વિમળ, અંબુ અને લીલુએ ગંજીપા લીધા. અંબુ અને લીલુ મોટાં હતાં. તેઓને ગંજીપાથી રમતાં આવડતું પણ વિમળ ચાર વર્ષની હતી. તે તો ગંજીપાને પણ એક રમકડું ગણી જ્યાં ત્યાં ફેરવતી અને ખૂબ સાચવતી. રાત્રે સૂઈ જાય ત્યારે પણ પાસે ને પાસે જ રાખે. વિમળને ગંજીપો રમવાનો નહિ પણ પાસે રાખવાનો ભારે શોખ હતો.

એક દિવસ ગંજીપો ક્યાંઈ આડોઅવળો મુકાઈ ગયો; અથવા વિમળ ન્હાવા બેઠેલી હશે કે વાડામાં ગઈ હશે તે વખતે કોઈએ ક્યાંઈ મૂકી દીધો હશે. વિમળે પાછા આવી તુરત જ તે શોધવા માંડયો. ગંજીપો ક્યાંઈ જડે નહિ. વિમળ વીલી પડી ગઈ. તે મોટાભાઈ પાસે ગઈ.

“મોટાભાઈ, મારો ગંજીપો ખોવાયો છે. મને શોધી આપોને!”

“હું તો મારા પાઠ કરું છું. જા, લીલુબેનને કહે; તે શોધી આપશે.”

વિમળ નાની બેન પાસે ગઈ.

“લીલુબેન, મારો ગંજીપત્તો ખોવાયો છે. શોધી આપશો ?”

“ભઈ મને નવરાશ નથી. હું તો આ કપડાં ધોવા જાઉં છું. પડયો હશે ક્યાંઈ, શોધી લે.”

વિમળ અંબુબેન પાસે ગઈ.

“અંબુબેન, મારો ગંજીપત્તો તમે દીઠો ? ક્યાંઈ ખોવાયો છે. મને શોધાવશો?”

“હું કાંઈ નવરી નથી. જો મારે તો શાક સુધારીને વઘારવું છે તેં ગંજીપત્તો એમ રખડતો શા માટે મૂક્યો?”

વિમળ રડવા જેવી થઈ ગઈ. ગંજીપત્તો તેને બહુ વહાલો હતો.

વિમળ બાની પાસે ગઈ.

“બા, મારો ગંજીપત્તો ખોવાયો છે. તમે ભાળ્યો છે?”

“નહોતી કહેતી કે ગંજીપત્તો નથી લેવો! જો હવે ખોવાયો તે મ્હોં વાળી બેઠી છે. જા, મારે હજી ઘણું કામ છે. તારા ગંજીપત્તાનું અત્યારે ક્યાં કરું?”
વિમળ ડૂસકાં ભરતી પાછી ગઈ.

ઘરનાં બધાં માણસોને પૂછી વળી, પણ કોઈએ તેને દાદ ન દીધી. સૌએ સંભળાવી દીધું કે અમારે તો કામ છે. રાંઘવું, શાક સુધારવું, કપડાં ધોવા જવાં એ બધું કામ. એક વિમળનો ગંજીપત્તો શોધી આપવામાં મદદ કરવી, એ કામ નહિ!

વિમળ એક ખૂણામાં ઠંડી પડીને બેઠી. તેના ગાલ પરનાં આંસુ ધીરે ધીરે સુકાતાં હતાં. તે કોઈની રાહ જોતી હતી. પણ તેનાથી બેસી રહેવાયું નહિ. તે ઊઠીને ફરી ફરીને ગંજીપત્તો શોધવા લાગી. પણ પાછી નિરાશ થઈ એક ખૂણામાં જઈને બેઠી. ભાઈ, અંબુ કે લીલુ કોઈ હમણાં તો કામમાં ન હતાં પણ ફરી વાર વિમળે તેમને પૂછયું નહિ. પૂછવાનો વિચાર કરવા જતાં તેને રડવું વધારે આવતું હતું.

વિમળ ગંજીપત્તો સંભારતી હતી. તેનો જોકર અને રાણી અને બાદશાહ સંભારતી હતી. ઉંદર લઈ ગયા હશે તો તે ફાડી નાંખશે, તો ગંજીપત્તો કેવો ખરાબ થશે તેના વિચારમાં રોકાતી હતી. ત્યાં જોડાનો અવાજ આવ્યો ને બાપુએ હસતાં હસતાં ટૌકો કર્યોઃ “કાં છોકરાંઓ, લીલુ, અંબુ, રમુ, વિમળ શું કરો છો?” અંબુ અને લીલુ ઓશરીમાં જ ઊભાં હતાં. રમુ બારણામાં ઊભો ઊભો છાપું જોતો હતો. વિમળ ન દેખાઈ. બાપુએ કહ્યુંઃ “વિમળ ક્યાં છે?”

“એ, પણે બેઠી. ક્યારની ર…”

“અરે વિમળબાઈ, આવો તો; કેમ ત્યાં બેઠાં છો ?”

લાડથી બોલાવી એટલે વિમળને વધારે દુઃખ થયું, ને તે મોટેથી રડવા લાગી.

બાપુએ કહ્યુંઃ “શું છે?”

વિમળે કહ્યુંઃ “ગંજીપત્તો. અમારો ગંજીપત્તો ખોવાઈ ગયો.”

બાપુઃ “અરે એમા શું? ચાલો શોધીએ અને ન મળે તો પછી બીજો લાવીએ. એમાં રડવું શાને?”

“પણ મને કોઈ શોધાવતું નથી.”

“ચાલ હું શોધાવું. બીજાંઓ કંઈક કામમાં હશે.” બાપુએ કોઈની ટીકા કર્યા વિના કે કોઈને માથે કશો વાંક મૂક્યા વિના જ નવો માર્ગ કાઢયો.

બાપુએ ગંજીપત્તો આખા ઘરમાં શોધ્યો પણ છતાં તેનો પત્તો ન લાગ્યો.

“વિમળ ફિકર નહિ. ગંજીપત્તો નહિ જડે તો બીજો લાવીશું. એમાં રડવા જેવું નથી.”

તેઓ ગાદલાંની ઓરડીમાં ગયાં. ત્યાં પણ ન દેખાયો. પણ પાછાં ફરતાં હતાં એટલામાં ગોદડાની કોર નીચે ઢંકાએલો પડેલો બાપુએ અને વિમળે એકીસાથે જોયો ને બન્ને બોલી ઊઠયાંઃ “એ રહ્યો ગંજીપો!”

વિમળનું હૈયું હરખી ઊઠયું. વિમળને હરખભરી જોઈ બાપુને આનંદ થયો. વિમળે દોડીને સૌને ખોવાયેલો ગંજીપો દેખાડયો. ઘરમાં દોડાદોડ કરી મૂકી. “એ ગંજીપો જડયો. બાપુએ શોધી આપ્યો. ના ના, મેં શોધ્યો. ના ના, બાપુએ શોધ્યો.”