કાશીબેન : “જય જય, ગિજુભાઈ.”

ગિજુભાઈ : “ઓહોહો, જય જય, જય જય. ઘણા દિવસે — નહિ ઘણાં વર્ષે મળ્યાં. સરલા મજામાં?”

કાશીબેન : “હા જી, હું તો બહારગામ હતી, તે નહોતી આવી શકી આપની આગળ. સરલા તો મજામાં છે.”

ગિજુભાઈ : “કેમ! હવે કાંઈ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે નહિ? તમે અહીં હતાં ત્યારે તો વારંવાર કાંઈ ને કાંઈ લાવતાં હતાં.”

કાશીબેન : “પ્રશ્નો તો ઘણા થયા જ કરે છે. પોતાને સમજાતું ન હોય એટલે “આનું શું કરવું?” એમ તો થયા જ કરે છે. તમારા જેવું કહેનાર હોય તો વળી જઈને પૂછીએ. ત્યાં કોઈ હતું નહિ એટલે શું કરીએ? પોતાની મેળે જ નક્કી કરી લેવાનું.”

ગિજુભાઈ : “હા. એ તો એમ જ કરતાં શીખવું જોઈએ. હું પણ શું કરું છું? પોતે વિચાર કરીએ એટલે ઉકેલ સૂઝે.”

કાશીબેન : “ના. પણ તમારી બુદ્ધિ ને અનુભવ કાંઈ અમારામાં હોય? આ હમણાં જ ગયા અઠવાડિયામાં જ પ્રશ્ન થઈ આવ્યો કે “શું કરવું?” સરલાને ઘરેણાંની ખૂબ હોંશ છે એટલે હમણાં થોડાં ઘડાવી આપ્યાં. પણ મનમાં રહી ગયું કે આ કર્યું તે બરાબર કર્યું કે નહિ?”

ગિજુભાઈ : “ઠીક કર્યું. સરલા ભલે પહેરતી ઘરેણાં ચાર દિ’”.

કાશીબેનઃ “ના, એમ નહિ. ઘરેણાં પેરે એ તો ઠીક. ઘરેણાંની હોંશ તો જાણે નાનપણમાં હોય; સૌને હોય છે. પણ તેની સાથે એક બે બાબતો તેનામાં દેખાય છે તે મને ગમતી નથી.”

ગિજુભાઈ : “એ વળી શું?”

કાશીબેન : “પહેલાં તો એમ થયું કે અહીં બાલમંદિરમાં તો ઘરેણાં પહેરવાની “ના” જ હતી ને તેનું પણ તે તરફ બહુ ધ્યાન ન હતું. હવે મોટી થઈ એટલે, કે પછી અમે જામનગર ગયાં ત્યાંના વાતાવરણની અસર થઈ એટલે, પણ ત્યાં તેને “મારે આમ જોઈએ ને તેમ જોઈએ” બહુ થવા લાગ્યું.”

ગિજુભાઈ : “ત્યારે તમે શું “ના” પાડી?”

કાશીબેન : “ના. ચોખ્ખી “ના” તો નહોતી પાડી પણ થોડું થોડું સમજાવતી ખરી. ઘડીક સમજે પણ ખરી; પણ જરાક બીજી છોકરીઓને પહેરતાં જુએ કે પાછી એની એ. જાણે તેને કાંઈ ઓછું આવતું હોય! છોકરીઓમાં રમવા જતી ત્યારે પણ એમ જ ખોટું લગાડીને પાછી આવતી, ને છેલ્લે તો જતી જ નહિ. મને લાગ્યું લાવને બે બંગડીઓ ને એકાદ ગળાનું કાંઈક કરાવી દઉં. અને ગયા અઠવાડિયામાં ઘડાવી દીધું.”

ગિજુભાઈ : “પછી શું રહ્યું? પ્રશ્નનો ઉકેલ તો આવી ગયો કે નહિ?”

કાશીબેન : “ના ઘડાવી દીધા પછી જ તો ખરો પ્રશ્ન ઊભો થયો. અત્યાર સુધી તેનામાં ન હતું કે પછી મારું ધ્યાન ન ગયું હોય, ગમે તેમ; પણ ઘરેણાં પહેરે છે ને એવાં નખરાં કરે છે કે આપણને પણ થાય છે કે આ શું? આમ હાથ કરે, આમ ડોક કરે, અરીસામાં જોયા કરે ને હાથ સામે જોયા કરે; સારાં કપડાં પહેરીને ફરવા ઇચ્છા કરે. એટલે આપણને થાય છે કે આ ઘરેણાંના રૂપમાં આપણે એને શું આપ્યું હશે? મને સહેજે પ્રશ્ન થઈ પડયો કે મેં ઘરેણાં ઘડાવી આપ્યાં તે બરાબર કર્યું કે ન કર્યું? તમે કહેશો, વળી કાશીબેન કાંઈક લાવ્યાં. પણ કહો, આવાં નખરાં કરે એ કાંઈ સારું?”

