લીંટા કઢાવવાનો ઉદ્દેશ અક્ષર તેમ જ ચિત્ર માટે હાથને સ્થિર અને છૂટો કરવાનો છે. પેન બરાબર હાથમાં રહે અને મરજી મુજબ લાંબા ટૂંકા લીંટા બાળક કાઢી શકે ત્યારે તેની કલમમાં સ્થિરતા અને છૂટ આવી ગણાય.

આ ઉદ્દેશ આપણી સામે રહેવો જોઈએ. મોટાં બાળકોમાં બે જાતના વર્ગો હોય છે. એક એ વર્ગ કે જેમની કલમ કાબૂમાં હોય છે ને તેથી તેઓ ઘણી જ ઝડપથી લીંટા પૂરી શકે છે. આથી તેઓ જાણે કે પેન્સિલ ઘસી ઘસીને રંગ પૂરતાં હોય તેવો ભાસ થાય છે. જ્યારે બીજા વર્ગનાં બાળકો પેન્સિલ ઘસીને રંગ પૂરે છે. તેઓના હાથમાં ખરો કાબૂ આવેલો હોતો નથી. બંનેના કામને જોવાથી જ આવડતનો તફાવત ચોખ્ખો જણાશે. રંગ ઘસનારના ચિત્રમાં સરખો રંગ નહિ દેખાય. રંગની દિશા એક નહિ લાગે. પણ ઝડપથી છતાં ઘસ્યા વિના કામ કરનાર બાળકના ચિત્રમાં રંગની પુરવણી એક સરખી માલુમ પડશે. રંગનો જાણે કે વોશ માર્યો હોય તેવું દેખાશે.

ઘણી વાર નાનાં બાળકો મોટાંના જેવું પરિણામ લાવવા પેન્સિલ ઘસે છે; મોટાંઓ તેમને પેન્સિલ ઘસતાં જ દેખાય છે. મોટાંઓની ઝડપથી ચાલતી પેન્સિલ પાછળ કેટલા વખતનો અભ્યાસ છે, કેટલાં પુનરાવર્તન છે તેની તેમને ખબર નથી. તેઓ તો એક સંપૂર્ણ કાર્ય જુએ છે. પણ તે સંપૂર્ણતાએ પહોંચવા કેટલી નાની નાની તૈયારીઓ ક્રમે ક્રમે થઈ ગઈ છે તે તેઓ જાણતાં નથી. આથી તેઓ ખોટું અનુકરણ કરે છે. તેઓ ઘસીને લીંટા કાઢે નહિ કે રંગ પૂરે નહિ તે ખાસ જોયા જ કરવું. ને જ્યારે તેમ કરે ત્યારે તેને પુનઃ પુનઃ રસ્તા ઉપર મૂકવું.

પ્રથમથી જ લીંટાનું કામ કરાવતી વખતે કાળજી લેવી; ખરાબ ટેવ પડયા પછી બાળકને તેમાંથી ઉગારવા માટે તેને વારંવાર લીંટા કાઢી બતાવતા. આ વખતે પાસે પાસે લીંટા કાઢી બતાવવા નહીં, પણ છૂટા છૂટા બતાવવા. છતાં કોઈ વાર એમ પણ બતાવવું કે ખૂબ પાસે પાસે લીંટા કાઢીને જ સુંદર રંગ પૂરી શકાય છે, નહિ કે ઘસીને. તેની નોટના પહેલે પાને જ લીંટા પૂરેલ આકૃતિઓ રાખતા રહેવું, અથવા લીંટા પૂરેલી આકૃતિઓ વર્ગમાં ટાંગવી. આ બધું એક વાર રસ્તેથી ખસી ગયેલ બાળકને માટે છે. વળી બાળકો પહેલેથી જ છૂટે હાથે ઝરડ ઝરડ ફરડ ફરડ લીંટા કાઢે તે જ સારું છે. ધીમે ધીમે બે બિંદુઓ જ મેળવવાથી હાથની છૂટ થશે નહિ. ઝડપથી લીંટા દોરવા છતાં મર્યાદા આગળ અટકી જાય એવો તેનામાં કાબૂ આવે તે જરૂરનું છે.

