ઘર : એક મહાશાળા
બાળક શાળામાં ભણવા જાય તે પહેલાં તે ઘર નામની મહાશાળામાં રહી ચૂક્યું હોય છે. શાળાને સમય અને શિક્ષણ અંગે જે કેટલીક મર્યાદાઓ છે તે ઘરને નથી હોતી. બાળકને માટે તો માતાનો ખોળો એ જ પહેલી અને વહાલી શાળા છે.
ઝડપી વિકાસ
માનવના શિક્ષણનો આદર્શ સમય છે શિશુઅવસ્થા. આ અવસ્થામાં વિવિધ ક્ષેત્રે થતો વિકાસ ખૂબ ઝડપી હોય છે. આ વિકાસની વસંતના આરંભે શાળાનું સ્થાન ઘર લેતું હોય છે.
શાળાએ ગયા પછી પણ બાળકનો મોટા ભાગનો સમય ઘરમાં પસાર થાય છે. આમ શાળા કરતાં બાળકને ઘરનું વાતાવરણ વધુ મળે છે. આથી બાળકને સંસ્કારવાની જે તક ઘરને છે તે શાળાને નથી.
શાળા ચોક્કસ નીતીનિયમ મુજબ ચાલતી અૌપચારિક સંસ્થા છે; જ્યારે ઘર અૌપચારિકતાઓથી મુક્ત છે. ઘરમાં અપાતું સહજ અને વ્યવહારુ શિક્ષણ વધુ અસરકારક બને તે સ્વાભાવિક છે. નિયમિતતા, સ્વચ્છતા, સાદાઈ, આતિથ્ય, આદર, સેવા અને જાતમહેનત જેવી અનેક બાબતોનું ઘડતર ઘરમાં બહુ સારી રીતે થઈ શકે છે.
આપણે વૃદ્ધો પાસેથી ઘણું શીખવા — સમજવાનું હોય છે. શાળામાં તો શિક્ષક વૃદ્ધ થતાં નિવૃત્તિને પાત્ર ઠરે છે! ઘરમાં વૃદ્ધોનો વત્સલ સાથ અને સમજ મળી રહે છે. આ બાબતે પણ ઘર શાળા કરતાં વધુ સમૃદ્ધ સિદ્ધ થાય છે.
અનુકરણ કરવાનું વલણ
બાળક ઘરના વડીલોની બોલચાલનું અનુકરણ કરવાનું વલણ ધરાવતું હોય છે. આ રીતે તે ભાષા શીખે છે અને બીજા સાથેના સંબંધો અને વ્યવહારો સમજે છે.
બાળકમાં બીજાનાં સૂચનને સ્વીકારવાનું પણ વલણ હોય છે. વડીલો પર અનેક બાબતે અવલંબિત બાળક તેમનાં સૂચનોથી સ્વાભાવિક રીતે પ્રભાવિત થાય છે. આ રીતે ઘરમાં તેનું ઘડતર થાય છે.
બાળક તેના સંપર્કમાં આવતી પ્રત્યેક ચીજ, વ્યક્તિ કે ઘટનાનું ધ્યાનપૂવર્ક અવલોકન કરે છે. આથી તેના મનમાં અનેક સવાલો જાગે છે. આ રીતની જિજ્ઞાસા એ જ્ઞાનપ્રાપ્તિની પૂર્વશરત છે. જિજ્ઞાસાનું શમન પ્રથમ તબક્કે ઘરમાં થતું હોવાથી અહીં તેનામાં જ્ઞાનનો ઉદય થાય છે.
વાર્તાભૂખ્યાં બાળકોને ઘરમાં વિવિધ વાર્તાઓ સાંભળવા મળતી હોય છે. આ વાર્તાઓ જ્ઞાન અને સંસ્કાર મનોરંજન સાથે આપે છે. વાર્તાઓથી બાળકની સામાજિકતા પણ વિકસે છે.
બધાં જ ઘરો બાળકને સંસ્કારવાની એકસરખી ક્ષમતા ધરાવતાં હોતાં નથી. પ્રત્યેક ઘરે જાગૃતિપૂવર્ક પોતાની આ ક્ષમતાને વિકસાવવી જોઈએ અને ટકરાવવી જોઈએ. ઘરનું ઘરપણું અરસપરસ અસીમ સ્નેહ અને ઊંડા આદરમાં રહેલું છે એ યાદ રાખવું ઘટે છે.