ગિજુભાઈ : “કાશીબેન લાવ્યાં ખરાં પ્રશ્ન. બોલો, સરલા કેટલાં વર્ષની થઈ?”

કાશીબેન : “હમણાં જ અગિયારમું પૂરું થઈને બારમું બેઠું.”

ગિજુભાઈ : “બરાબર. ત્યારે હવે આવા પ્રશ્નો તમારી નજરે આવવાના જ. તે નાની હતી ત્યારે આવાં લટકાંચાળા કરતી કે નહિ?”

કાશીબેન : “કરતી તો ખરી. પણ તે વખતે તે આંખને ખરાબ લાગતું ન હતું. હવે આ ઉંમરે સારું લાગતું નથી. ને બીજું, હવે તેનાં લટકાં પણ જરા જુદી જાતનાં થયાં છે. તે વખતે તો જાણે કોઈના ચાળા પાડી બતાવતી હોય એવું લાગતું, ને હવે તો જાણે પોતે જ હોંશથી એવું કરતી હોય એમ લાગે છે. તે વખતે તો જોઈને હસવું આવતું ને હવે કોણ જાણે કેમ, નથી ગમતું.”

ગિજુભાઈ : “હવે વાત એમ છે કે સરલા આસ્તે આસ્તે બાલ્યાવસ્થામાંથી કિશોરાવસ્થામાં જાય છે. તેથી હવે તેનાં લટકાં તમને બાળપણના ચાળા જેવાં લાગતાં નથી પણ કોઈ યુવતીનાં સહજ કરેલાં લટકાં જેવાં લાગે છે, એમ જ ને? ને તે તમને ગમતું નથી, ખરું ને?”

કાશીબેન : “હા, એમ જ. અને ખાસ પ્રશ્ન તો મને એ થાય છે કે તેને ઘરેણાં ઘડાવી આપ્યાં ત્યારથી તે પોતાના હાથ તરફ ને પોતાનાં અંગ તરફ બહુ જ જોવા લાગી છે. એટલે આ ઘરેણાં તો બહુ ખરાબ ગણાય. અત્યાર સુધી, સૌ પહેરે છે એટલે ભલે આપણી છોકરી પણ પહેરે એમ મને થતું. પણ ઘરેણાંની છોકરી ઉપર આ જાતની કોઈ અસર થતી હશે એની મને જરાયે કલ્પના નહિ.”

ગિજુભાઈ : “કેમ? તમનેય, તે ઉંમરનાં હશો ને ઘરેણાં—કપડાં પહેરતાં હશો ત્યારે, કેવું લાગતું હતું તે યાદ કરી શકો છો?”

કાશીબેન : “ના જી. મને તો નાની હતી ત્યારે પરણાવી દીધેલી. ને અમુક ઘરેણાં તો નાનપણથી પહેરતી જ આવેલી. બીજું આ ઉંમરે તો સાસરે રહેવાનું એટલે આની જેમ છૂટથી અરીસામાં જોવાનું ને વાળ ઓળવાનું કે કોઈ જાતનું કાંઈ શક્ય જ ન હતું. એટલે આવું કાંઈ જ મને યાદ આવતું નથી.”

ગિજુભાઈ : “ખરું છે. પહેલાંની છોકરીઓને જુવાની ક્યારે આવી ને ક્યારે ગઈ એની કશી ખબર પડવાને અવકાશ જ ન હતો. ભરજુવાનીમાં આવે તે પહેલાં તો તે એક બે છોકરાંની મા થઈ પડતી. અને હવે તમે છોકરીઓને છૂટથી ભણાવો છો, છોકરાની જેમ છૂટમાં ઉછેરો છો અને આવા પ્રશ્નો તમારી આગળ આવે છે. એટલે કે તમે તેને મોટી થતી ભાળો છો. તેનો બાલ્યાવસ્થા—કિશોરાવસ્થા અને યુવાવસ્થામાં પ્રવેશ વગેરે બધું હવે તમે નિહાળીશકો છો. પહેલાં, થોડા વખત બાળપણ ને પછી અકાળે વાર્ધક્ય એ બે જ અવસ્થા દેખાતી હતી. સરલાનાં આ લટકાંચાળા તેના યુવાવસ્થામાં પ્રવેશકાળનાં સહજ એવાં લક્ષણો છે. ઘરેણાં વગેરેથી તેને જરા ઉત્તેજન મળ્યું તેથી તમે ઘરેણાં પહેરાવ્યાં એટલે તે લક્ષણો દેખાયાં.”

કાશીબેન : “પણ એ સારું કે ખરાબ? અમારી આંખે એ ખરાબ લાગે છે.”

