મારું નામ પૂજા. હું ૨૮ વર્ષની છું. મારે પોતાને એક અઢી વર્ષની દીકરી છે. મેં એને અંગ્રેજી મીડિયમમાં ભણાવવાનો પાક્કો નિશ્ચય કર્યોં છે. હું અંગ્રેજીમાં પાછળ પડી ગઈ એટલે મારા જીવનમાં પણ આગળ આવી શકતી નથી. છેક દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં હું અંગ્રેજીના વિષયમાં નાપાસ થઈ પછી મારા માથા પર કલંક લાગી ગયું છે. મારા પપ્પા મને હંમેશાં કહે છે કે તું ડફોળ છે. તને અંગ્રેજી નથી આવડતું.

પપ્પા હંમેશાં મારી સરખામણી મારાં ભાઈબહેન સાથે કરે છે. મને એક ભાઈ અને એક બહેન છે. બહેન મારા કરતાં મોટી અને ભાઈ નાનો છે. અમારી વચ્ચે બે — બે વર્ષનું જ અંતર છે, પણ અમને અંદરોઅંદર જરાપણ બનતું નથી. ભાઈબહેનને એકબીજા સાથે સારું બને, પણ મારી સાથે તો ઝઘડો જ કરતાં અને પપ્પાનું નામ દઈને મને મહેણું મારતાં. બન્ને મારાથી ભણવામાં હોંશિયાર છે. ભાઈએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે અને બહેન એમ.બી.એ. બન્ને જણ પરણીને ઠેકાણે પડી ગયાં છે અને સારી નોકરી પણ કરે છે. પપ્પાને એ બન્ને પર ગર્વ છે. પણ ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે મારું હંમેશાં નીચું જ પાડવાની એમને આદત હતી. મારા બાળપણથી જ એ આમ કરતા. એ મને વાતવાતમાં મારતાં પણ ખૂબ.

મારા પપ્પા મને નામથી નથી બોલાવતા. એ મને કાયમ “ડફર” એટલે કે બુદ્ધિ વગરની જ કહે છે. એમની વાત સાચી છે. હું એમના માટે કલંકરૂપ હોઉં એવું મને લાગ્યા કરે છે. મારામાં ઘણી ખામીઓ છે. હું ઘણી વાર હતાશ થઈ જાઉં છું અને આપઘાત કરવાના વિચારો પણ કરું છું. પણ મારી દીકરીની સામે જોઈને થોડી હિંમત કેળવું છું. એટલે બચી જાઉં છું. મારે મારા જીવનમાં જે ભોગવવું પડયું છે એવા દિવસો મારી દીકરીને જોવાના ન આવે એની મને ખૂબ ચિંતા છે.

મારા પતિ મને ઘણો સપોર્ટ કરે છે. પરણીને આવ્યા પછી મેં બી.એડ. પૂરું કર્યું. પછી થોડોક વખત સ્કૂલમાં ટીચર તરીકે નોકરી પણ કરી. હું ગણિત ભણાવતી હતી. પણ સગર્ભા બન્યા પછી મેં નોકરી છોડી દીધી છે. હવે મારે ફરી નોકરી કરવી છે. પણ મને લાગે છે કે અંગ્રેજી વગર મારી દાળ નહીં ગળે. મારી આસપાસના દરેકને ધાણીની જેમ કડકડાટ ઈંગ્લિશ બોલતાં સાંભળું એટલે મને મારી જાત પર શરમ આવવા લાગે છે. હું કેમ આવું ફાંકડું અંગ્રેજી બોલી શકતી નથી?

