અરે રેશમા! ક્યાં ગઈ તારી દીકરી… જાગે છે કે ઊંઘે છે? મેં તો એને હોસ્પિટલમાં બે દિવસની હતી, ત્યારે જોઈ હતી… પછી જોઈ જ નથી… કેટલી થઈ?”

“બે મહિના પૂરા થયા…”

“શું વાત કરે છે? તો તો હવે ઘાટીલી થઈ હશે. લાવ લાવ જરા રમાડીએ… મને તો નાનાં છોકરાં રમાડવાં બહુ જ ગમે… એવાં મીઠાં લાગે ને! ભગવાને એમના મોં પર એવી નિર્દોષતા ને પ્રસન્નતા મૂક્યાં છે કે તમે તેમને જુઓને જાણે હૃદયમાંથી હેત ઊભરાય, તેની આંખો કેવી ઝગારા મારતી હોય છે! હું તો નાના બાળકને જોઉં ને મને જાણે એમ જ થાય કે આ તો જીવતાં જાગતાં દેવ છે! ભગવાને બાળકનું સર્જન કરીને તો કમાલ કરી નાખી છે હોં!”

અને રેશમા હોંશથી તેની દીકરીને લઈ આવી… ને મારા ખોળામાં મૂકી…

સરસ મઝાના ગુલાબી ફ્રોકમાં એ એવી તો મીઠી લાગતી હતી. ગોરો વાન, ભૂરી આંખો… સોનેરી રેશમ જેવા સુંવાળા વાંકડિયા વાળ… ને એવા હાથપગ ઉછાળે… જાણે કહેતી ન હોય કે “મને લો… મને લો…” ને મેં એની સામે આંખ માંડી… ને એવા હુંકારા કરવા લાગી… હવેનાં છોકરાં બહુ ચપળ હોય છે. બધું જ વહેલાં વહેલાં શીખવા માંડે છે… દિવસ દિવસે છોકરાંઓ વધુ તેજ બનતાં જાય છે.

“શું નામ પાડવાનું નક્કી કર્યું છે રેશમા?”

“તુલસી.”

“વાહ, બહુ સરસ… મીઠું નામ છે… પણ રેશમા… આ એના હાથે શું બાંધ્યું છે? બેઉં હાથ આમ કપડાંથી કેમ બાંધી દીધા છે? કંઈ થયું છે કે શું? આટલા નાના બાળકને…”

“અરે!” આન્ટી… એ આખો દિવસ હાથ મોંમાં નાંખે છે. હાથ ચૂસ્યા કરે છે, પછી શું કરું?

“રેશમા…! નાનું બાળક છે તે હાથ તો ચૂસે જ ને! અરે! એની ચૂસવાની પ્રક્રિયા તો માના ઉદરમાં હોય ત્યારથી શરૂ થાય છે. નાના બાળક માટે હાથ ચૂસવા, અંગૂઠો ચૂસવો એ બધું તો બહુ સાહજિક અને સ્વાભાવિક હોય છે… તેનાથી તેને કેટલો આનંદ આવે. કેટલો માનસિક સંતોષ મળે!”

“અરે! પણ દાંત આગળ ન આવે! ડૉક્ટરો તો કહે છે કે અંગૂઠો ચૂસે એ છોકરાંના દાંત આગળ આવે ને વળી પાછી આ તો છોકરીની જાત… દાંત આગળ આવે તો મોં કેટલું ખરાબ લાગે! વળી પાછી રિંગની કડાકૂટ કરવી પડે…”

અને હું એકદમ હસી પડી… “તું ય ખરી છે રેશમા. બે મહિનાની છોકરીને વળી દાંત આગળ આવવાની ચિંતા તું કરે છે? અરે! દાંત તો આઠ દસ મહિના પહેલાં ઓછા આવવાનાં છે! બહુ વહેલા આવે તેય છ મહિને… એને માટે તને અત્યારથી શિક્ષા! તુંય ખરી છે હો રેશમા! આ તમે લોકો બહુ ભણેલાની આ જ બલિહારી છે. ને તેમાંય વળી ને દાંત પહેલાં આવશે એ તો દૂધિયા દાંત આવવાના… એ તો બધાં જ પડી જવાનાં… અત્યારે તે એ બધી ચિંતા કરવાની હોય? ભારે કરે છે તું તો… અને મને એ નાજુક તુલસીની દયા આવી ગઈ… હજી તો માંડ ઊગીને ઊભી થાય છે ને તેને માથે આ ત્રાસ શરૂ થઈ ગયો! શું વખત આવ્યો છે? આજની ભણેલી—ગણેલી માની આ અધીરાઈ… આ વધુ પડતી જાગૃતિ… કેવા અતિરેક સુધી પહોંચી જાય છે!

