વહાલાં મમ્મી—પપ્પાજી,
તમે બાંધી આપેલા જીવનભાથાનો હજી તો પહેલો કોળિયો ભરી રહ્યાં છીએ ત્યારે…
અતીતમાં ડોકિયું કરતાં…
થોડુંક કહેવાનું મન થાય છે…
ક્યારેક ઝંઝાવાતોમાં ફસાઈ જઈશું. હારીને બેસી પડીશું અને… આંખો થાકથી ઢળી પડશે…
ત્યારે એક દૃશ્ય હંમેશાં નજર સામે આવશે…
ડાઈનિંગ ટેબલ પરની એ સૌમ્ય શાંતિ…
અમને બોલવાનો મોકો…
મમ્મીનો આતુરતાભર્યો ચહેરો અને
પપ્પાજીનું સમજણપૂર્વકનું મૌન…
અને પછી એકાએક…
ગૂંચવાડો ઉકેલી નાખે તેવી નાની શી TIP…!
અમે જ્યાં પણ હોઈશું ત્યાં ઝંઝાવાતોની વચ્ચે પણ.
તમારા એ ખૂબ સાદા સીધા જીવનસંદેશો,
અમને આ દૃશ્ય થકી…
અવકાશમાંથી સાંપડતા રહેશે…!
અમારું મન થાક અનુભવશે ત્યારે…
ભટકતું ભટકતું નિરાંતની શોધમાં,
“૧૬—સૌરભ”ના ઘરના કોઈક ખૂણામાં જ આવીને લંબાવશે… અને સંધ્યાવેલની સોડમ પાતું પોઢી જશે… અને ભોર ભયે…
રેડિયોનાં સુમધુર ભજનો, કૂકરની સીટી અને છાપાં ઉથલાવવાના હળવા અવાજ વચ્ચે…
એની આંખ ખૂલશે…
ત્યારે તેનામાં અજબ સ્ફૂર્તિનો સંચાર થશે…
અને એ પાછું દોડતું થશે…!
છેક ક્ષિતિજ સુધી પથરાયેલી હરિયાળીને મીટ માંડીને જોયા કરું ત્યારે…
આંખો ઠંડકથી છલકાઈ જાય…
એવી જ ઠંડક અનુભવીએ છીએ અને… જ્યારે અમારા બાળપણને યાદ કરીએ ત્યારે…!
કેટલું સૌમ્ય હતું એ…
પરમ સમીપે હતું…
પરીકથા જેવું હતું….
આ એકસરખી હરિયાળી જેવું જ સતત હતું…
અને તમારા બ્રહ્નચર્યાશ્રમ દરમ્યાન અમે તમને જે સ્વરૂપે જોયા તે તો કદાચ અમારા જીવનનું સૌથી મહત્ત્વનું શિક્ષણ હતું.
ચીવટાઈ અને ચોકસાઈ…!
સવારે ઊઠીએ ત્યારે ટેબલ પર ભરેલો બોર્નવિટાનો ગ્લાસ અને તૈયાર નાસ્તો…
પાંચમાં ધોરણમાં હતી ત્યારે બર્થ—ડે પર મને સવારે મળેલી ભેટમાં સ્ટેમ્પ ચોંટાડવાનું આલ્બમ.
બારમા ધોરણની પરીક્ષાના પેપરો પતે ત્યારે બહાર વાટ જોતા તમારા આતુર ચહેરા…
તમે એ વખતે સેન્ડવીચ અને જ્યુસ પણ ગાડીમાં સાથે લઈને આવતાં…!
અમારી જરૂરિયાતોને અમારા કરતાં પણ વધુ જાણવાની તમારી સમજ…!
દર અઠવાડિયે નિયમિત મળતી ક્લોરોક્વિનની ગોળી, અમને બેંક અને પોસ્ટઓફિસમાં મોકલવા પાછળનો તમારો આશય… અને એવું તો કંઈક કેટલું…
જે હજી અમને ક્ષણે ક્ષણે મળતું રહે છે…!
તમારી ચીવટાઈમાં અમે તમારો ભારોભાર પ્રેમ માણ્યો…!
તમો થકી અમને સત્યને પડખે રહેવાની અને અસત્યને પડકારવાની હિંમત સાંપડી…!
તમોને અમે… અમારા સંઘર્ષો વેળાએ હૃદય પર પથ્થર મૂકીને… અદ્ધર હૈયે… એકીટશે અમને અવલોકતાં જોયાં.
તમોમાં અમે ધીરજનાં દરિયા દીઠાં…!
તમોમાં અમે, અમને નારાજ કરીને પણ જે હકીકત હોય તે વ્યક્ત કરી દેવાની હિંમત દીઠી.
જીવન તમારું બલિદાનોની પરંપરા હતું. પણ તમોને અમે હંમેશાં સંતોેષથી તરબોળ દીઠાં.
તમોને અમે જિંદગીની નાનકડી વાતોથી ખુશખુશાલ થતાં દીઠાં.
સાદાઈમાં આનંદ અને આનંદમાં પણ સાદગી..
ખાલીખમ હવામાંથી પણ આનંદ સૂંઘી લેવાની જાણે કે તમે અમારામાં આવડત સીંચી…!
તમારી જીવનશૈલીને અંશતઃ પણ અપનાવીશું તો અમે પણ તમારી જેમ સૌમ્ય બનીશું.
અમને તમારી કૂખે મૂકીને, વિશ્વને ગતિમાન રાખતાં તમામ પરિબળોએ જાતે… ખુલ્લે આમ અમારી લાગવગ લાગાડી.
એકમાત્ર સંભાવનાના નિયમને અનુસરતી આ જિંદગી, હવે પછી અમને કોઈ ના ગમતી સોગાદો પણ આપી જાય તો પણ ભલે.
અમે બધું જ ઝીલી શકીશું.
અમારી જાત પર પણ હસી શકીશું.
કુદરતને મારી એટલી જ પ્રાર્થના—
તમારી જીવનસંધ્યા ખૂબ રળિયામણી બની રહે…!
તમારી બેલડી હંમેશની જેમ પ્રેમમાં ગરકાવ રહે એજ…