કોઈપણ ઉંમરના બાળકના વર્તનવ્યવહાર વિશે જ્યારે પ્રશ્નો ઊઠે ત્યારે, જેમ ડોક્ટર રોગની સારવાર માટે રોગનાં મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરે છે, ઊંચી ઈમારતમાં કોઈપણ માળે ઉધઈ દેખાય તો જે તે માળ ઉપરાંત ઇમારતના પાયામાં દવા નંખાય છે તેજ રીતે બાળકના જન્મ, જન્મ પૂર્વે અને જન્મ પછીની કેટલીક વિગતો બાળકના વર્તન વ્યવહારને સમજવા અને સુધારવામાં ઉપયોગી થાય છે.

આપણે સહુ જાણીએ છીએ કે આપણે માનવીઓ બીબામાંથી નથી બનતાં એટલે એક જ સરખાં હોઈએ, એક જ સરખું વિચારીએ કે એક જ સરખી આવડત હોય એવું તો ન જ બને. એથી જ આપણા ઉછેર કે વિકાસ માટે પણ ૧+૧=૨ જેવું ગણિત માંડી ન શકાય. ગર્ભાધાનથી લઈને પરિપક્વતા સુધીની પ્રક્રિયા દરેકમાં જુદી જુદી રીતે થાય. તેમ છતાં કેટલાંક સર્વસામાન્ય નિરીક્ષણ કે અનુભવ સહુને ઉપયોગી થઈ શકે. બાળઉછેરની પ્રક્રિયાને સમજવા માટે અહીં ખેતીનું ઉદાહરણ યોગ્ય રહેશે.

આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. ખેતીમાં, આખા વર્ષમાં જુદા જુદા ત્રણ પાક લેવાય. પાકની સારી ઉપજ માટે જરૂરી છે ફળદ્રુપ જમીન, પાણી અને યોગ્ય વાતાવરણ. વાવણી પહેલાં જમીનને ખેડીને તૈયાર કરવામાં આવે. આ સમયે જમીનમાં માટી સાથે ભળી ગયેલા રેતી, પત્થર કે ઈંટાળાને વીણીને દૂર કરવામાં આવે. આ ઉપરાંત અગાઉ લીધેલ પાકનો અયોગ્ય કચરો પણ દૂર કરી માટીને ચોખ્ખી કરવામાં આવે. ખેડૂત જમીન ખેડીને તૈયાર કરે, યોગ્ય સમયે જરૂર પૂરતો વરસાદ આવે, જમીન જરૂર મુજબ પોચી થાય અને એમાં વાવણી થાય. સમયાંતરે યોગ્ય તડકો અને વરસાદ મળતાં રહે. વરસાદ ખેંચાય કે ઓછો પડે તો પૂરક વ્યવસ્થા દ્વારા પાણી પવાય. બીજમાંથી અંકુર ફૂટે, સાથે સાથે વણજોઈતું પણ કંઈ કેટલુંય ફૂટી નીકળે જેને ખેડૂત સમયે સમયે નીંદી નાંખે જેથી વાવેલ પાકને યોગ્ય પોષણ મળે. કોઈ જીવજંતુઓનો હલ્લો થાય તો એનો પણ ઉપાય થાય. આમ, માવજતથી ધીમે ધીમે પાક તૈયાર થઈ જાય!