થોડાં વર્ષો પહેલાં આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવમાં એક ચલચિત્રને પારિતોષિક મળ્યું હતું. તેમાં કથાવસ્તુ એવું હતું કે માને બાળક અવતરવાનું છે… પણ ઉદરમાં રહેલું બાળક તેને સાદ કરે છે. “મારે આ દુનિયા પર અવતરવું નથી…” અને એ બાઈને આશ્ચર્ય થાય છે, “મેં તો બહુ જ ઇચ્છાથી અને પ્રેમપૂવર્ક આ ગર્ભ ધારણ કર્યો છે… આવું કેમ બને? અને એ બાઈએ દુનિયામાં કેટલાં બાળકો સ્વેચ્છાએ જન્મે છે અને કેટલાંને અનિચ્છાએ જન્માવવામાં આવે છે, તેની તપાસ શરૂ કરી, તો તેને જાણવા મળ્યું કે એંસી ટકાથીય વધુ બાળકોનાં જન્મ કૃત્રિમ રીતે એટલે કે સિઝેરિયનથી કે ફોરસેપથી કરાવવામાં આવે છે, બહુ ઓછાં બાળકો કુદરતી રીતે જન્મે છે. ને તેનાં કારણોની આગળ તપાસ શરૂ કરી. બાળકોની તેમનાં માબાપને હાથે જ કેટકેટલી ઉપેક્ષા જોવા મળે છે! સાત વર્ષની રુચિ સવારે આઠ વાગે સ્કૂલમાં ગઈ હતી ને બાર બાગે આવીને બારણું ખખડાવે છે. માને મળવા તે અધીરી બની ગઈ છે, પણ મા ક્યાં?… “મા… મા…” પણ જવાબ મળતો નથી… અને તે રડવા માંડે છે… એના એ રડવાનો અવાજ સાંભળી બાજુમાં રહેતાં બહેન બહાર આવે છે ને તેને કહે છે… “ચાલ દીકરી… તારી મમ્મી તારાં દૂધ—નાસ્તો મારે ત્યાં આપી ગઈ છે…” પણ માને મળવા એ અધીરી દીકરી… તેને દૂધ નાસ્તો ક્યાંથી ગળે ઊતરે? તે તો તેના ઘરનાં બારણા આગળ જ બેસી પડે છે… ખૂબ રડે છે, તેના કુમળા હૃદય પર એક ઘેરો આઘાત લાગ્યો છે. એ આઘાત તેને માટે અસહ્ય છે. “મા મને કહ્યા વિના ગઈ જ કેમ? એણે મને કહેવું તો જોઈતું હતું ને? અને ગઈ તો હું આવી ત્યારે આવી કેમ ન ગઈ? હવે હું એની સાથે બોલીશ જ નહીં… માને હું ગમતી જ નથી. એટલે જ એ મને આમ મૂકીને જતી રહી છે ને!” બાળકને જોઈએ છે સ્નેહ અને સ્વીકાર્યતા. તેને બદલે તેને મા તરફથી આમ ઉપેક્ષા મળે તો એ દુઃખ કેવી રીતે જીરવી શકે?

આજની શિક્ષિત મા બાળકને સંવેદના હોય છે એવું… સમજી શકે છે ખરી? અરે! સમજી શકતી હોય તોય સ્વીકારી શકે છે ખરી? બાળક ઉદરમાં હોય ત્યારથી તેના મગજમાં એક ભૂત સવાર થઈ જાય છે કે મારે મારા બાળકને સર્વગુણસંપન્ન બનાવવું છે, એક માતા તરીકે બાળકની પ્રગતિ માટેની આ મહત્ત્વાકાંક્ષા કાંઈ ખોટી નથી… એ હોય તો જ બાળકનો વિકાસ થઈ શકે… પણ આજની શિક્ષિત માતાઓના મગજમાં એ મહત્ત્વાકાંક્ષાનો એવો તો અતિરેક થતો હોય છે કે બાળક એક જીવંત માનવ છે, તેનેય સંવેદના છે તેવું તે ભૂલી જાય છે.

