જુલાઈ તથા ઑગસ્ટ મહિનામાં મુખ્યત્વે જોવા મળતા રોગો તથા એને અટકાવવાના સરળ ઉપાયોઃ

પ્રિય વાચકગણ, આકાશમાં ઘેરાયેલ વાદળો અને ધરતીને તરબોળ કરતા વરસાદને જોઈને આપણે બધું જ ભૂલી જતાં હોઈએ છીએ. મોટા મોટાને પણ પાણીમાં બાળકોની માફક છબ—છબિયાં કરવા દોડી જવાની ઇચ્છા થઈ જ આવતી હોય છે. એમાંય બાળકોનું તો પૂછવું જ શું? પાણીનાં ખાબોચિયાં ભરવાં, ઉલેચવાં, કાગળની હોડીઓ તરતી મૂકવી અને આવું તો ઘણું બધું બાળકો કરતાં હોય છે. પરંતુ શું આપણે બધા આનંદ વચ્ચે એ જોઈ શકીએ છીએ કે જમીન ધોવાઈને આવતું ગંદું પાણી કેટ—કેટલા રોગોને આમંત્રણ આપી શકે છે? અદ્‌ભુત એવું ચોમાસું એની સાથે કેટલાક ભયંકર રોગોને પણ લઈને આવે છે. ચાલો, આજે એવા કેટલાક રોગોની પ્રાથમિક માહિતી તથા એને અટકાવવાના સરળ ઉપાયો જોઈએ.

સૌ પ્રથમ તો ઝાડા—ઊલટી અંગે જ વાત કરીએઃ

  • ચોમાસામાં જોવા મળતો ખૂબ જ સામાન્ય રોગ છે.
  • ગંદા પાણી તથા માખી બેસેલા ખોરાકથી ફેલાય છે.
  • ઝાડાના જંતુ ધરાવતી વ્યક્તિ પોતે જો બરાબર ચોખ્ખાઈ ન રાખે તો પોતાની આજુબાજુના માણસોમાં આ રોગ ફેલાવી શકે છે.
  • આમાં દર્દીને ઊલટીઓ તથા પ્રવાહીરૂપ ઝાડા થાય છે. ઝાડામાં પાણી પુષ્કળ જવાને લીધે નબળાઈ આવે છે, પેટમાં દુખાવો થઈ શકે છે. બાળકની ઉંમર નાની હોય તો એના શરીરમાંથી પાણી ખૂટી જવાની શક્યતા પણ રહે છે. બાળકનું મોઢું સુકાય, આંસુ આવતાં બંધ થઈ જાય, આંખોમાં ખાડા પડી જાય વગેરે શરીરમાંથી પાણી ખૂટવાની નિશાનીઓ છે.

આ રોગ ઉપર મુજબ જ ફેલાય છે. આમાં દર્દીને પેટમાં ખૂબ જ દુઃખીને ઝાડામાં લોહી તથા પરુ પડે છે. આમાં ઝાડાનું પ્રમાણ તથા પાણી મહદ્‌અંશે ઓછું હોય છે. ખૂબ જ તાવ અને ઘણી વાર નાના બાળકને તાવ સાથે ખેંચ આવી શકે.

આ રોગ કઈ રીતે અટકાવી શકાય?

આંતરડાના આવા જંતુજન્ય રોગો અટકાવવા માટે “નસાડો“ સૂત્ર યાદ રાખવું જ રહ્યું. (ઝાડાને નસાડવા માટે “નસાડો” યાદ રાખો)

ન  =  નખ  :  નખ કાપેલા રાખવા

સા  =  સાબુ  :  જમતાં પહેલાં તથા સંડાસ જઈ આવ્યા પછી સાબુનો ઉપયોગ કરવો.

ડો  =  ડોયો  :  ગોળામાંથી પાણી લેવા માટે ડોયાનો ઉપયોગ કરવો.

આ ઉપરાંત બજારની ખુલ્લી વસ્તુઓ ન ખાવી જોઈએ. પાણી ગાળીને અને જરૂર પડયે ઉકાળીને વાપરવું જોઈએ.

કોલેરાઃ

આ રોગમાં સૌ પ્રથમ ઝાડા શરૂ થાય છે. જે શરૂઆતમાં પીળા અને છાશ કે ભાતના ઓસામણ જેવા તથા વાસવાળા હોય છે. એમાં લોહી — પરુ હોતું નથી. પાણીનું પ્રમાણ આવા ઝાડામાં પુષ્કળ હોય છે. દર્દીને મોટેભાગે પેટમાં દુખાવો થતો નથી. ઝાડા ઘણીવાર તો દર્દીની ખબર વિના જ થઈ જાય છે. ઊલટી મોડેથી શરૂ થાય છે. જો એકદમ જલદી દવા ન થાય તો આ રોગ જીવલેણ નીવડી શકે.

અટકાવવાના ઉપાયોઃ

ઝાડા—ઊલટી મુજબ જ. ઉપરાંત કોલેરા ફેલાયો હોય ત્યારે હાથ બરાબર ધોવા. પાણી ઉકાળીને અથવા ક્લોરીનની ટીકડીઓ નાખીને પીવું. ખુલ્લાં—વાસી ફળો, ખોરાક વગેરેનો ઉપયોગ ન કરવો. દર્દીની સંભાળ રાખતા માણસોએ પોતે ચોખ્ખાઈનો અત્યંત ખ્યાલ રાખવો, નહીંતર એમને આ રોગ જલદી લાગી શકે.

ડૉક્ટર પાસે જતાં સુધીમાં શું કરવું?

દર્દી નાનો હોય કે મોટો તેને પુષ્કળ પ્રમાણમાં “જીવનજળ”, પાતળી છાશ, ભાતનું પાણી, નાળિયેરનું પાણી વગેરે ગમે તે આપતાં જ રહેવું.

“જીવનજળ” કેમ બનાવશોઃ

૧ શેરીયો લોટો પાણી (બને તો ઉકાળીને ઠંડું કરેલ)

૧ મૂઠી ખાંડ

૧ ચપટી (બે આંગળની) મીઠું

આમાં ૧ મોસંબી, સંતરા કે લીંબુનો રસ નાખીને પીવડાવવા માંડવું. આશરે ઝાડામાં ગયેલા પાણી જેટલું પીવડાવવું, અને ઝાડા મટતાં સુધી ચાલુ રાખવું. (આપણે એક સાદી વાત જ સમજીએ. દા.ત. નળવાળું માટલું હોય અને તેમાં નળ ખોલી નાખવામાં આવે તો એ ખાલી થવા માંડશે. પરંતુ જો એમાં એટલી જ ઝડપે પાણી ભરતાં રહેવામાં આવે તો એ ખાલી નહીં થાય.)

આ જ રીતે ઝાડામાં નીકળી જતું પાણી—નમક “જીવનજળ” મારફત આપી દેવામાં આવે તો જિંદગીનું જોખમ નિવારી શકાય. આટલું શરૂ કરી ડૉક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે, જેથી જરૂરિયાતવાળા દર્દીઓની આગળ સારવાર થઈ શકે.