન પરિવારના સભ્ય કરતાં જરાય ઊતરતું નથી. આમ તેનું મહત્ત્વ આગળ ધરી શકાય.
૭. આડા માર્ગે ચડેલાને સીધા માર્ગે લાવવામાં મિત્રોનો પ્રયાસ ખૂબ જરૂરી હોય છે. તેની મદદ અસરકારક સાબિત થાય છે.
૮. સારો મિત્ર સ્વાર્થી કે દગાબાજ હોતો નથી. તે કોઇ પણ સમસ્યા કે મડાગાંઠમાં મધ્યસ્થી બની શકે, આ વાતો કરવાથી મિત્રની અગત્યતા ઊપસી શકે છે.
૯. તેમાં માન—પાન કે ઔપચારિકતાને સ્થાન હોતું નથી.
૧૦. આર્થિક સ્થિતિ, સામાજિક પ્રતિષ્ઠા, હોદ્દા કે અન્ય નાના—મોટા મોભાને સારો મિત્ર સ્થાન આપતો નથી.
તો આવો, આપણાં દીકરા—દીકરીઓને સારા મિત્રો મળી રહે અને તે જીવનભર ટકી રહે તેવા પ્રયત્ન કરીએ.