જ્યારે બાળકો એક કરતાં વધુ હોય ત્યારે આ પ્રશ્ન ઊભો થાય છે. નાનાં બાળકો દરરરોજ ઘરમાં અને ઘરની બહાર રમતાં રમતાં દરરોજ લડતાં—ઝઘડતાં હોય છે, જે બાળકની સહજ વૃત્તિ હોય છે, પરંતુ થોડી જ વારમાં તેમની જાતે જ સમાધાન કરે છે. પરંતુ ઘણી વખત તેમનું સમાધાન થતું નથી અને ઝઘડો લાંબો ચાલે છે ત્યારે માબાપે બહુ જ બુદ્ધિપૂર્વક તેમના પ્રશ્નોને સમજવા કે સાંભળવા જોઈએ, તેમના ઝઘડામાં રસ લેતા પહેલાં તેમની પાસે જ ચતુરાઈથી સમાધાનનો રસ્તો કઢાવવો જોઈએ. બાળકો તેમના સમાધાન માટેનાં સૂચનો કરશે, જેનાથી સાચું અને સારું સમાધાન મળી જશે. બાળકો જ્યારે તેમનાં સૂચનો આપે તેને વ્યવસ્થિત શબ્દોમાં ગોઠવી તેની પાસે જ બોલાવવું જેથી તેઓ તોડફોડ કે મારામારી કરવાને બદલે ગુસ્સે થઈ ગુસ્સો હળવો કરી સમાધાન કરશે. બંને બાળકો સમાધાન કરતી વખતે એકબીજાની માફી માગે તેવું શીખવવું જોઈએ. બંનેની શાંતિથી બોલવાની સૂચનાઓ અને એકબીજાની પ્રવૃત્તિઓમાં ડખલ નહીં કરવી કે એકબીજાની વસ્તુઓ લેવી નહીં તેવી સૂચનાઓ આપવી જોઈએ જેથી તેમના વર્તન અને વ્યવહારમાં ફેર પડે.

ઘણાં બાળકો વચ્ચે વારંવાર ઝઘડા ચાલ્યા જ કરે, એકબીજાનું માન—અપમાન કરે, ગમે તેમ બોલે, ગાળો બોલે, એકબીજાની વસ્તુઓ તોડીફોડી નાખે ત્યારે માબાપની ફરજ થાય છે કે થોડા કડકાઈભર્યા શબ્દો વડે સતત તેમની પ્રવૃત્તિ પર ધ્યાન રાખી તેમના વર્તનમાં ફેરફાર લાવવો જોઈએ. બંનેના રમવાના, ભણવાના, ટી.વી. જોવાના સમય એક રાખવા અને અલગ બેસાડવા, બને તો ભણવા અને સૂવા માટે અલગ રૂમમાં રાખવા અને આમ કરતાં પણ ઉકેલ ન આવે તો એવાં બાળકો માટે બાળમનોચિકિત્સક કે સ્વાસ્થ્યસલાહ કેન્દ્રની સલાહ લેવાની જરૂર પડે છે.

બાળક જ્યારે મોટું થાય અને બીજું બાળક આવે ત્યારે તેને નાના બાળક પ્રત્યે એવો ભાવ કેળવો કે તે તેને સ્વીકારી લે. તમે નાના બાળકની કેમ કાળજી રાખો છો તે તેને શીખવો પરંતુ શરૂઆતમાં સંપૂર્ણ કાળજી રાખશો. માતા જ્યારે ઘરની બહાર કામ કરતી હોય તો નાના બાળકની કાળજી રાખવા માર્ગદર્શન આપો. સાથે તેના પ્રત્યે પણ સમય ફાળવો. તેને એમ ન લાગવું જોઈએ કે ભાઈના લીધે મને કોઈ પૂછતું નથી. તેને પૂરતો પ્રેમ આપો અને તે એક ઘરની જવાબદાર વ્યક્તિ છે તેવું મહત્ત્વ આપો.