ઘરે બાળકો સાથે વાતચીત કરવા માટે પૂરતો સમય ફાળવવો જોઈએ. એની વય અને કક્ષા અનુસારની વિવિધ બાબતો તેની સાથે ચર્ચવી જોઈએ. એની તર્કશક્તિ વિકસાવવી જોઈએ.
ઇચ્છીનય સીમિત સંખ્યા
ઘરમાં બાળકોની સંખ્યા જો વધુ હોય તો સ્વાભાવિક રીતે પ્રત્યેક બાળકના વિકાસ માટે પૂરતો સમય, શ્રમ, સંપત્તિ ફાળવી કે ખર્ચી શકાય નહીં. આથી ઘરમાં બાળકોની સંખ્યા સીમિત રહે તે ઇચ્છનીય ગણાય.
વિવિધ પ્રવૃત્તિઓ
ઘરની સ્થિતિ અને સંજોગો અનુસાર, ભલે ને નાનું પણ દૃષ્ટિપૂર્વકનું ગૃહપુસ્તકાલય વિકસાવવું જોઈએ. બાળકના શિક્ષણનું આ એક ઉત્તમ સાધન સિદ્ધ થઈ શકે છે.
ઘરમાં બાળક પોતાની ફુરસદનો ઉપયોગ સર્જનાત્મક માર્ગે કરે તે માટે યોગ્ય સાધનો અને સૂચનો બાળકોને આપવાં જોઈએ.
બાળકના શારીરિક વિકાસ માટે પૂરતું પોષણ અને પૂરતી પ્રવૃત્તિઓ ઘરમાંથી મળી રહે તે જરૂરી છે. બાળકના માનસિક વિકાસમાં પ્રવાસ—પર્યટનોનો ફાળો નોંધપાત્ર હોય છે. પ્રવાસ ઉપરાંત વિવિધ પ્રદર્શનો, સંગ્રહસ્થાનો અને પસંદગીયુક્ત ચલચિત્રોનો લાભ પણ બાળકોને અપાવવો જોઈએ.
ઘરમાં જેમ વડીલોમે માન અપાય છે તેમ બાળકોને પણ મમતાભર્યું માન આપીએ. બાળકને ઉપદેશ આપીને શીખવવું એ અશક્ય નહીં તો અઘરું જરૂર છે. આથી આપણું જ આચરણ ઉદાહરણીય બને તે ઇચ્છનીય છે.
મનોરથ
દરેક માબાપને પોતાના મનોરથ હોય છે. પોતે એ મનોરથો હોય છે. પોતે એ મનોરથો પોતાના જીવનમાં સિદ્ધ કરી શકે તેવું હંમેશાં બનતું નથી. આથી કેટલાંક માવતરો પોતાની મહેચ્છા પોતાનાં બાળકો દ્વારા પાર પાડવા પ્રયાસ કરે છે. ખરું જોતાં બાળકના પોતાપણાની આ અવગણના છે. આપણે તો બાળકની વિશિષ્ટ શક્તિઓ પારખીને તેનો સમુચિત વિકાસ કરવા માટે અનુકૂળ વાતાવરણ અને માર્ગદર્શન આપવાનું છે.
ઘરમાં, બાળકોના શિક્ષકોનો ઉલ્લેખ માનભેર થવો જોઈએ. જો આવું ન થવા પામે તો બાળક શાળામાં અનુકૂલન સાધી શકતું નતી. એક મહાશાળા તરીકે ઘર, શાળાનો સંપર્ક જાળવીને સહકાર આપે તે જરૂરી છે.
કેટલાંક ઘરોમાં બાળકના ભાવિ અંગે ખૂબ ચિંતા અને ચર્ચા થયા કરતી હોય છે. તેના ભવિષ્ય અંગે વધુ પડતો ઉચાટ રાખવાને બદલે બાળકના વર્તમાનને વધુ સમૃદ્ધ અને આર્થિક બનાવવાનો પ્રયાસ થવો જોઈએ. આ માટેનું ઘરનું સમગ્ર વાતાવરણ સમૃદ્ધ કરવાનો પ્રયાસ થવો જોઈએ. ભાવિની ઈમારતના પાયાનું ચણતર તો વર્તમાનમાં જ કરવું રહ્યું ને? આ ચણતર કેવળ લાગણી — ભાવનાથી થઈ જવા પામતું નથી. આ માટે જરૂર છે સંગીન કાર્યક્રમ અને તેના અમલની. આમ કરીને જ આપણા ઘરને એક મહાશાળા તરીકે સિદ્ધ કરી શકીશું.