એક શિક્ષક હોવાના નાતે હું અવારનવાર અનેક પ્રયોગો કરતો રહું છું, પણ આ વખતનો પ્રયોગ બાળકો કરતાં મને વધુ શીખવનાર બની રહ્યો. મોટેભાગે શિક્ષણતંત્રમાં એક શિક્ષક કેવો હોવો જોઈએ? — તે બાબત પર ભાર મુકાય છે પણ બાળકોને કેવા શિક્ષક ગમે? —એ બાબત સાથે તેનો કોઈ મેળ થાય છે ખરો!

મેં આ બાબત જાણવા બાળકોને જ પ્રશ્ન કર્યો કે તમને કેવા શિક્ષક ગમે? આ પ્રશ્નનો જવાબ તેમણે લેખિતમાં આપવાનો હતો. જેમાંથી મને મારી જાતને તપાસવાના ઘણા બધા જવાબો મળ્યા. જેમાંના કેટલાક મુખ્ય અભિપ્રાયો હતા કે,

• સારી રીતે ભણાવે
• ગુસ્સો ના કરે
• પ્રેમથી સમજાવે
• મારે નહિ
• બધાની વચ્ચે ઉતારી પાડે નહિ
• અમને સાંભળે

આ બધી બાબતોમાં એક વિદ્યાર્થીંએ લખેલ અભિપ્રાય મારા હૃદય સોંસરવો ઊતરી ગયો. તેણે લખ્યું કે “શિક્ષક પોતે જે કરતા હોય તે જ અમને કરવાનું કહે.” એક શિક્ષક તરીકે હું બાળકોને ક્યારે શીખવી શકું, તેનો યોગ્ય ઉત્તર મને આ વિદ્યાર્થીં દ્વારા મળી ગયો.

વિદ્યાર્થીંએ લખેલ આ બાબત સીધા જ આપણા આચરણ દ્વારા શીખવવા પર આંગળી ચીંધે છે. શાળામાં કે ઘરમાં રહેલું દરેક બાળક દરેક પરિસ્થિતિમાં શિક્ષક અને માતાપિતાના આચરણનું અવલોકન કરતું રહેતું હોય છે. દરેક બાળકને એ ખબર જ હોય છે કે, અમારા શિક્ષક કે માતાપિતા અમને જે કરવાનું કહે છે તે પોતે કરે છે કે નહિ. કોઈ ઉપદેશ આપે પણ પોતે જ તેનું અનુસરણ ન કરે તેના પ્રત્યે આપણને કેવો ભાવ આવે, તેવો જ ભાવ શાળામાં રહેલ બાળકને આપણા પ્રત્યે આવતો હશે. આવું જ એક ઉદાહરણ છે કે મંદિરમાં ઉપવાસમાં ભૂખ્યા રહેવાનું મહત્ત્વ સમજાવનાર પૂજારીએ સભા પૂરી થતાં જ સભામાં રહેલ એક વ્યક્તિની પાસે જ પોતાના માટે ફરસાણની દુકાનેથી ભરપેટ ફરાળ લઈ આવવાનું કહ્યું અને તે વ્યક્તિ વિચારતો જ રહ્યો. અહી પૂજારીએ સભામાં કહેલ વાતની કોઈ જ અસર થાય ખરી? બસ, આપણા માટે પણ કંઈક આવું જ છે.

હેલ્મેટ વિના શાળામાં આવતા શિક્ષક કેવી રીતે બાળકોને ટ્રાફિકના નિયમો શીખવી શકે? વ્યસન ખરાબ છે કહેનાર શિક્ષક જ કોઈ વ્યસન કરતા હોય તો તેની કેટલી અસર બાળકો પર થાય? મારી સામે ઊંચા અવાજથી વાત કરે છે, એવું ઊંચા અવાજથી જ કહેનાર પિતાજી પાસેથી બાળક કેવી રીતે શીખી શકે? બાળકોને કહેવાથી, હા એ વાત ચોક્કસ છે કે બાળકોને સંભળાવી શકાય પણ શીખવી ન શકાય કારણ કે સાંભળેલું માત્ર સાંભળવામાં પરંતુ જીવેલું શીખવવામાં કામ લાગે છે. બાળકોને શીખવવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય આપણું આચરણ જ છે. બાળકોને જે પણ શીખવવા ઈચ્છીએ છીએ તેની શરૂઆત પ્રથમ પોતાનાથી પછી જો બાળકથી કરીશું તો બહારના કોઈના ઉદાહરણ આપવા નહિ પડે.

કોઈએ સરસ લખ્યું છે કે “તમે જે કરો છો તે એટલું જોરજોરથી પોકારે છે કે તમે જે કહો છો તે કોઈને સંભળાતું નથી.”

તો ચાલો, આજથી જ એક માતા—પિતા અને શિક્ષક તરીકે નક્કી કરીએ કે “પહેલ મારાથી, પછી બાળકોથી.”