નવ્યા અને તેનાં મમ્મી મળવા આવ્યાં હતાં. નવ્યા શાંત બેઠી હતી. એનાં મમ્મીએ વાતની શરૂઆત કરી. થોડા મહિનાથી નવ્યાનું વાંચવામાં ધ્યાન ઓછું હતું. દસમા ધોરણમાં ભણતી હતી.એને ડૉક્ટર બનવું હતું. મમ્મી પપ્પાની પણ ઇચ્છા એવી જ હતી કે એ ડૉક્ટર બને પણ નવ્યાના ટયુશનમાં લેવાતી ટેસ્ટમાં માર્ક ઓછા ને ઓછા આવ્યા કરતા હતા. મમ્મી એની જોડે વાંચવા બેસવા માંડી. એમના ઘરે સર્વન્ટ હતી. એણે નવ્યાની મમ્મીને કીધું કે તમે ઓફિસ જાવ છો ત્યારે કોઇ છોકરો નવ્યાને મળવા આવે છે. મમ્મીને પહેલાં વિશ્વાસ ના આવ્યો. એમણે નવ્યાને પૂછયું કે આવું કોઇ આવે છે? નવ્યાએ ના પાડી. મમ્મીએ નવ્યાનો ફોન લઇ લીધો. નવ્યા ખૂબ રડી. થોડા દિવસ પછી જોયું તો નવ્યા લેપટોપ લઇને બાથરૂમમાંથી નીકળી. લેપટોપ લોક રહેતું હતું. મમ્મીએ નવ્યાને ખૂબ મારી પણ નવ્યા કંઇ જ બોલી નહિ અને હવે એને મારી પાસે લાવ્યાં હતાં. નવ્યા અને હું એકલાં પડયાં. મે નવ્યા જોડે એના મિત્રોની, સ્કૂલની વાત કરી. ક્યાં ટયુશનમાં જાય છે, ક્યો વિષય ગમે, એ રીતે રેપો બનાવવા પ્રયત્ન કર્યો. પણ નવ્યા વાત કરતી ન હતી.

થોડી વાર પછી મેં જ કહ્યું, “ તું તારી રીલેશનશીપ વિશે વાત કરી શકે છે.” હું તારાં મમ્મીપપ્પાને વાત નહિ કરું. બાળકને સ્યુસાઇડના વિચાર આવતા હોય કે પ્રેગનન્સી હોય કે બાળકના જાનને ખતરો હોય એવી જ વાત અમે માતાપિતાને કરતા હોઇએ છીએ. બીજી કોઇ પણ બાબત બાળકને પૂછયા વગર માતાપિતાને કરતા નથી. કાઉન્સેલિંગનો નિયમ હોય છે.એને મેં વિગતથી સમજાવ્યું કે મારે કઇ બાબત તારાં માતાપિતાને કહેવી પડે અને કઇ બાબત હું કહેવાની નથી.

નવ્યાને ભરોસો પડયો. એની જ સ્કૂલમાં ભણતો છોકરો એને ગમતો હતો. છેલ્લા ત્રણ મહિનાથી નવ્યા પ્રેમ સાથે રીલેશનશીપમાં હતી. “ડૉક્ટર, અમે કોઇ સીરિયસ રીલેશનશીપ માટે નથી વિચાર્યું. પણ મને એની કંપની ગમે છે. સાથે સરસ વંચાય છે. I Like his company”.