મારા પપ્પા અમને ભાઈબહેનોને હંમેશાં એમ કહેતા કે અંગ્રેજી ગ્લોબલ લૅંગ્વેજ છે; એ શીખ્યા વગર માણસ આગળ નહીં આવી શકે. મને કાયમ એવું મહેણું મારે કે તને અંગ્રેજી નથી આવડતું? તું પછાત રહી જવાની. પછી એ મારા ભાઈ અને બહેનનાં ઉદાહરણ આપીને મને કહે છે, એમને જોઈને તો શીખ. હું મારી મોટી બહેનને કાયમ વિનંતી કરતી કે મને પણ તારી જેમ અંગ્રેજી શીખવ. પણ એ પણ મારો તિરસ્કાર કરવા લાગી છે. ભાઈને પણ હું ગમતી નથી. મારી મમ્મી આ બધું જોઈને મનમાં મનમાં દુઃખી જરૂર થાય. પણ બિચારી મારા માટે કશું કરી શકતી નથી. એ પોતે સાવ અભણ છે. મારા પપ્પા એને પણ જેમતેમ ધમકાવતા હોય છે. મને કહે છે, તેં તો મમ્મીનો વારસો જાળવ્યો છે. પછી મારા ભાઈબહેનનાં નામ લઈને કહે કે એમને જો. કેવું મારું નામ ઉજ્જ્વળ કર્યું છે!

પપ્પા મને કદી ફોન પણ કરતા નથી. એ દિલ્લી રહે છે. હું એમનાથી ખૂબ દૂર છું. ફોન કરવાનું મન થાય, પણ એ મારી સાથે વાત કરતા નથી. ફોન કરું તો ઉપાડે નહીં. મમ્મીને ફોન કરીને એને પપ્પાને આપવા કહું તો પપ્પા સામેથી વાત કરવાની ના પાડી દે. મારા ભાઈબહેન સાથે ચોક્કસ વાત કરે, પણ મને હંમેશાં ટાળતા હોય છે. હું ખૂબ દુઃખી છું. મારા હસબંડ પણ મારાથી કંટાળી જાય છે અને કહે છે, આ ઉંમરે હવે તું કશું નહીં શીખી શકે. તું તારે રસોડું સંભાળીને બેસી રહે.

મારે રસોડું નથી સંભાળવું. નાની હતી ત્યારે મારાં કેટલાં સપનાં હતાં! નવમા ધોરણ સુધી તો મારી ભણવાની ગાડી સડસડાટ વધતી રહી હતી. મને ગણિતમાં ખૂબ રુચિ હતી. પણ પપ્પા કહેતાં કે ઈંગ્લિશમાં બી.એ. કર; મેથેમેટિક્સમાં છોકરીઓનું કામ નહીં. એ કદી મને ભણવા માટે પ્રોત્સાહન આપતા નહીં. આપણા લોકોમાં એવી છેક ખોટી છાપ પડી ગઈ છે કે છોકરીઓથી આમ ન થાય અને છોકરીઓથી તેમ ન થાય!

અમારા ઘરમાં વાતચીતની ભાષા હિન્દી, પણ પપ્પાનો આગ્રહ રહે કે બધાંને અંગ્રેજી તો આવડવું જ જોઈએ. માર્કેટમાં જઈએ તો હિન્દીમાં વાત કરવાની; અજાણી જગ્યાએ જઈએ તો અંગ્રેજી વગર ચાલે. વ્યવહારમાં અંગ્રેજી ક્યાં જરૂરી છે એ મને સમજાતું નથી અને છતાં આ પરદેશી ભાષા આપણને આવડે નહીં તો આત્મવિશ્વાસ ઊતરી જાય. હું મારી જિંદગીમાં જેટલી પરીક્ષાઓમાં ફેઈલ થઈ છું એ અંગ્રેજીને કારણે જ. ગ્રેજ્યુએટ થવામાં પણ મને ફાંફાં પડી ગયાં છે. ઈન્ટરવ્યૂમાં પણ ઘણીવાર મારું સિલેક્શન થયું નથી. જાણે કે મને એક શાપ લાગી ગયો છે.

મારી દીકરીને મારે આ શાપમાંથી ઉગારવી છે. એને કોઈનાં મહેણાં ન લાગવાં જોઈએ. હું મારી જિંદગીમાં જે કરી શકી નથી એ સપનું મારે એની પાસે પૂરું કરાવવું છે. મેં મારા પપ્પાનો ઘણો માર ખાધો છે, પણ હું મારી દીકરીને જિંદગીનો કે કોઈનો માર નહીં જ ખાવા દઉં. હું એને દુનિયાથી બચાવીશ.

મારે મારી દીકરીને અંગ્રેજી મીડિયમમાં જ ભણાવવી છે! આ મારો પાક્કો નિર્ણય છે.

