બાલમૂર્તિ સાથે નાતો રમતાં રમતાં જોડાઈ ગયો. હું એક કોલેજમાં પ્રશિક્ષણ આપતાં અધ્યાપકની કક્ષાથી ભણાવતી હતી ત્યારે બાલમૂર્તિ હાથમાં આવેલું. નિવૃત્તિના નિરાંતના દિવસોમાં પણ એ મેગેઝિન વાંચવાનું હું ચૂકતી નહીં. એક વાર શાંત મને વિચારતી હતી ત્યારે કંઈક લખવાની વૃત્તિ મનમાં સળવળવા લાગી… પછી તો ઘણીવાર લેખો લખીને બાલમૂર્તિમાં મોકલવાનું થયું.

નૂતન બાલશિક્ષણ સંઘના અન્વયે ચાલતી ઘણી પ્રવૃત્તિઓમાં ફક્ત વડોદરા જ નહીં પરંતુ ભાવનગર, મુંબઈ, પૂના વગેરે પણ સંકળાયેલા છે. પૂનામાં જો કે મરાઠી ભાષામાં કાર્ય થઈ રહ્યું છે. જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા, પ્રકલ્પો દ્વારા બાળમેળાનાં આયોજનો દ્વારા પૂજ્ય શ્રી જુગતરામ દવે અને શ્રી જયંતભાઈ શુક્લએ ઘણું યોગદાન આપેલ. એ રીતે મહારાષ્ટ્રમાં શ્રી રમેશ પાનસે, રાજીવ તાંબે વગેરે કાર્યરત છે. અને તે ખરેખર બિરદાવવા યોગ્ય છે. બાલમૂર્તિ આ રીતે પોતાની ભૂમિકા બખૂબીથી નિભાવી રહ્યું છે. શિક્ષણ જગતમાં જાગૃતિ લાવવાનું અમૂલ્ય કાર્ય થઈ રહ્યું છે.

આ થઈ બાલશિક્ષણની વાત. પરંતુ શૈક્ષણિક વ્યવસાયમાં આજે ઘણા પડકારો સામે આવી રહ્યા છે. અત્યારના કોરોના મહામારીના સંજોગોમાં અનેકગણા પ્રશ્નો ઊભા થયા છે. આ પ્રશ્નો ભાર વિનાનું ભણતર બનાવવાના રસ્તાઓ શોધવામાં જ પૂરા થઈ જતા નથી. ભાર વિનાનું ભણતર જરૂર જોઈએ… પરંતુ હળવી રીતે, સાહજિક રીતે, ચોકસાઈપૂવર્ક આયોજન કરીને આપણે શાળાના ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક કક્ષાએ પણ શિક્ષણને રસમય બનાવવાનું છે. માહિતીના ખડકલા કરીને બાળકોને ગોખણિયાં બનાવીને ફક્ત પરીક્ષા પૂરતું જ્ઞાન આપીને… સીલેબસ પૂરો કરવાની મથામણ કરતા અને મહિનાને અંતે પગાર મળે છે ને! એની ચિંતાઓ કરતા શિક્ષકોએ હવે ફરી વિચાર કરવો પડશે… બાળકોને અંદરથી ઝંઝોડી નાખવાનાં છે. તેમને ફક્ત પ્રશ્નોનાં મૂળ કારણો સુધી દોરી જવાનાં નથી કે ફક્ત અંગુલિનિર્દેશ કરીને અટકી જવાનું નથી. તેના ઉકેલ માટે પણ પ્રતિબદ્ધ કરવાનાં છે. એ પણ તેમને બોજા હેઠળ કચડી નાખવાનાં નથી પણ સાહજિક રીતે… રમતાં રમતાં… ખેલતાં કૂદતાં… અને અચાનક તેમના ચિત્તાકાશમાં તેજનો લીસોટો ઊપસી આવે… અચાનક ખરેલો તણખો… છેલ્લી પાટલીએ ગુમસુમ બેઠેલા વિદ્યાર્થીને પણ જાગૃત કરી ભણવા તરફ ખેંચી લાવે… એ માટે હવે શિક્ષકોએ નવી પેઢીને સજ્જ કરવાની છે.