તરુણાવસ્થામાં હોય એવું નવ્યાને પ્રેમ માટે વિજાતીય આકર્ષણ હતું. એને એની મમ્મીનું રીએક્શન વધારે પડતું લાગતું હતું. પ્રીયેશ સાથે વાત કરવાનું મન થતું, વંચાતું નહિ અને ઘરમાં માહોલ ખૂબ ખરાબ હતો. જાણે મેં કોઇ પાપ કરી નાખ્યું હોય એમ મમ્મી વાતવાતમાં ટોણાં માર્યા કરતી હતી. મમ્મીએ પપ્પાને પણ વાત કરી. એના મોટા ભાઇને પણ વાત કરી. પપ્પા પણ નવ્યાએ મોટું પાપ કરી નાખ્યું હોય એવી રીતે ખિજાયા અને મોટાભાઇએ પણ બહુ મજાક ઉડાવી. નવ્યા ખૂબ રડી. નવ્યાને મેં આ એક નોર્મલ ફીલિંંગ છે એ વાત કરી. અત્યારના આવા સંબંધોનું કોઇ ભવિષ્ય હોતું નથી એ સમજાવ્યું. નવ્યાને ફિઝિકલ બાઉન્ડ્રી વિશેની સમજ આપી. એ ફ્રેશ થઇ ગઇ. હવે ખરી પરીક્ષા મારી હતી, માતાને સમજાવવાની! એની મમ્મીને પૂછયું ,“તમને એ છોકરા વિશે શું ખબર છે? તમને નવ્યા અને એ છોકરાના સંબંઘ વિશે શું ખબર છે”? એમણે કીધું, “ એ છોકરા જોડે ફોન પર વાતો કરે છે. આઇ લવ યુ લખે છે.” મેં પૂછયું, “તમે એ છોકરાને મળ્યા છો?” એમણે કીધું, “ના,મારે કેમ મળવાનું? એ મારવાડી છે. અમારે ચાલે જ નહીં.” મેં કીધું, “તમારી દીકરી જ એની જોડે લગ્ન નથી કરવાની. ખાલી છોકરા જોડે ફ્રેન્ડશીપ છે. આ તો માત્ર આકર્ષણ છે. તમને ખબર ના પડી હોત તો આ ચ્રુુસ્હ્ જતો પણ રહેત અને તમને ખબર પણ ના પડતી!”

મમ્મી કહે, “મારે મારી છોકરીને લફરાં કરવા દેવાનાં?” મેં એમને કીધું, “ તમે આવું કરશો તો એ ભાગી જશે તો તમે શું કરશો?” એટલે એની મમ્મી ગભરાયાં. રડવા માંડયાં. પછી મેં કહ્યું,“શાંત રહો, એવું કશું નહિ થાય. એવું ના થાય માટે નવ્યા સાથે શાંતિથી વાત કરો.” નવ્યા, મમ્મી અને હું બેઠાં. નવ્યાએ છોકરાને ફોન કરીને બોલાવ્યો. ૧૬ વરસનો ક્યુટ દેખાતો પ્રેમ આવ્યો. બહુ જ સજ્જન છોકરો હતો. બંનેને સમજાવ્યાં. બંનેએ કીધું કે અમારે ભણવું છે. અમે ફ્રેન્ડ છીએ, અમે બંને એકબીજાને લાઇક કરીએ છીએ. મેં કીધું,“ અત્યારે ભણી લો. કોલેજમાં એડમિશન મળે પછી રીલેશનશીપ માટે વિચારજો.” બન્ને છોકરાંએ પ્રોમિસ આપ્યું કે અમે કોઇ કામ એવું નહિ કરીએ જે અમારાં માતાપિતાને નહિ ગમે. ટીનેજર વર્ષોમાં વિજાતીય આકર્ષણ થવું સહજ છે, માતા પિતા આ વાતને સમજીને બાળક સાથે વાત કરે તો બાળકને સાચી રીતે ગાઇડ કરી શકે છે, ખિજાવાથી કે મારવાથી બાળક છુપાવતું થઇ જાય છે અને ગેરમાર્ગે દોરવાય છે. આ વર્ષે નવ્યાને અમદાવાદ ભ્ઝ્ મેડિકલમાં એડમિશન મળ્યું. પ્રેમને ગોવા આઇઆઇટીમાં એડમિશન મળ્યું છે. બંને હજી પણ સારા ફ્રેન્ડઝ છે. પણ બન્ને અલગ અલગ રીલેશનશીપમાં છે. નવ્યાનો મેસેજ હતો,“આન્ટી આ બોયફ્રેન્ડ પણ મારવાડી જ છે, તમારી જરૂર પડશે એવું લાગે છે!”