દોસ્તો,
તમારે નવરાશ હોય ત્યારે તમે મોટાભાગે શું કરો છો? તમે કહેશો કે અમે તો અમારા મિત્રો સાથે હોઈએ છે, ખરું ને? એવું કેમ? કારણ એ છે કે તમને મિત્રો સાથે રહેવું ગમે છે. તેમની સાથે રમવાની અને વાતો કરવાની તમને મજા આવે છે એમ જ ને! કોઈ સારી વાત, કોઈ નવી વાત કે કોઈ અનુભવ મિત્રને કહેવાની બહુ જ મજા આવે છે. આપણને જે વાત ગમે, તે વાત આપણે જેને કહીએ તે આપણા મિત્રો.

તો પછી ભગવાન તમારા મિત્ર નથી ? તમારા ઘરમાં ભગવાનનું મંદિર છે. સવાર—સાંજ તમે ત્યાં દીવો—અગરબત્તી કરો છો. પૂજા—આરતી કે વંદન કરો છો. તમે જ કહો છો કે ભગવાન સૌનુ ધ્યાન રાખે છે. “ભગવાન! સહુ સારાં વાનાં કરજો!”—એમ આપણે કહીએ જ છીએ ને! એટલે ભગવાન મારા, તમારા, આપણા સૌના પરમ મિત્ર છે — બરાબર ને?
તમારે લેશન કરવું હોય તો ચાલો મિત્ર પાસે, રમવું હોય તો પણ મિત્ર સંગે. અરે, તમે કંઈક ખાતાં હો તોય તમે તેને આપો છો જ વળી. મિત્ર સાથે વાત કરતાં કોઈ ધરાતું નથી. તો આપણે આપણા પરમ મિત્ર એવા ભગવાન સાથે પણ એમ કરવું જોઈએ કે નહીં?

વળી એ તો આપણાં કેટલાં બધાં કામ કરેઃ આપણને સુવાડે અને પાછા જગાડે પણ ખરા, સવાર પડે અને કોઈ જાગે જ નહીં એવું કોઈ દિવસ બને છે ખરું! અરે, તમે ગમે તે કાચું—પાકું ખાઓ, તો તેને પચાવી પણ આપે. આપણે ખાધેલા ખોરાકમાંથી તે લોહી પણ બનાવી આપે. પાછું ગમે તેવા રંગનું ખાઓ, તો પણ લોહીતો લાલ જ બનાવે! એટલે ભલા માણસ, આપણે આપણા આ મિત્રને યાદ કરવા જ પડે. ભલે આખો દિવસ નહીં, તો સવાર—સાંજ તો તેને કેમ ભુલાય?

દરરોજ ભગવાનની મૂર્તિ કે ફોટા સામે જઈ, બે હાથ જોડી, એ ભગવાનની છબીને આંખ સામે લાવવાનો પ્રયત્ન કરો. હવે તમે આંખ બંધ કરશો તોય ભગવાનનું રૂપ દેખાશે. તમને આવડતો કોઈ શ્લોક, ધૂન કે પ્રાર્થના બોલીને તેની સાથે તમે એકરૂપ થઈ શકો. ગાંધીબાપુ અને એના બધા જ સંગી—સાથીઓ દરરોજ પ્રાર્થના કરતા. આજે પણ એમના આશ્રમો અને સંસ્થાઓ, શાળાઓમાં દરરોજ બંને વખત પ્રાર્થના થાય છે. ભગવાન સાથે કેવી મિત્રતા!

ગાંધીબાપુ તો કહેતા કે, પ્રાર્થના એ તો આત્માનો ખોરાક છે.. મારી પ્રાર્થનામાં મેં પૂછેલા પ્રશ્નનો ભગવાને જવાબ ન આપ્યો હોય એવું કદાપિ બન્યું નથી. પ્રાર્થના એ તો માણસનું બળ છે.

આપણો જન્મદિવસ હોય ત્યારે આપણે મિત્રોને મળવા જઈએ છીએ. તે દિવસે ભગવાનને વિશેષ રીતે મળીને પ્રાર્થના કરવી જોઈએ. કેવી રીતે પ્રાર્થના કરી શકાય? ભગવાનના ગુણોનું ગાન કરવું. તેના મંત્ર, શ્લોક કે ધૂન બોલવા. ભગવાનની સર્જેલી કોઈ સુંદર વસ્તુમાં ભગવાનનાં દર્શન કરવાં. આટલું સુંદર જગત જેણે સજર્યું છે તેણે કેટલી મહેનત કરવી પડતી હશે — તેનો આભાર વ્યક્ત કરવો. આમ તો, માતા—પિતા, સગાં—વહાલાં કે દીન—દુઃખિયાને મદદ કરવી એ પણ એક પ્રાર્થના જ છે. આમ આ બધી જ રીતે પ્રાર્થના કરીને ભગવાનને આપણા મિત્ર બનાવી શકીએ અને તેમની નજીક રહી શકીએ.

ચાલો, આપણે પણ વિનોબાજી રચિત “નામમાળા” પ્રાર્થનાનું ગાન કરીએઃ

ૐ તત્ સત શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું!

વર્ગખંડમાં શિક્ષક દ્વારા પ્રાર્થના કાવ્યની સમજ આપવામાં આવતી હતી એ સમયે એક બાળકે પ્રશ્ન કર્યોં — પ્રાર્થના શા માટે? આ લેખ સર્જાયો છે એ બાળકના પ્રશ્નના જવાબ રૂપે. આશા છે આપ વાચકમિત્રોને આપના બાળકો સાથે સંવાદ સાધવામાં ઉપયોગી થશે.