આપણી કઠણાઈ એ છે કે આપણને આપણા બાળકને પ્રથમ સ્નાન કરાવવાનો મોકો જ નથી મળતો! દવાખાનામાં આયાબહેન અને ઘરે થયેલ જન્મમાં સુયાણી જ બાળકને પ્રથમ સ્નાન કરાવે છે. બાળકને સ્નાન કરાવવું એ એક અદ્‌ભુત આનંદની બાબત છે. જો માતાની તબિયત બરાબર ન હોય તો ઘરના કોઈ વડીલની મદદથી પિતા આ કામ કરી શકે. આજ કાલ તો બાળકને નવડાવવા માટે બહારની બાળસ્નાન નિષ્ણાત સ્ત્રીને બોલાવવાની પણ ફેશન છે !

બાળકના સ્નાનનું મહત્ત્વ બાળકને ચોખ્ખું કરી આપવા પૂરતું જ નથી, પરંતુ એના સ્પર્શકેન્દ્રોને આંદોલિત કરીને એનો સંવેદનાત્મક વિકાસ કરવાનું પણ છે. એનાથી બાળક માબાપ સાથે સ્નેહસંબંધથી જલદીથી જોડાય છે. સ્નાન કરાવતી વ્યક્તિ સાથે આ લાગણીભર્યા સ્પર્શને કારણે બાળક આત્મીયતા પણ કેળવે છે. જિંદગીભરની લાગણીનો પાયો આ અર્ધા કલાકના સ્નાન વખતના સ્પર્શથી પણ નખાતો હોય છે. એટલે બને તો માતા—પિતાએ જ બાળકને નવડાવવું.

સાવ નાનકડા બાળકને બે રીતે નવડાવી શકાય :

૧. સ્પંજ બાથ (કપડાના પોતાથી સ્નાન) : નાળ ખર્યા પહેલાં આ પ્રકારનું સ્નાન ઉત્તમ રહે છે. પરંતુ સંપૂર્ણ સ્નાન પણ આપી શકાય.

૨. સંપૂર્ણ સ્નાન અથવા ટબસ્નાન : નાળ ખરી ગયા પછી હૂંફાળા પાણીમાં બાળકને સ્નાન કરાવી શકાય. નાનકડી ગોળ કાંઠાવાળી તાંબડી કે નાના ટબમાં પણ આ પ્રકારનું સ્નાન કરાવી શકાય.

હવે સ્નાનના આ પ્રકાર વિગતે જોતાં પહેલાં થોડા અગત્યના મુદ્દાઓ ધ્યાનમાં રાખી લઈએ :

• બાળકને એકલું બાથરુમમાં ક્યારેય ન રાખવું. તાંબડી કે ટબમાં બાળક હોય ત્યારે તો સેકંડ માટે પણ એને એકલું ન છોડવું. તાંબડી કે ટબમાં પાણી ૨ થી ૬ ઈંચથી વધારે ન ભરવું. તાંબડી તેમજ ટબમાં સુતરાઉ કે ટર્કીશનો ટુવાલ રાખવાથી બાળક વારંવાર સરકી નહીં જાય.
• નવડાવતી વખતે પાણી તેમજ વાતાવરણ બંને હૂંફાળાં રાખવાં.
• સાબુ, તેલ, ચણાનો લોટ, મલાઈ વગેરે વસ્તુઓ નવડાવનાર વ્યક્તિ સહેલાઈથી આંબી શકે તેમ ગોઠવવાં.
• ઘોંઘાટ કે જોરશોરથી વાગતા ગીતોને બદલે હળવું સંગીત રાખી શકાય.
• નવડાવનાર વ્યક્તિએ પોતાના હાથ સાબુથી ઘસીને ધોવા તેમજ નખ કાપેલા રાખવા. હાથમાં ગૂમડું કે પાક જેવું થયું હોય તેવી વ્યક્તિએ સ્નાન ન કરાવવું.
• બાળકની ચામડી સૂકવી ન નાખે તેવા પદાર્થોનો ઉપયોગ કરવો.

શિયાળામાં ગ્લીસરીનયુક્ત સાબુ વાપરવો, કોઈ પણ કંપનીએ બનાવેલ તેલ ન વાપરવું. તલનું તેલ શ્રેષ્ઠ ગણાય છે, કોપરેલ ચાલે. સાબુ તેમજ લાલ, લીલા, સફેદ તેલની જાહેરખબરથી ભરમાઈ ન જવું.

નવડાવતાં પહેલાં નીચે લખેલ વસ્તુઓ તૈયાર રાખવી.

