બાળઉછેર એક કળા છે. યોગ્ય બાળઉછેર એક જવાબદાર નાગરિકનું નિર્માણ કરે છે અને જવાબદાર નાગરિકથી એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે. આ આખી પ્રક્રિયા ધીરજ, સંયમ, સાવધાની અને પ્રેમની ક્ષણોથી ભરપૂર હોવી જોઈએ. વૈજ્ઞાનિક સંશોધનોએ એ સાબિત કર્યું છે કે બાળકની ગ્રહણશક્તિ શરૂઆતનાં આઠથી નવ વર્ષ સુધી મહત્તમ હોય છે. આ અગત્યના સમયગાળા દરમ્યાન જ તેનો શારીરિક અને માનસિક વિકાસ ઝડપથી થાય છે, કારણ કે મગજનો ૮૦% વિકાસ આ ગાળામાં થાય છે. પછી બાળક વાતાવરણ, શિક્ષણ અને બાહ્ય દુનિયાના અનુભવોથી શીખે છે. બાળઉછેર માત્ર બાળકને મોટું કરવાની જ પ્રક્રિયા નથી. તે વ્યક્તિને વધારે પરિપક્વ અને સંવેદનશીલ બનાવે છે. આના માટે નીચેના મુદ્દાઓ ઉપર ધ્યાન આપવું જોઈએ.

૧) ઘરનું હકારાત્મક વાતાવરણ : બાળકને ઘરમાં પ્રેમ, આનંદ અને ખુશી મળવાં જોઈએ. જે બાળકને ઘરમાં આનંદ નહીં મળે તેનું ચિત્ત ઘરની બહાર રહેશે. જે ઘરમાં બાળક માટે માબાપ પાસે કોઈ પ્રવૃત્તિ નહીં હોય ત્યાં બાળક વિવિધ ગેજેટોમાં ખોવાયેલું રહેશે. બાળક ઘરમાં હોય ત્યારે તેને મોકળાશભર્યું વાતાવરણ આપો. તેને વારંવાર અને અકારણ રોકટોક ન કરો. તેને હોમવર્કમાં મદદ કરો પણ હોમવર્કનું દબાણ ન ઊભું કરો. વારંવાર સલાહ આપ્યા કરવાથી તેને ઘરમાં ઓછું ગમશે અને તેનું મન નકારાત્મક વિચારોમાં ફસાઈને વિકૃતિના માર્ગે જશે.

૨) બાળકને કરવા દો મનગમતી પ્રવૃત્તિ : બાળકને કુદરતી વાતાવરણમાં રમવા દો, કુદરતના નિયમોને જાણવા દો. બાળકને વૃક્ષમાં, જંગલમાં, નદીમાં, પહાડમાં જવાનો અને રમવાનો મોકો આપો. તેનામાં સાહસિકતા ખીલશે. તેની હિંમત ખૂલશે અને સાચું ઘડતર થશે. બાળકને શું ગમે છે અને શું નથી ગમતું તે સમજીને તેની પસંદગીને સ્થાન આપો. તેના વ્યક્તિત્વને તેની રીતે વિકસવા દો. તેને પ્રોત્સાહિત કરો પણ તમારા વિચાર તેની ઉપર ઠોકી ન બેસાડો. બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે તેનામાં જીવન જીવવાના હકારાત્મક ગુણોનો વિકાસ થાય એવી દોરવણી આપો. ઘણાં બાળકો બાળપણમાં તોફાની હોય છે પણ મોટાં થઈ બહુ શાંત અને હોંશિયાર થઈ જતાં હોય છે. આ પરિવર્તનનું કારણ છે તેમનામાં રહેલી ઊર્જાશક્તિ. આ શક્તિનો રચનાત્મક માર્ગે ઉપયોગ કરીએ તો દુર્વ્યય થતી શક્તિઓનો સદુપયોગ થાય છે.

૩) સન્માન આપશો તો મળશે : બાળક હંમેશાં હસતું ખીલતું રહેવું જોઈએ. ઘણીવાર માબાપ બાળકોને સાંભળ્યા વિના મોટા અવાજે ધમકાવી નાખે છે. બૂમો પાડીને ચૂપ કરી દે છે. બાળઉછેરની આ તદ્દન ખોટી રીત છે. વારંવાર બાળકોને બૂમો પાડીને તાબે કરવામાં કોઈ શાણપણ નથી. આના પ્રત્યાઘાતરૂપે બાળકો મોટાં થઈ સામે જવાબ આપે છે અથવા આપણી ઉપેક્ષા કરે છે ત્યારે આપણને આઘાત લાગે છે. આવું ન થાય એ માટે સમજવું પડશે કે સન્માન આપો તો સન્માન મળશે.