એવું મેં તો અચરજ જોયું,

માન કે ન માન,

રે! તું માન કે ન માન,

— એવું મેં તો

એક ઘરમાં સંપી રહેતાં

કબૂતર બિલ્લી શ્વાન!

કોઈ કોઈને કરે નહીં નુકસાન,

— એવું મેં તો

શ્વાન ઉપર બેસે છે બિલ્લી,

બિલ્લી ઉપર કબૂતર,

એની કેવી આન બાન ને શાન!

— એવું મેં તો

ત્રણે સાથે રમતાં ભમતાં,

મસ્તીમાં ગુલતાન,

વિશ્વશાંતિનું ગુંજે ઘરમાં ગાન,

— એવું મેં તો

— કવિ શ્રી ભૂપેન્દ્ર વ્યાસ (રંજ)

વિશ્વશાંતિ પ્રેરતું અકલ્પનીય ચિત્ર.

ખિલખિલાટ હસતું બાળક એ સંસારને મળેલ અણમોલ ભેટ છે. બાળકના નિર્દોષ હાસ્યમાં છલકાતા પ્રેમભાવથી ઈશ્વરની અનુભૂતિ થાય છે. બાળકાવ્યને સમજવા માટે આપણે પણ બાળપણને યાદ કરી બાળસહજ નિર્દોષતાથી સરળ અને સહજ બનવું પડે.

કવિશ્રી ભૂપેન્દ્રભાઈ વ્યાસે (રંજ) ત્રણેક બાળકાવ્ય સંગ્રહ આપ્યા છે. તેમનાં બાળકાવ્યોમાં બાળક સમજી શકે તેવા વિષયો, તેની આસપાસની સૃષ્ટિનું વર્ણન, તેના અનુભવજગતનું અને ભાવજગતનું સુંદર નિરૂપણ જોવા મળે છે. “કબૂતર, બિલ્લી અને શ્વાન” આ બાળગીત સૌ પ્રથમ કવિ શ્રી રંજના બાળકાવ્ય સંગ્રહ “મળ્યું મને રમકડાંનું ગાનું” (૨૦૨૦)માં પ્રગટ થયેલ છે. ત્યારબાદ ચિલ્ડ્રન યુનિ.ના સામયિક બાળવિશ્વના એપ્રિલ—૨૦૨૧ના અંકમાં પ્રગટ થયું. આ બાળગીત વાંચતાં મન અચરજભર્યા આનંદથી પુલકિત થયું. આ બાળગીતમાં વિશ્વશાંતિની પ્રેરણાનું અકલ્પનીય ચિત્ર છે.

કબૂતર, બિલ્લી અને શ્વાનની મૈત્રીની ઘટના વિસ્મય પમાડે છે. એમાંથી બાળસહજ આનંદ પ્રાપ્ત થાય છે. કવિ એ અચરજભરી કલ્પનાને વાસ્તવિક રૂપ આપ્યું છે. અહીં કબૂતર, બિલ્લી અને શ્વાનની પરમ મૈત્રીનું દૃશ્ય રચીને અશક્યને શક્ય કર્યું છે. અકલ્પનીય વાસ્તવિકતાને સાક્ષાત્‌ કરી છે. કવિએ  કબૂતર, બિલ્લી, શ્વાન ત્રણેયને એક જ ઘરમાં પરિવારના સૌ સભ્યો સાથે સંપીને રહેતાં જોયાં છે. આ અશક્ય કલ્પના લાગે તેવી વાસ્તવિકતાનું બાળગીતમાં રૂપાંતર થયું છે. આવા ગીતનું સર્જન “કવિની કલા” બની રહે છે.

શ્વાન અને બિલ્લી હિંસક છે, કબૂતર અહિંસક છે. બાળક નિર્મળ પ્રેમનું પુષ્પ છે. ત્રણેય વિરોધીઓ વચ્ચેની મૈત્રી શક્ય જ નથી. છતાં ત્રણેય વચ્ચે સંપ અને મૈત્રી રચાય છે. બધાં સાથે મળીને આન—બાન—સાનથી રહે છે એનું રહસ્ય તેમની વચ્ચેનો સ્નેહ છે. માનવીય પરિવાર સાથે કબૂતર, બિલ્લી અને શ્વાનનો ઉછેર સ્નેહથી થયો છે એ આ ગીતની વ્યંજના છે.

કબૂતર, બિલ્લી અને શ્વાન સ્વભાવે એકબીજાથી વિરુદ્ધ હોવા છતાંય પરસ્પરનો નિર્મળ પ્રેમ ત્રણેને એક જ ઘરમાં આનંદ કિલ્લોલ કરતાં રાખે છે. વિરોધીઓ વચ્ચેનું કેવું સુંદર સહજીવન! જાણે કે એક પરિવાર ન હોય! “વસુધૈવ કુટુંબકમ્‌” વિશ્વ એક કુટુંબ છે એ વૈદિક શ્રુતિનો ધ્વનિ આ ગીતમાંથી પ્રગટ થાય છે.

કબૂતર વિશ્વશાંતિનું પ્રતીક છે. આ બાળગીતમાં વિશ્વશાંતિનો સંદેશ છુપાયેલો છે. તે સંદેશ આ બાળગીતનું પઠન કે ગાન કરતાં મનમાં ગુંજી ઊઠે છે.

આ બાળગીતમાં માનવ, પશુ અને પક્ષીની મૈત્રીનું ઝરણું વહે છે. — “મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.”

કવિ શ્રી રંજનું આ બાળગીત હકારત્મક અભિગમ શીખવે છે. આ બાળગીતમાં સ્નેહ, સંપ, મૈત્રી, સમભાવ અને વિશ્વશાંતિ હોવાથી હૃદયસ્પર્શી બને છે. આ બાળગીત વિશ્વશાંતિનો ઉમદા ભાવ પ્રગટ કરે છે. તેથી આ ગીત બાળકોના પાઠયપુસ્તક માટે પસંદ થવાની ક્ષમતા ધરાવે છે, જેનું અનેક ભાષાઓમાં રૂપાંતર થવું જરૂરી છે.

કવિ શ્રી રંજને ખૂબ ખૂબ વંદન સહ અભિનંદન. તેમની રસસભર કલમમાંથી અનેક બાળગીતો પ્રગટતા રહે તેવી અભ્યર્થના!