જેમ યોગ્ય જમીનમાં પાકને માટે યોગ્ય સમયે વાવેતર કરવામાં આવે, યોગ્ય માવજત થાય અને યોગ્ય વાતાવરણ મળે તો પાકની ખૂબ જ સારી ઉપજ મેળવી શકાય છે. તેમ જ સ્ત્રી યોગ્ય ઉંમરે એટલે કે, વહેલામાં વહેલા ૧૮ વર્ષે લગ્ન અને ૨૦ વર્ષ પછી બાળકને જન્મ આપે તો ગર્ભાધાન, ગર્ભાવસ્થા, અને બાળ જન્મ એમ તમામ પ્રક્રિયા યોગ્ય રીતે થાય.
માતાનો યોગ્ય શારીરિક અને માનસિક વિકાસ ગર્ભસ્થ બાળકના નવ માસ સુધીના વિકાસમાં ખૂબ સકારાત્મક ભાગ ભજવે છે. પ્રસૂતિ દરમિયાન પણ ખાસ કોઈ તકલીફ પડતી નથી. માતા અને બાળક બંનેની તંદુરસ્તી જળવાઈ રહે છે. માતા ઉપરાંત પિતાની શારીરિક માનસિક સ્થિતિ પણ બાળકના જન્મ અને બાળકના વિકાસને અસર કરે છે. કેમકે, બાળકના જન્મ અને ઉછેરની પ્રક્રિયા સ્ત્રી અને પુરુષનો સહિયારો પુરુષાર્થ છે.

પતિ કે પત્નીના મનમાં સતત ઉચાટ, ભય કે અશાંતિ રહેતા હોય તો આવાં કારણો બાળકના મૂળ બંધારણમાં બાધારૂપ બને છે. ક્યારેક ગર્ભાધાનમાં પણ ઢીલ થાય એવી પૂરી શક્યતા રહે છે. ક્યારેક માતા—પિતાની આવી મનોસ્થિતિમાં બંધારણ પામેલ બાળક જન્મ પછી ગભરુ પ્રકૃતિનું બને કે સતત અસલામતીનો અનુભવ કરે એવી શક્યતા રહે. એથી વિશેષ આવી પ્રકૃતિનાં બાળકોના વિકાસમાં આત્મવિશ્વાસની કમી જોવા મળે છે. પરિણામે કોઈપણ કાર્ય કરતાં પહેલાં એ હિચકિચાહટ અનુભવે છે. આવાં બાળકો પોતાની મેળે નિર્ણય કરી શકતાં નથી કે પછી તેઓને નિર્ણય લેવામાં ખૂબ વધુ સમય લાગે છે. આમ થતાં ક્યારેક મનગમતું કે હાથમાં આવેલ તક ગુમાવી દે છે.

ગર્ભવતી સ્ત્રીને ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય પોષણક્ષમ ખોરાક ન મળે તો ગર્ભમાં રહેલા બાળકને પણ યોગ્ય પોષણ મળતું નથી. આવાં કુપોષિત બાળકોને જન્મતાંની સાથે જ અનેક રોગ ઘેરી વળે એવું બને. ઘણા પરિવારોમાં ક્યાંક આર્થિક ભીંસને કારણે ગર્ભવતી સ્ત્રીને પૂરતો ખોરાક મળતો નથી, તો વળી ક્યાંક પારિવારિક આંતરિક ખટરાગને કારણે ઘરમાં બધું જ પૂરતું હોવા છતાં ગર્ભવતી સ્ત્રીની ખોરાક કે અન્ય ઇચ્છાઓ પૂરી થતી નથી ત્યારે બાળકમાં પણ મહદ્‌અંશે અસંતોષ જોવા મળે છે. બાળકમાં રહેલ આ અસંતોષને કારણે બાળક ક્યારેક જીદ્દી તો ક્યારેક આક્રમક પણ બને છે.

