બોલવાનું શીખ્યા બાદ મારો દીકરો દરેકને “તું” ના ઉપનામથી જ બોલાવવા લાગ્યો. “પપ્પા, તું આમ કર”, “દાદા, તું બહાર જા.” તેના આ રીતના બોલાવવાથી શરૂઆતમાં નહિ પણ થોડા દિવસો બાદ પરિવારના સભ્યો તો અકળાઈ જ ગયા. મારા પિતાજી મને કહે, “તું આને કંઈક બરાબર શીખવ”, પત્ની કહે, “ખબર નહિ, આ રીતે કેમ બોલે છે!” આ બધાની વચ્ચે મારા મનમાં કંઈક બીજું જ ચાલતું હતું. મને પ્રશ્ન થયો કે તેણે આવું બોલવાનું કેમ શરૂ કર્યું હશે? આ બાબતે મેં જાગૃતિપૂર્વક અવલોકન કરવાનું શરૂ કર્યું. ત્રણ—ચાર દિવસ પછી મારા ધ્યાને આવ્યું કે ઘરમાં બધાં આ રીતે જ એકબીજાને બોલાવે છે. પરિવારનાં બધાં સભ્યો વિવાનને (મારો દીકરો) “તું” કહીને જ બોલાવે છે, મારી પત્નીને પણ હું “તું” કહીને બોલાવું છું, મારા પિતાજી ઘરના અન્ય સભ્યોને “તું” કહી બોલાવે છે. આ બાદ મને સમજાઈ ગયું છે કે કેમ મારો દીકરો આવું બોલતાં કેમ શીખ્યો હશે! આ ભોળા બાળ હૃદયે અમને સૌને આ જ રીતે બોલતાં જોયા છે. તો તેને પણ થયું કે બધાંને આ રીતે જ બોલાવાય છે. હવે આ સ્થિતિમાં શું કરવું તેની મને બિલકુલ ખબર હતી. મેં પરિવારના બધાં સભ્યોને વિવાનને “તમે” એમ માન આપીને બોલાવવા કહ્યું. બધાંએ આમ જ કર્યું. અને પરિણામ તો જુઓ, ચાર જ દિવસમાં વિવાન દરેકને “તમે”થી માન આપી બોલાવવા લાગ્યો. આ સ્થિતિમાં વિચારો, બાળકના આવા વર્તન માટે જવાબદાર કોણ હતું? બાળક કે અમે પરિવારના સભ્યો?

રોજિંદા જીવનમાં આવું ઘણી વાર થતું હોય છે. બાળકના સારા વર્તન માટે માતા—પિતા ગર્વ લેતાં હોય છે. પરંતુ બાળકના અયોગ્ય વર્તન માટે બાળકને કે અન્ય કોઈને જવાબદાર ઠેરવવામાં આવે છે. શરૂઆતનાં વર્ષોમાં પરિવાર બાળક માટે જીવંત શાળા હોય છે. બાળક વ્યવહારની પરિભાષા પરિવારમાંથી જ શીખતું હોય છે. બાળકના દરેક વર્તન પાછળ માતા—પિતા રોલ મોડેલ હોય છે. બાળકો દરેક સ્થિતિમાં આપણા વર્તનનું અવલોકન કરતાં હોય છે અને તે મુજબ જ વર્તતાં હોય છે. સામાન્ય નિયમ છે, “બાળકોને જેવું આપીશું તેવું પામીશું.” બાળકના કોઈપણ તમને લાગતા અયોગ્ય વર્તન વખતે જો પોતાની જાતને તટસ્થ રીતે જોઈશું તો બાળકના જે તે વર્તન પાછળનાં કારણો અને ખરેખર કોણ જવાબદાર છે? તે મૂલવી શકીશું.