ગિજુભાઈ : “જેટલી હદ સુધી તે સ્વાભાવિક છે તેટલી હદ સુધી તે સારુંય નથી ને ખરાબ પણ નથી. તેને તમે સહજ અથવા કુદરતની લીલા કહી શકો. ગુલાબને કળી બેસે છે તે સારી કે ખરાબ?”

કાશીબેન : “ના. એમ તો જુવાનીમાં પ્રવેશ કરે તેને કાંઈ ના પડાય? તે તો કુદરતી કહેવાય. પરંતુ આવા ચાળા કાંઈ સારા કહેવાય?”

ગિજુભાઈ : “તે મેં કહ્યું ને? તેમાંથી કેટલુંક સ્વાભાવિક છે. પોતાના અંગ તરફ ધ્યાન જવું, સુંદર દેખાવાની ઇચ્છા થવી, જાતને જુદી જુદી રીતે શણગારવાનું મન થવું, હલનચલનમાં એક જાતનું લાલિત્ય આવવું એ બધું સહજ છે. રૂપ, સ્પર્શ, ધ્વનિ, વાસ, સ્વાદ વગેરે બધી જ જાતનું સૌંદર્ય ગમવું એ પણ સહજ છે. તેથી જ આ ઉંમર કલાનો વિકાસ કરવા માટે ઉત્તમ છે. બહુ એટલે વધારે પડતી એ જ રસ્તે ન ચડે એટલું જોવું. બાકી થોડાં કપડાં—ઘરેણાંનો શોખ કરી લે, તો ભલે કરે. આ ઉંમરે જરા ટાપટીપ છોકરાંઓને ગમે છે.”

કાશીબેન : “પણ ખરું કહું? વારે વારે અરીસામાં મોઢું જોવું, વાળ સરખા કર્યા કરવા, હાથ સામે જોયા કરવું, વગેરે બધું અમારી જૂની આંખે સારું નથી લાગતું. આપણા જેવાની છોકરીઓને આવું ન શોભે. તો તેને એમ કહેવું કે ન કહેવું એ મને પ્રશ્ન થઈ પડે છે.”

ગિજુભાઈ : “કહેવું પણ ખરું. પણ બધી સ્ત્રીઓ કરે છે તેમ કારણ આપ્યા વગર વઢવું નહિ, તેમજ તેના તેમ કરવામાં વધારે પડતો ખરાબ અર્થ પણ મૂકવો નહિ. કપડાં—ઘરેણાં અને એકંદર વર્તનમાં સુરુચિ કેળવે તે તરફ ધ્યાન ખેંચો તો કશું ખોટું નથી. પણ આનો મુખ્ય ઉપાય તો તે વસ્તુ પર વિશેષ વિચાર કે ધ્યાન રહેવા કરતાં મન બીજા અધિક તંદુરસ્ત વિષયો તરફ વળે અને તેમાં પરોવાયેલું રહે તેમ કરવું એ છે. કપડાં—ઘરેણાંનો વધારે પડતો શોખ મારે મન અંદરનું પોલાપણું બતાવે છે. મનને વિચારવાનું, જાણવાનું, કરવાનું કશું કાંઈ ન હોય એટલે તે આવાં ફોતરાં ઉપર કેન્દ્રિત થાય છે. તેને ખૂબ સારો વ્યવસાય આપો; વાંચવાનું, કળવાનું, ચીતરવાનું, ગાવાનું જે ગમે તે ખૂબ મહેનતથી કરવા દો; વિચારને ચલન મળે એવો વારો તેની સાથે કરો, એટલે તે પણ વિચાર કરતી થશે. તેને દુનિયામાં સાત્ત્વિક આનંદો ક્યાં ક્યાં રહેલા છે તેનો ખૂબ આસ્વાદ લેવા દો. સાથે સાથે દુનિયામાં કેટલું દુઃખ છે, માણસો હાથે કરીને કેટલા દુઃખી થાય છે, એકના સ્વાર્થને કારણે બીજાં કેટલાં બધાં પીડાય છે, વગેરે દુનિયાની જ વસ્તુસ્થિતિ તરફ ધ્યાન જવા દો; તેનો ઘરેણાંનો શોખ એની મેળે ઘટશે. કુદરતી રીતે અમુક જાતની ટાપટીપ વગેરે આ ઉંમરે આવે છે તેની સામે વાંધો ન લઈએ. પરંતુ છોકરીઓને ખરી રીતે તો માતાઓ જ ઘરેણાં ને જાતજાતની ફેશનનાં કપડાં પહેરાવી ઢીંગલી જેવી બનાવી દે છે તેની સામે તો મારો સખત વાંધો છે. મારું કહેવું એમ નથી કે તેઓ સોગિયાં બની અકાળે વિરક્ત બને. પણ તેને જેટલું મહત્ત્વ ઘટે તેના કરતાં વધારે પડતું આપવું નહિ. બન્ને બાજુએ વધારે પડતું ન જવું.”