(વાચક મિત્રો! આ કથની કાલ્પનિક નહીં, પણ કોઈના જીવનમાં બનેલી હકીકત છે. એના દ્વારા બાળકના ઉછેર બાબતમાં કેટલાક મુદ્દાઓ બાબતમાં તમારું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે.

૧. બાળકેળવણીકારોનું એ સ્પષ્ટ મંતવ્ય છે કે બાળકને બાલમંદિર અને પ્રાથમિક શાળાનું શિક્ષણ માતૃભાષામાં જ અપાવું જોઈએ. તેમ છતાં પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવાની ઘેલછા આધુનિક માતાપિતાઓમાં છેલ્લા ત્રણ દાયકાથી સતત વધતી જોવા મળી છે. તમે અગર તમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો નિર્ણય લઈ ચૂક્યાં હો તો એનાં વાજબી કારણો આપી શકો તેમ છો? શું તમે આ નિર્ણય વિચારપૂર્વક લીધો છે? કે પછી અંદરોઅંદરની દેખાદેખી અને એકબીજાના દબાણથી આમ કર્યું છે? બાળકના ભાવિ વ્યક્તિત્વ અને જીવન પર આની શી અસર પડી શકે તેમ છે એનો તમે કદી ખ્યાલ કર્યો છે? શું પૂજાના પિતાની માફક તમે પણ એમ માનો છો કે અંગ્રેજી ન આવડે તે વ્યક્તિ જીવનમાં પછાત રહી જાય?

૨. તમે તમારાં સંતાનોની અંદરોઅંદર કે એમની બીજાં બાળકો સાથે સરખામણી કરો ખરાં? આ રીતે સરખામણી કરીને સંભળાવવાથી તમારા બાળકને પોતાનું કૌશલ્ય ઊંચું આણવાનું બળ મળે? કે પછી એનો આત્મવિશ્વાસ તૂટી જાય કે જેવું પૂજાની બાબતમાં બન્યું છે?

૩. શું તમે પણ એમ માનો છો કે ગણિત, વિજ્ઞાન અને ઈજનેરી વિષયો માત્ર છોકરાઓ જ ભણી શકે; છોકરીઓનું એમાં ગજું નહીં? એમણે તો ભાષાઓ, મનોવિજ્ઞાન, બાળઉછેર, કુટુંબ અને સામુદાયિક જીવન, કળાઓ અને પાકશાસ્ત્ર જ શીખવાં જોઈએ?

૪. કોઈ બાળક ડફર કે બુદ્ધિહીન હોતું નથી. પણ સતત એને આવા શબ્દોથી નવાજવાથી એની પોતાના પ્રત્યેની આત્મસન્માન અને આત્મગૌરવની લાગણી હણાય છે અને એ હતાશાનો શિકાર બની બેસે છે. એને આત્મહાનિ અને આત્મહત્યાના વિચારો આવી શકે છે. પૂજાના પિતાએ કરેલી ભૂલ તમે તમારા બાળક બાબતમાં કરશો ખરા?

૫. કોઈ બાળક માનસિક ક્ષતિ સાથે જન્મતું નથી, પણ કુટંબનો ઉછેર અને શાળાનું વાતાવરણ એને આવું બનાવે છે. વિખ્યાત અમેરિકી કેળવણીવિદ્ જ્હોન હોલ્ટે લખેલું કે માતાપિતા કે શિક્ષક તરીકે આપણું કાર્ય બાળકોને હોંશિયાર બનાવવાનું નથી. બધાં બાળકો જન્મથી બુદ્ધિશાળી હોય છે. આપણે તો માત્ર તેમને મૂર્ખ અને બુદ્ધિહીન બનાવે તેવી હરકતો ઉછેર અને શિક્ષણને નામે કરતાં અટકવાનું છે. આપણે બાળકોને ખૂબ નાની ઉંમરે આ સ્પર્ધાત્મક જગતમાં ધકેલી મૂકીએ છીએ કે જ્યાં એમને જગત અને જીવનની સુંદરતા વિશે વિચારવાની કોઈ મોકળાશ નથી. એમને તો આ સ્પર્ધાત્મક જગતમાં પોતાના સ્થાન વિશે સતત ચિંતિત રહેવું પડતું હોય છે.)

ડૉ. કિરણ ન. શીંગ્લોત
+ posts