માનવીના વિકાસમાં અનેક ઘટકો—પરિબળોની મહત્ત્વની ભૂમિકા હોય છે. તેમાં શિક્ષણનું સ્થાન મોખરાનું છે. બાળકના જીવનવિકાસની શરૂઆત શિક્ષણથી થાય છે. તેના અભ્યાસ દરમિયાન એનું ઘડતર યોગ્ય રીતે થાય અને અંતે એ કેળવાયેલો નાગરિક બની પોતાની ફરજ ઉત્તમ રીતે બજાવી શકે એ જરૂરી છે. આ માટે તેણે અનેક ઘટનાઓ, પ્રસંગો, શિક્ષકો, વિદ્યાલયો, મહાવિદ્યાલયો અને મિત્રોના સંપર્કમાં આવવાનું થતું હોય છે. સારું માર્ગદર્શન, સારા મિત્રો અને શિક્ષણ — ગુરુજનોની જરૂરિયાત તેને અનેક તબક્કે પડતી હોય છે. આમાં એકાદ પણ જો નબળું હોય તો તેના વિકાસમાં માઠી અસર થવાની સંભાવના રહે છે. આજે આપણે બાળકના શાળા જીવનના મિત્રો — સાથીદારોની થોડીક વાત કરીએ.

બાળકની મૂંઝવણ :

બાળક શાળાએ જાય છે ત્યારે તેને અનેક બાબતો મૂંઝવતી હોય છે. અભ્યાસ, શાળાકીય ગૃહકાર્ય, ઇતર પ્રવૃત્તિઓના અનેક કાર્યક્રમો, પાઠય પુસ્તકો, ઇતરવાંચન, પરીક્ષાઓ, રમત—ગમત, માંદગીના સમયે પ્રસંગોપાત્ત શાળામાં ગેરહાજર રહેવાનું થાય ત્યારે તેને કોઇની મદદ કે હૂંફની જરૂર પડતી હોય છે. આવા સમયે તેને એક સારા સાથીદાર મિત્રની આવશ્યકતા રહે છે.

આનાથી થોડુંક આગળ વિચારીએ તો જ્યારે બાળક ઉંમરલાયક થાય અને તે સમાજ જીવનમાં પ્રવેશે ત્યારે પણ તેને કોઇ સાથી મિત્રની જરૂર રહેતી હોય છે. એમ કહો કે સમગ્ર જીવન દરમિયાન પણ તેને આની ઝંખના રહેતી હોય છે.

કયા કયા સંજોગોમાં તેને સાથી મિત્રની જરૂર રહે છે,

તેમાં નીચેની વિગતોનો સમાવેશ ચોક્ક્સ કરી શકાયઃ

૧. પોતાનાં સુખ—દુઃખ અને અંગત જીવનમાં
૨. ઘરના સારા—નરસા પ્રસંગોમાં
૩. પરિવારના નાના—મોટા કામકાજમાં
૪. પોતાના ધંધા—વ્યવસાયમાં
૫. ઘરના સભ્યોની નાની મોટી માંદગીમાં
૬. પ્રસંગોપાત્ત આર્થિક વ્યવહારમાં
૭. ઘરનો કોઇ સભ્ય ગેરમાર્ગે હોય તો તેને સમજાવવામાં
૮. કજિયા કંકાસ કે તકરારનો ઉકેલ લાવવામાં
૯. લગ્ન પ્રસંગે
૧૦. મરણ પ્રસંગોમાં

તેને સાથીદારની જરૂર પડે છે. ઉપરના મુદ્દાઓમાં બીજી ઘણી બાબતોનો સમાવેશ કરી શકાય.

સારા મિત્રો હોવા જોઇએ એ વાતને અનુમોદન આપતો એક સંસ્કૃત શ્લોક છે , જેનો ભાવાર્થ છે :

કોઇના મનોભાવ જાણવાનું કામ સહેલું નથી. કેવળ મિત્રના મનોભાવ તત્કાળ જાણી શકાય છે એટલે
વધારે મિત્રો પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કરવો , કારણ કે મનુષ્ય માટે મિત્ર પ્રાપ્તિ ઉત્તમ વસ્તુ ગણાઇ છે.