આપણે જોયું કે, બાળકના યોગ્ય શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી છે માતા—પિતાની શારીરિક, માનસિક અને આર્થિક સજ્જતાની. આ ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન પારિવારિક તેમજ સામાજિક વાતાવરણ પણ ગર્ભમાં વિકસી રહેલા બાળક પર અસર કરે છે. ક્યાંક વ્યક્તિગત સ્વભાવ, ક્યાંક પરિવારના આંતરિક સંબંધો કે વિખવાદો કે પછી ક્યાંક સમાજના રીતરિવાજો ગર્ભસ્થ સ્ત્રીનાં મન પર અસર કરે છે. જો બનનાર માતાએ ગર્ભાવસ્થા દરમિયાન સતત અસલામતીનો અનુભવ કર્યો હોય તો બાળક પણ કોઈ પર તરત વિશ્વાસ મૂકી શકશે નહીં, શકય છે કે સતત અસલામતી કે અવિશ્વાસ જેવી અસ્વસ્થ માનસિકતાનો ભોગ પણ બને. આવું ન થાય, બાળક સ્વસ્થ અને સ્વચ્છ માનસિકતા સાથે જન્મે અને વિકસે એવું આપણે ઇચ્છતા હોઈએ તો જરૂરી છે ગર્ભસ્થ સ્ત્રીને હકારાત્મક અને શાંતિપૂર્ણ વાતાવરણ પૂરું પાડવાની. ઘર પરિવારમાં નાની નાની વાતો, નાના નાના પ્રશ્નોનો ઉકેલ પરિવારનાં સભ્યો સાથે મળીને, સમજીને ઉકેલી દે તે ખૂબ જરૂરી બને છે. ગર્ભસ્થ સ્ત્રીને પૂરતો સંતુલિત આહાર મળે અને સાથે સાથે હકારાત્મક પારિવારિક વાતાવરણ મળે એ અંગેની જવાબદારી ઘરના દરેક સભ્યની છે. કદાચ ન નિવારી શકાય એવાં વિખવાદો પરિવારમાં ચાલું હોય તો, આવાં વિખવાદોથી ગર્ભવતીને દૂર રાખીએ. ઘણા પરિવારોમાં દુઃખજનક બાબત તો એ હોય છે કે સહુને બાળજન્મનાં કોડ ઘણાં હોય છે પણ ગર્ભવતીને યોગ્ય સકારાત્મક વાતાવરણ પૂરું પાડવાની સમજ હોતી નથી! સાવ નગણ્ય બાબતે ડગલે ને પગલે ઊભા થતા વિખવાદો ગર્ભવતીના મન પર અને ગર્ભસ્થ બાળક પર બહુ ઊંડી અસર કરે છે. આ બાબતો જો બાળકનો સ્વભાવ બની જાય તો માત્ર પરિવાર જ નહીં પણ સમગ્ર સમાજ માટે ચિંતાજનક બને છે.

ગર્ભવતી સ્ત્રી જો આનંદિત વાતાવરણમાં આનંદમાં રહે, જન્મ લેનાર બાળકને પણ પરિવારમાંથી ભરપૂર પ્રેમ મળે તો તેનું મન પણ ખૂબ આનંદમાં રહે. આનંદિત અને પ્રેમસભર મન અન્યોને પ્રેમ અને આનંદથી સ્વીકારે છે.

બાળક ચોવીસ કલાક પરિવારમાં જ રહેતું નથી. શાળા કે શેરીમાં અન્ય મિત્રો સાથે રમે છે. દોસ્તીમાંથી ઘણું શીખે છે. માતા—પિતાની નજર બાળકના રોજરોજના વર્તન પર રહે તે પણ ખૂબ જરૂરી છે. ક્યારેક બહોળા પરિવારના અન્ય સભ્યો કે સમાજમાંથી પણ બાળકો આપણને અયોગ્ય લાગે એવું કંઈક શીખી લાવે છે. આવે સમયે માતા—પિતાએ ખેડૂતની જેમ નીંદામણ કરવાનું હોય છે. બાળક સાથે વાત કરી એને સારાસારની સમજ આપવી જરૂરી બને છે.

આમ, જે માતા—પિતા બાળકના જન્મ પહેલાંથી શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક આયોજન યોગ્ય રીતે કરશે, પોતાના વર્તન વ્યવહાર માટે સજાગ રહેશે, બાળકને શારીરિક પોષણ ઉપરાંત મનની શાંતિ અને સંતોષનો ખોરાક એવો ભરપૂર પ્રેમ આપશે અને યોગ્ય સમયે યોગ્ય સમજ આપી અટકાવશે એ માતા—પિતાને ક્યારેય પોતાના બાળકના વર્તન વ્યવહાર કે વિકાસ માટે ચિંતા નહીં રહે.

“જેટલાં માથાં એટલાં મગજ
છતાં લઈ શકાય સારી ઉપજ.”

ચલતે ચલતે…