આવો એક સ્તુત્ય પ્રયોગ ડૉ.વિજય સેવક કરી રહ્યા છે. છેલ્લા કેટલાંક વર્ષોથી થિયેટર અને ડ્રામેટિક્સ ઈન ઍજ્યુકેશનના તાલીમ વર્ગો દ્વારા ખરેખર આ ભગીરથ પ્રયત્ન છે અને એક દિવસ ગુજરાત રાજ્ય તેને માટે ગૌરવ લઈ શકશે.

આ કોર્સની ખબર મને વોટ્‌સએપ ગૃપ — એજ્યુકેશન થિન્કર્સ ગૃપમાં જોડાવાથી મળી. એ માટે મારે શ્રી નલીનભાઈ પંડિત સાહેબનો ખૂબ ખૂબ આભાર માનવો પડે. આ ગૃપમાં થઈ રહેલી શૈક્ષણિક વાતો મને ઝંઝાવાત જેવી લાગતી અને સાથે સાથે પડકારોને કેવી રીતે ઝીલવા એનો પણ ચિતાર મળી રહેતો. એમાં એક દિવસ સેવક સાહેબનો આ કોર્સનો નિર્દેશ જોઈને એ કરવાનું મન થયું. ખરેખર અત્યારે ૬૭—૬૮ વર્ષે મારે ભણવાની કોઈ જરૂર હતી. પરંતુ થયું કે આ નવા પડકારોને ઝીલવાનો રસ્તો કેવી રીતે બતાવે છે તે શીખવું ખૂબ જરૂરી છે.

આ કોર્સ ગાંધીનગર યુનિવર્સિટીના ટીચર એજ્યુકેશન સેલ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. કોઈ પણ બારમું ધોરણ પાસ અથવા શિક્ષક કરી શકે. આ કોર્સ કરતાં મને સમજાયું કે શ્રી ગિજુભાઈએ તો આવા અનેક પડકારો ઝીલ્યા અને બાળશિક્ષણના સમુદ્રમાં મરજીવાની જેમ કૂદી પડયા અને આપણે માટે અમૂલ્ય મોતીઓ લઈ આવ્યા. કેટલું સરસ! પરંતુ શું બાળશિક્ષણ પાસે જ અટકી જઈશું તો શિક્ષણની આગળની મજલ કેમ કાપશું? ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શિક્ષણના અનેક પ્રશ્નો ઊભા કરતી કટોકટીને જો આપણે પહોંચી વળવું હોય તો શિક્ષકે કાયમ શીખતા રહેવું પડશે અને એ માટે નવી પ્રેરણા — નવા પ્રયોગો, નવી પદ્ધતિઓને અપનાવવી પડશે. આ કોર્સને રંગમંચ સાથે ઝાઝો લેવાદેવા નથી. પરંતુ વર્ગની ચાર દીવાલો વચ્ચે ટીકી ટીકીને જોઈ રહેલી આંખોમાં વિસ્મય, આશ્ચર્ય, ચમત્કૃતિ અને કાંઈક નવું મેળવવાનો આનંદ આપણે કેવી રીતે લાવી શકીએ. આપણા અભ્યાસક્રમમાં, દરરોજના વર્ગશિક્ષણમાં તેનો ઉપયોગ કેવી રીતે લાવી શકીએ તેની ચાવી જરૂરથી મળી શકશે.

આપણા વર્ગની ચાર દીવાલો વચ્ચે બાળકોને ભૂતકાળના ઈતિહાસમાં… એ વર્ણવેલી ભૌગોલિક પરિસ્થિતિઓમાં કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તરફ કેવી રીતે લઈ જઈ શકીએ એ આ પ્રયોગાત્મક શૈલી દ્વારા શીખી શકીશું.

મને આ કોર્સ કરતાં લાગ્યું કે આપણે હજી જૂના માળખાને વળગી રહ્યાં છીએ. બંધિયાર બની ગયાં છીએ. જો, નવી શિક્ષણનીતિ ૨૦૨૦ ને સફળ બનાવવી હશે તો હજુ ઘણું બધું શિક્ષકોએ, વાલીઓએ, પાઠયપુસ્તક અને અભ્યાસક્રમના રચનાકારોએ, શાળાના આચાર્યોએ તથા શાળાની મેનેજિંગ કમિટીએ પણ ઘણું ઘણું શીખવું અને બદલાવું પડશે TIE અને DIE એ તરફનું પહેલું પગલું છે.