મીરા ભટ્ટે “બાળક પ્રભુનો પ્રેમપત્ર” પુસ્તકમાં લખ્યું છે કે માબાપનું કામ માળી કાર્ય છે, નહિ કે પ્રજાપતિકાર્ય. બાળકને આ કે તે બનાવવા માટે આપણે મચી પડીએ ત્યારે કુદરતે મોકલેલી સંભાવનાઓ મર્યાદિત થાય છે.

આપણે નાના બાળકને પૂછીએ કે તેણે મોટા થઈને શું થવું છે? તો એક ક્ષણે તે કહેશે કે તેને પાઈલોટ થવું છે, ને બીજી ક્ષણે કહેશે, તેને પટ્ટાવાળા થવું છે. એક વખત તે ડોક્ટર થવાનું કહે છે તો બીજા વખતે દરજી. તે જ્યારે ડોક્ટર કે પાયલોટ થવાનું કહે છે ત્યારે આપણે વાહવાહ કરીએ છીએ અને તે પટાવાળો કે દરજી થવાનું કહે ત્યારે આપણે તેને રોકીએ છીએ. આ જ રીતે જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રે, બાળકમાં પડેલી અમર્યાદ ક્ષમતાઓ અને પ્રતિભાવો, દરેક ક્ષણમાં પડેલી અનંત સંભાવનાઓની બાદબાકી થતી જાય છે અને પરિણામે આપણે સૌ મર્યાદિત વિચારવાળા, ક્ષમતાવાળા, સરેરાશ વ્યક્તિઓ થઈને રહી જઈએ છીએ.

એક દિવસ અમારી દશ વર્ષની દીકરી આસ્થાને મેં પૂછયું કે તેણે ડોક્ટર થવું છે? તેણે કહ્યું કે તેને ડોક્ટર નથી થવું કારણ કે તેમાં વાઢકાપ કરવાની હોય છે. તેને સિવિલ એન્જિનિયર નથી થવું કારણ કે તે તેને આવડે નહિ. તેને પાઈલોટ થવું છે કારણ કે તેને વિદેશ ફરવાનો શોખ છે. તેણે વનવિભાગના અધિકારી થવું છે કારણ કે તેથી તે જંગલો અને પર્યાવરણનો ખ્યાલ રાખી શકે. તેને પશુઓના ડોક્ટર થવું છે કારણ કે પશુઓ કોઈને કશું કહી શકતાં નથી અને તેમનું ધ્યાન રાખનાર બહુ ઓછા હોય છે.

આપણા મનમાં સીધો પ્રશ્ન થાય, બ્લકે આપણે પૂછી બેસીએ, “વાઢકાપને કારણે માણસોના ડોક્ટર થવું નથી. પશુના ડોક્ટર તરીકે વાઢકાપ કરવી નહિં પડે?” બાળકના મનમાં એવો સવાલ નથી થતો કારણ કે આપણે કારણો અને સવાલોની જિન્દગી જીવીએ છીએ, બાળકો શક્યતાઓની દુનિયામાં ઊડાઊડ કરતાં હોય છે. તેથી જ તો તેઓ સ્પાઈડરમેનની જેમ ઊડતાં પણ અચકાતાં નથી. બાળકની સલામતી જોખમમાં ન હોય ત્યાં તેમને ઊડવા દેવાં.

આસ્થા સાથે સંભાવનાનો દોર આગળ વધે છે. તે કહે છેઃ “મારે શિક્ષક થવું છે અને નથી પણ થવું કારણ કે કેટલાક શિક્ષક વિદ્યાર્થીઓને સમજતા હોતા નથી.” શિક્ષકોની આંખો ઉઘાડે તેવું આ વિધાન છે. પણ નોંધવા જેવી વાત તો એ છે કે કેટલાક શિક્ષકો બાળકોને સમજતા નથી છતાં પણ શિક્ષક થવાની સંભાવના ઉપર પૂર્ણવિરામ મુકાતું નથી. વિમાનમથકમાં બેસી આ લખી રહ્યો છું ત્યારે પાંચ વર્ષની એક બાળકી આવીને મારા લેખનકાર્યમાં ડોકિયારું કરી જાય છે. અજાણ્યા માણસ સાથે આવું ન કરાય તેવો વિચાર તેને આવતો નથી.