હમણાં જ બીજી માતાને મળવાનું થયું. બહેન પોતે તો ડૉક્ટર છે ને તેનેય બેબી આવ્યે હજી ત્રણ મહિના જ થયા છે, બેબી ખૂબ નાજુક, નમણી ને મીઠ્ઠી, દેખતાં જ વહાલ આવે તેવી છે… “એની મમ્મી ક્યાં?” મારાથી સાહજિક જ પુછાઈ ગયું. “એ કૉમ્પ્યુટરના ક્લાસમાં ગઈ છે.” ડૉક્ટર છે ને કૉમ્પ્યુટરના ક્લાસમાં? મારાથી પ્રશ્નાર્થભરી રીતે જોવાઈ ગયું… ત્યાં તો તેના મમ્મીએ જવાબ આપ્યો. હવે એ મોટી થશે એટલે એને કૉમ્પ્યુટર શીખવવું પડશે ને! જમાનો કેટલો બધો ઝડપથી આગળ વધી રહ્યો છે!

અને મને હસવું આવી ગયું. ત્રણ મહિનાની દીકરીને જ્યારે માની હૂંફ અને હાજરીની સૌથી વધારે જરૂર છે ત્યારે એ માને કૉમ્પ્યુટર શીખવાની ધૂન ચડી?… ને તેય બેબીને શીખવવા માટે! અરે! આજે દરેક સ્કૂલમાં કૉમ્પ્યુટર શીખવાડાય જ છે ને! સ્કૂલમાં જશે એટલે એને આપોઆપ આવડવાનું છે. બેબી નાની છે એટલે એણે હમણાં ડૉકટરી નથી કરવાની, એ નિર્ણય મેં વખાણ્યો… પણ ત્યાં તો આ બીજી વાત સાંભળીને મને એ મા અને એની દીકરી માટે કરુણા ઊપજી… “અરે! મને તો એટલી ચિંતા થાય છે કે હું આ છોકરીને મોટી કેવી રીતે કરીશ? એને ભણાવીશ કેવી રીતે? મને તો કંઈ જ સમજાતું નથી…” મા બોલી.

અમેરિકામાં બાળક જન્મવાનું હોય તે પહેલાં જેમ માને માટે ડૉક્ટરની ટ્રીટમેન્ટ જરૂરી છે, તેમ જ મા અને બાપ બંને માટે વિશિષ્ટ પ્રકારના વર્ગો ચલાવવામાં આવે છે જેમાં બાળકના ઉછેર માટેની ખાસ તાલીમ આપવામાં આવે છે… આપણે ત્યાં પણ હવેની શિક્ષિત કહેવાતી માતાઓ માટે આ motherhood training વર્ગોની બહુ જ જરૂરિયાત ઊભી થઈ છે, તેવું લાગ્યા વિના રહેતું નથી. આજની મહત્ત્વાકાંક્ષી માતાઓએ બાળકના બાળપણને તો સંદતર છીનવી લીધું છે. સ્કૂલમાં છ છ કલાક સુધી બાળક ગોંધાઈ રહ્યું હોય પછી તેને મુક્તપણે રમવા દેવાને બદલે સંગીત ક્લાસ, ચિત્ર ક્લાસ, કરાટે ક્લાસ, સ્વીમિંગ… અંગ્રેજીના વર્ગો… અરે! કેટકેટલી પ્રવૃત્તિઓ! મારું બાળક તો ખૂબ હોંશિયાર છે, એને તો જરાય સમય મળતો નથી… કહી આજની માતાઓ ફૂલી સમાતી નથી, ત્યારે મને એ માને પૂછવાનું મન થાય છે, કે તમે ક્યારેય તમારા બાળકને એને શું કરવું ગમે એવું પૂછયું છે ખરું? બાળકને આપણે આપણાં ચાવીવાળાં રમકડાં સમજીએ છીએ… આપણી પ્રતિષ્ઠા માટેનાં પ્યાદાં સમજીએ છીએ. એના અંતરની ભાષાને આપણે ક્યારેય વ્યક્ત થવા દઇએ છીએ ખરાં? કેટલી મોટી કમનસીબી છે !