૧. બાળકને લૂછવા માટેનો ટુવાલ તેમજ વીંટાળવા માટેનું કપડું.
૨. દૂંટી પર લગાવવા માટેની દવા (જાંબુડી દવા—Gentian Violet આ માટે ઉત્તમ ગણાય છે.)
૩. બાળકની નીચે રાખવાનું કપડું.
૪. તલનું હૂંફાળું તેલ, ખૂબ ગરમીની સીઝનમાં તેલ માલિશ ન કરવું.
૫. સાબુ (પીઅર્સ, હિમાની વગેરે ગ્લીસરીનયુક્ત કોઈ પણ સાબુ).
૬. બાળકની સૂવાની જગ્યા, સ્વચ્છ કપડાં, પથારી તૈયાર રાખવી. બાળકને નાહ્યા પછી તરત જ ઊંઘ આવશે.
૭. પોસાય તો વીડીયો કેમેરા !!

હવે સૌ પ્રથમ બાળકને સ્પંજ કરાવવાની રીત જોઈએ :

બાળકને હૂંફાળા વાતાવરણમાં એકાદ જાડા ટુવાલ કે કપડા પર ખુલ્લું મૂકો. એક બહુ ખરબચડું ન હોય તેવું કપડું લો. હૂંફાળા પાણીમાં કપડું ભીનું કરીને સ્હેજ નીચોવી નાખો. પછી બાળકની આંખ પાસેથી એક તરફથી શરૂ કરીને કાન તરફ સાફ કરતાં જાવ. હવે કપડાને ફેરવીને બીજી તરફ પણ આમ જ સાફ કરો. જો બાળકને એક આંખ આવી હોય તો ચહેરાના બંને ભાગ માટે અલગ કપડું વાપરો, જેથી કરીને એક તરફનો ચેપ બીજી તરફ ન ફેલાય. પાણી હૂંફાળું જ છે તે વારંવાર જોતા રહો. પછી માથાથી લઈને પગ તરફ આ રીતે જ સાફ કરતા જાવ. સૌથી છેલ્લે ઝાડા પેશાબની જગ્યા સાફ કરો. પછી એ કપડું બીજે ક્યાંય ન લગાડો. આ રીતે સાફ કરતાં કરતાં બાળકને સ્હેજ જ ખરબચડા ટુવાલથી લૂછતા જવું.

ટબ કે તાંબડીમાં નવડાવવાની રીત :

જો કે સર્વસામાન્ય અને બધા જ જાણતા હોય તેવી રીત હોવાથી એ અંગે વધારે વર્ણનની જરૂર નથી. પરંતુ આ રીતે નવડાવતી વેળાએ મોઢું સૌથી છેલ્લે ધોવું, જેથી પછી તરત બાળકને તેડી લઈ શકાય. તાંબડી કે ટબમાં આગળ જણાવ્યા પ્રમાણે ટુવાલ પાથરી દેવાથી બાળક લપસી નહીં જાય. એક હાથ બાળકના મસ્તક તેમજ પીઠ નીચે રાખી એને ઊંચા પકડી રાખવા, જ્યારે બીજા હાથે બાળકને નવડાવવું.

આની સિવાય પણ આપણા વડીલો જે રીત અપનાવે છે તે પણ ઉત્તમ છે. બાળકને માતા કે વડીલ પોતાના પગ લાંબા કરી એના પર જ ગોઠવી દે છે અને પછી નવડાવે છે.
બાળકને નવડાવી લીધા પછી બને તેટલી ઝડપે એને કોરું કરી નાખવું. પાઉડર છાંટવા કે કપડાં પહેરાવવામાં ખૂબ સમય ન લેવો. ઠંડી ૠતુમાં આનો ખૂબજ ખ્યાલ રાખવો. બાળકના કાન કોઈપણ જાતના બડ્‌સથી સાફ કરવાની કોશિશ કરવી નહીં. એનાથી બાળકના કાનના પડદાને નુકસાન થઈ શકે છે. પાઉડર બાળકના મોઢા તેમજ હાથે પગે લગાવવો નહીં. કાજળ ક્યારેય ન લગાવવું (ઘરનું પાડેલ પણ નહીં). નવડાવ્યા પછી પણ ખૂબ જ કડક ઈલાસ્ટિક વાળાં કપડાં ન પહેરાવવાં.

માણસજાત સદીઓથી નહાતી (અને બીજાને નવડાવતી) આવી છે એટલે આમાંની ઘણી બધી વિગતો સર્વવિદિત હશે જ. છતાં જેમ દરેક બાળકને ચાલવા માટે ક્યારેક તો આંગળીના ટેકાની જરૂર પડે છે, તેવી રીતે જ આશા રાખું છું કે નવાસવા માતા—પિતાને આ બધી માહિતી જરૂર ઉપયોગી નીવડશે જ.