“યૂ શટ અપ, મમ્મી!”
“યૂ સિટ ડાઉન!”
“નો નોઈસ!”

“ચાલો, હોઠ પર આંગળી ! કોઈએ બોલવાનું નથી. અદબ વાળી બેસી જાઓ.” આ વાક્યો એકસાથે ૠચા બોલી હતી. મિતાબહેન તો સ્તબ્ધ રહી ગયાં. તેમણે તો કલ્પના પણ નહોતી કરી કે અઢી વર્ષની ૠચા આટલી નાની ઉંમરે ખુદ તેમની જ સામે થશે. તેઓ ચિંતિત થઈ ગયાં. પરાણે કોશિશ કરવા છતાંયે તેઓ તેમનું મન ટી.વી. જોવામાં કે વાંચવામાં ન લગાવી શકયાં. આતુરતાથી તેઓ સાંજે છ વાગ્યે તેમના પતિના આવવાની પ્રતીક્ષા કરવા લાગ્યાં. આ સમય દરમિયાન એકાદ — બે વાર તેમણે ૠચાને પાસે બોલાવી અને પ્રેમથી પૂછયું, “કેમ ૠચા, તું મમ્મીથી નારાજ છે ?”

પણ શું અઢી વર્ષની ૠચા થોડી આવા ગંભીર પ્રશ્નનો જવાબ આપી શકવાની હતી? તેઓ વધુ બેચેન બનતાં ગયાં. અંતે છ વાગ્યે તેમના પતિ મિલનભાઈ થાક્યા — પાક્યા ઓફિસેથી ઘેર આવ્યા. રોજની જેમ સ્મિત સાથે ચા આપવાને બદલે મિતાબહેને તો બસ ૠચાની ફરિયાદોનો ધોધ વહાવી દીધો. મિલનભાઈ ઓફિસેથી કંટાળીને ઘેર આરામની અપેક્ષા સાથે આવ્યા હતા અને બસ, સાવ સાધારણ વાતમાં વાતાવરણ ગંભીર બની ગયું. અને તેઓ જ્યારે મિતાબહેનને સમજાવવામાં નિષ્ફળ ગયા ત્યારે નારાજ થઈ ઘેરથી ચાલ્યા ગયા, તેમના મિત્રને ત્યાં. રાત્રે મોડા ઘેર આવી જમ્યા વગર સૂઈ ગયા.

બીજે દિવસે પણ આમ જ ગમગીન વાતાવરણ રહ્યું. ફરી બે—ત્રણ દિવસ પછી આ જ વાત પર બન્ને પતિ—પત્ની વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. મિલનભાઈ સમજાવવા માંગતા હતા કે ૠચા તો બાળક છે, રમતમાં બોલતી હશે, અને મિતાબહેન આ વાતને બહુ જ ગંભીર ગણતાં હતાં. અંતે એકાએક મિલનભાઈને સૂઝ્યું. તેઓ બોલ્યા — “કાલે હું બે કલાકની રજા લઈ લઈશ અને કાલે જ ૠચાના “પ્લે હાઉસ”માં જઈ પૂછીશું કે ૠચા ઘેર આવું વર્તન કેમ કરે છે?” મિતાબહેન તો ખુશ થઈ ગયાં.

નક્કી કર્યા મુજબ બીજે દિવસે મિલનભાઈ ઓફિસેથી ઘેર વહેલા ગયા અને મિતાબહેનને સાથે લઈને પ્લે હાઉસમાં પહોંચી ગયા. આચાર્યાબહેન કોઈની સાથે વાતોમાં રોકાયેલાં હતાં, તે દરમિયાન તેઓ બન્ને બહાર લોબીમાં લટાર મારતાં હતાં. બરાબર એ જ સમયે એક વર્ગની અંદરથી એક શિક્ષિકાબહેનનો કડક અવાજ તેમના કાને પડયો. તે વાક્યો આ પ્રમાણે હતાં…

“યૂ શટ અપ!”
“યૂ સિટ ડાઉન!”
“નો નોઈસ!” વગેરે વગેરે.