કોઈ પણ લીંટી ધાર્યા પ્રમાણે કાઢવી એટલે કે નિશ્ચિત બિંદુઓને જોડી દેવાં, એવી રીતે કે ધારેલી દિશા આવે. ભૌમિતિક આકૃતિ ચિત્રની રેખાઓ એવાં બિંદુઓની છેઃ હરકોઈ બિંદુથી પેન્સિલ લઈ બીજાં બિંદુઓને જોડી દેવાનું કામ બાળક લીંટા કાઢવામાં સહેજે કરે છે. બે નિશ્ચિત બિંદુઓને જ તે જોડે છે. તેથી તેને બિંદુઓ જોડાશે કે નહિ તેની ચિંતા રહેતી નથી. પ્રત્યેક લીંટામાં એ જ ક્રિયા — બિંદુઓને જોડવાનું કામ ચાલે છે — જેમ જેમ બાળકના લીંટા સીધા અને સમાંતર થાય તેમ તેમ તે સામસામેનાં બિંદુઓને અજાણપણે જોડે છે એ ચોક્કસ છે. પ્રથમ તો બાળકોને લીંટા દોરવાની અમસ્તી મઝા આવે છે, પણ ધીરે ધીરે જેમ જેમ તેની નજર આગળ આકૃતિની પરિસીમા આવતી જાય છે ને તે જેમ લીંટા બિંદુઓની બહાર ન જાય તેમ જ ટૂંકા ન રહે તેવી નજરથી પૂરવા માંડે છે, તેમ તેમ તેની હાથની કેળવણી શરૂ થાય છે ને સાચો આનંદ વધે છે.

ભૂલ થાય છે તેની ચિંતા માથા ઉપર ઝઝૂમતી નથી, છતાં થતી ભૂલ દેખાયા કરે છે. બે બિંદુઓ દેખાતાં નથી છતાં જોડાઈ જાય છે. એમાં આ રચનાની ખૂબી છે.
આમ ભૌમિતિક આકૃતિઓમાં લીંટા પૂરવાનું રહસ્ય છે. અમસ્તા લીંટા કાઢવાનો કશો અર્થ નથી.

મોટી ઉંમરનાં કેટલાંએક બાળકો જે આગળ વધેલાં નથી હોતાં તેઓ આંકીને લીંટા કાઢે છે, પણ આ ખોટો સંતોષ છે. તેમને તેમ કરતાં રોકવાં અને રસ્તે મૂકવાં.

બધી પ્રાથમિક શાળાના બાળવર્ગમાં આ લીંટા કાઢવાની પદ્ધતિ દાખલ કરવામાં આવે તો બહુ કામની છે. એને માટે સાધન તો દસ ભૌમિતિક આકૃતિઓ, પાટી ને કાંકરો. આકૃતિઓ લોઢાની હોવાથી વર્ષો સુધી ચાલશે. કોઈ સમૃદ્ધ શાળા કાગળ ને રંગીન પેન્સિલો આપી શકે તો વધારે સારું. બાળકો રંગની મજા લઈ શકશે. પણ તેમ શક્ય ન હોય ને પાટી કાંકરાથી ચાલવવું પડે તોયે તેના બીજા લાભો તો મળશે જ.

૧. પેન્સિલ ઉપર કાબૂ આવશે.
૨. આંગળીઓ ધારે તેમ વળી શકશે.
૩. ભૌમિતિક આકારો ને તેની અંદર ડિઝાઈન પાડવા તરફ બાળકો જશે.

આમ લેખન અને ચિત્રકળાની કાંઈક પૂર્વ તૈયારી થઈ શકશે.