ગત અંકમાં ચેતન બાલવાડીમાં માતૃભાષાના મહત્ત્વ વિશેના થયેલા પ્રયોગના પ્રતિભાવોમાંથી વાલીશ્રીનો પ્રતિભાવ આપ વાચક મિત્રોએ વાંચ્યો, આ અંકમાં ત્રીજો પ્રતિભાવ વાંચીએ.

માતૃભાષા એટલે જે ભાષામાં આપણે વિચાર કરી શકીએ, જે ભાષામાં રડી શકીએ, આપણી તમામ લાગણીઓ વ્યક્ત કરી શકીએ તે આપણી માતૃભાષા.

આપણે ગુજરાતના રહેવાસી છીએ અને ગુજરાતી આપણી માતૃભાષા છે. એ જ ભાષામાં શિક્ષણ, ઘડતર અને સંસ્કાર આપણાં બાળકોને મળે તે ખૂબ જ જરૂરી છે. બાળકોનો સર્વાંગી વિકાસ માતૃભાષા વગર શક્ય નથી.

માતા, માતૃભૂમિ અને માતૃભાષાનો કોઈ વિકલ્પ નથી. પરંતુ આજના સમયમાં શરમજનક સ્થિતિ એ છે કે માતા, માતૃભૂમિ અને માતૃભાષા માટે આપણાં જ ભારતીય ભાઈ—બહેનોને ગર્વ નથી. અંગ્રેજી માધ્યમમાં જ બાળકોને ભણાવવાનો આગ્રહ રાખવાવાળાં કુટુંબો એટલી મોટી સંખ્યામાં વધતાં જાય છે કે આજે ગુજરાતી માધ્યમમાં બાળકોને ભણાવતી સારી શાળાઓ પણ ઘટતી જાય છે. માતા — પિતા બાળકોને ABCD ભણાવી શકે છે પરંતુ કક્કો, ગુજરાતી અંકો, ગુજરાતી મહિનાનાં નામ માતા — પિતાને પણ બાળકને શીખવવું ફાવતું નથી. આવો સમય જોઈએ ત્યારે આપણા લોકોની માનસિકતા જોઈ ચિંતા થાય છે કે કેટલા હદની અંગ્રેજોની ગુલામી આટલાં વર્ષો પછી પણ આપણે ભોગવી રહ્યા છીએ! અંગ્રેજો ગયા પરંતુ અંગ્રેજી મૂકતા ગયા!

અમને ગર્વ છે કે અમારાં બાળકો ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે છે. માતૃભાષામાં શિક્ષણ આપતી ચેતન બાલવાડી અને તેના શિક્ષકો માટે અમને ખૂબ જ આદર તથા ગર્વ છે.

મોટા ભાગના વાલીઓના મત પ્રમાણે બાળકનાં શૈક્ષણિક વર્ષોમાં બોર્ડનાં વર્ષો સૌથી અગત્યનાં છે પરંતુ અમારા મત પ્રમાણે બાળક જ્યારે માતાથી, પોતાના કુટુંબથી છૂટું પડી શિક્ષણ સંદર્ભે પા — પા પગલી ભરે એ સૌથી મહત્વનું વર્ષ છે. અને ચેતન બાલવાડીના શિક્ષકો આ ખૂબ જ સરસ રીતે મા તરીકેની હૂંફ અને પ્રેમ આપી બાળકોને હસતાં રમતાં જે શિક્ષણ આપે છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે.

બાળકના માનસિક વિકાસના સંદર્ભે વિજ્ઞાનીઓના મત અનુસાર દરેક વ્યક્તિનું મગજ એક જટિલ પ્રક્રિયામાંથી પસાર થાય છે. કોઈ પણ નવા શબ્દોને તે પોતાની માતૃભાષાના શબ્દો સાથે મૂલવીને તે પ્રમાણે તેનો અર્થ તારવવાનો પ્રયત્ન કરે છે. ઉદાહરણરૂપે Rose is a red flower- આ વાક્યને સમજવા માટે આપણું મગજ દરેક શબ્દનો ગુજરાતી અર્થ શોધે છે અને તે પ્રમાણે તેનું અર્થસભર વાક્ય ગુજરાતીમાં બનાવે છે. આ જટિલ પ્રક્રિયા પુખ્તવયની વ્યક્તિના મગજમાં મહાવરાના કારણે એટલી ઝડપથી થાય છે કે આપણને એ પ્રક્રિયા ધ્યાનમાં આવતી જ નથી. પરંતુ એક બાળક માટે આ પ્રક્રિયા ખરેખર જટિલ છે. બીજી ભાષાને સરળતાથી શીખવા માટે માતૃભાષાના શબ્દોનો વ્યવસ્થિત માત્રામાં ભંડાર હોવો જરૂરી છે અને આ રીતનું શિક્ષણ માતૃભાષામાં મળે તે ખૂબ જ જરૂરી છે. તેથી આ રીતનું શિક્ષણ આપતી “ચેતન બાલવાડી” ઉત્તરોત્તર પ્રગતિ કરે અને તે દેશ — વિદેશમાં પ્રશંસા પામે તેવી અભ્યર્થના.