એક શિક્ષક શાળામાં ઈતિહાસ શીખવી રહ્યાં હતાં. તેમને મૈસુરની લડાઈ… અંગ્રેજોની જીત — ટીપુ સુલતાનનાં પરાક્રમ વગેરે પર પાઠ આપવાનો હતો. તેમને તેને અનુરૂપ કોઈ પ્રસ્તાવના સૂઝી નહિ. એટલે છેવટે તેઓ એક કાચનો પાણીનો ગ્લાસ લઈ આવ્યાં. વર્ગમાં પૂછયું… ગ્લાસમાં શું દેખાય છે? વિદ્યાર્થીઓ કહે, પાણી.. પછી આંગળી બોળીને કહ્યું, ધ્યાનથી જુઓ… ગ્લાસમાં શું પડયું? તેઓ કહે, ટીપું. તો શિક્ષકે કહ્યું તો આજે આપણે ટીપુ સુલતાન વિષે શીખીશું. તેઓ ખુશ હતાં કે તેમની પ્રસ્તાવના સફળ થઈ.

આ એક જોક છે. પરંતુ જ્યારે જ્યારે હું મારા પ્રશિક્ષણાર્થીઓની પ્રસ્તાવના સાંભળતી ત્યારે આ જોક અવશ્ય યાદ આવે હસવું ભલે આવે… એની ના નથી. પરંતુ વિચાર કરતાં કરી મૂકે છે… શિક્ષકોની તૈયારીનો અભાવ કેવો?

એક બીજો દાખલો આપું. શાળામાં એક જ ધોરણના બધાં ગણિત—વિજ્ઞાનના શિક્ષકો સાથે મળીને પ્રશ્નપત્ર તૈયાર કરી રહ્યાં હતાં. એક બહેને Word problem — ભાષા દ્વારા રજૂ થતો કૂટ પ્રશ્ન પૂછયો.. તો બીજા શિક્ષિકાબેને ટકોર કરી કે બેન! આ તો આપણે આગલા વર્ષે જ પૂછી ચૂક્યાં છીએ. ફરી એજ પ્રશ્ન? ત્યારે પેલા સિનિયર શિક્ષકે જરા હસીને કહ્યું… વિદ્યાર્થીઓ તો નવા છે ને? એમને શું ખબર ગયા વર્ષે શું પુછાયું છે?

આ પ્રત્યક્ષ ઉદાહરણોથી મારી આંખો ચમકી ઊઠી. આપણે ક્યાંક ભૂલ તો નથી કરતાં ને? આપણે તૈયારીમાં શા માટે પાછાં પડી રહ્યાં છીએ? કંઈ નવું આવે… એટલે કે અભ્યાસક્રમમાં… તો શિક્ષકોના તાલીમ વર્ગો યોજાતા હોય છે. તેમાં તથા પ્રશ્નપત્રો તૈયાર કરવામાં જ્યારે વર્કશોપ થતાં હોય છે ત્યારે Cream of teachers — દેખાતું હોય છે. કયા શિક્ષકો એકદમ સજાગ છે… ખૂબ તૈયારી કરીને વર્ગમાં જાય છે અને ક્યા શિક્ષકો ઘરેડમાં ફસાયા છે… તે ઘરેડમાંથી બહાર નીકળવાની તેમની તૈયારી જ નથી… ફાવી ગયું છે… પગાર મળે છે ને? ચાલે છે…

આ મનોવૃત્તિને કારણે તથા ઘણીવાર એવું નથી કે શિક્ષકોનો જ વાંક છે. આચાર્યોને પણ બહુ પ્રયોગલક્ષી શિક્ષકો ગમતા નથી… તમારો વર્ગ બહુ અવાજ કરે છે… બીજા વર્ગો ડિસ્ટર્બ થાય છે… ચાર દીવાલોમાં શાંતિથી બાળકોને કંટ્રોલ કરીને જેટલું થાય એટલું કરો… રીઝલ્ટ સારું લાવો… કોર્સ પૂરો કરો… સમયસર! પેપર સારાં કાઢો… માર્ક ગણતરીમાં ભૂલો ન કરો, આમાંથીજ ઊંચાં નથી આવતાં.

વળી એમાં ચિત્ર વધુ બગાડતી હોય છે સ્પાર્ધાઓ. એક શાળામાં જજ તરીકે મારે જવાનું થયું. વાતવાતમાં એક શિક્ષક કહે, મારા બાળકે પણ આ સ્પાર્ધામાં ભાગ લીધો છે. મેં તેને માટે ખૂબ મહેનત કરી છે… તેને તમે સારા માર્ક આપીને આગળ વધારજો… મને દુઃખ થયું. આ શિક્ષક મારી વિદ્યાર્થિની હતી… ફક્ત માર્કને માટે બદલાયેલી તેની મનોવૃત્તિ… અનેક વર્ષોનો કાટ ચઢી ગયેલો દેખાયો. શું સ્પર્ધા, પરીક્ષા, કોર્સ, સીલેબસ, એ સિવાય આજના શિક્ષકની ડિક્શનરીમાં કાંઈ નથી?

ક્યાં ગયાં મૂલ્યમાપનમાં શીખેલા પાઠો? આપણે મૂલ્યમાપનની નવી રીતો અપનાવી જ નહીં?

આપણે શાળાકીય મૂલ્યમાપનને સર્વાંગી બનાવવાને બદલે સંકીર્ણ, ફક્ત ખાનાં ભરો… જ બનાવી દીધું? આપણે બીજાઓનું મૂલ્યમાપન કરતાં રહ્યાં અને આપણી જાતને તપાસી જ નહીં? આપણે તો “ચહેરે પર ધૂલથી આયના સાફ કરતા રહ્યાં” જેવું જ કર્યું ને?

આપણે હવે આપણી સામે આવેલા પડકારોને જોવા પડશે. નવું નવું શીખવું પડશે.. કોમ્પ્યુટરથી શરૂઆત કરીએ. હજીયે મોડું નથી થયું. નવીન પદ્ધતિઓ આવી રહી છે. આપણે જડ બનીને જૂનું એટલું સોનું એમ નથી કરવાનું. કવિ સુંદરમે કહ્યું હતું એમ તાવી તાવી તૂટેલું… આત્મનિરીક્ષણ કરીને… એને સોનું બનાવવાનું છે. અરે! હજીયે ઘણા શિક્ષકો હર્બાટ્‌ની પંચપદીમાંથી બહાર જ આવવા નથી માંગતા. શિક્ષકો પણ અને પ્રાધ્યાપકો પણ… જે છે તેઓ આંકડાશાસ્ત્ર અને ગા્રફમાં અટકી પડયાં છે. આંકડો કેટલો ઊંચો થયો? ગ્રાફ કેટલો આગળ ગયો ત્યાંજ ઈતિ શ્રી માની લેતા આચાર્યોએ પણ બદલાવું પડશે. સમયની માંગ છે. તકાજો છે. બદલાઓ નહીં તો ભૂંસાઈ જશો… કદાચ TIE અને DIE IN Education આમાંથી નીકળવાનો માર્ગ બતાવે!