બાળકો સંભાવનાની દુનિયામાં જીવે છે. વેકેશનમાં ભાઈબહેનો સાથે રમવા જવું છે પણ મા ભેગી જોઈએ છે. પાપા સાથે ચાલવા જવું છે અને પડોશી બાળક સાથે રમવું પણ છે. શરૂઆતમાં અમને થતું કે બાળકને વાસ્તવિકતાનું ભાન થવું જોઈએ. તેને ખબર પડવી જોઈએ કે જીવનમાં કશુંક મેળવવા માટે કશુંક ગુમાવવું પડે છે. અમે આસ્થાને તે રીતે કહેતાં પણ ખરાં. લેન્ડમાર્ક એજ્યુકેશનની તાલીમ લેન્ડમાર્ક ફોરમ કરતાં સમજાયું કે આપણામાં પડેલી અનંત સંભાવનાઓ આ જ રીતે મુરઝાતી જાય છે. પરિણામે જીવનમાં વારંવાર એવું લાગતું હોય છે કે આપણે ફસાઈ ગયા છીએ અથવા આપણી પાસે વિકલ્પો મર્યાદિત છે. કોર્પોરેટ ક્ષેત્રમાં મેનેજરોને ક્રિએટીવીટીની ખાસ તાલીમો કરાવાતી હોય છે. બાળકોને પોતાની રીતે વ્યક્ત થવાં દઈએ. જાતે નિર્ણય લેવા દઈએ તો મોટપણે સર્જનાત્મકતા શીખવા તાલીમો ન કરવી પડે . આસ્થાને રાત્રે આઠ વાગ્યે વિવિધભારતી પર “હવામહેલ” સાંભળવું હોય અને સાથે સાથે મિત્ર સાથે રમવું હોય ત્યારે હવે અમે બેમાંથી એક પસંદ કરવા કહેતા નથી. બેમાંથી એક કે બન્ને પસંદ કરવાના વિકલ્પો એની પાસે હોય છે. માત્ર રેડિયો સાંભળવો કે માત્ર મિત્ર સાથે રમવું કે, આપણા ઘરે મિત્રને બોલાવી રેડિયો સાંભળતાં સાંભળતાં રમવાનું. મેં જોયું છે કે તે દરેક વખતે જુદા જુદા વિક્લ્પ પસંદ કરતી હોય છે.

જીવનમાં આપણી સામે ઘણીવાર એકથી વધુ વિકલ્પો હોય છે ત્યારે આપણે અકે વિકલ્પ પસંદ કરતા હોઈએ છીએ પણ બીજો વિકલ્પ પસંદ ન કરવા બદલ સંજોગોને દોષ દઈ દુખી થઈએ છીએ. કારણ કે, આપણે એ સ્વીકારતાં નથી કે તે પસંદગી આપણે જ કરી હોય છે, તેના માટે આપણે જ જવાબદાર છીએ, બીજું કોઈ નહિ, સંજોગો પણ નહિ. તે સિવાયનો વિકલ્પ કે વિકલ્પો પસંદ કરવાની સ્વતંત્રતા આપણને હતી જ.

બાળપણમાં પસંદગી કરવાની આઝાદી આપીએ તો મોટપણે આપણા નિર્ણયો માટે સંજોગો અને બીજાઓને દોષ દેવાની આદત અને તેની પીડાથી આપણાં સંતાનો બચી જાય.

આસ્થા સાથે ચાલતો હોઉં ત્યારે મને સમજાય છે કે વર્ગ કોને કહેવાય. એક દિવસ હું તેને પૂછું છું કે તમારે મિસ વર્લ્ડ બનવું છે? તો હા કહે છે. હું કહું છું : “તમારે શું બનવું છે તેના કરતાં શા માટે બનવું છે તે વિશેષ મહત્ત્વનું છે. હું તમને વિશ્વસુંદરી બનવું છે તેના “ગુડ”, “વેરી ગુડ” કે “નો” એવા ગ્રેડ આપવાનાં”. મેં પૂછયું કે વિશ્વસુંદતી બનવાને લીધે તમે ટી.વી. પર આવશો અને લોકો તાળીઓ પાડશે તે કારણે વિશ્વસુંદરી બનવા માગો છો? તેણે આ કારણને “ગુડ” ગ્રેડ આપ્યો. “વિશ્વસુંદરી થવાથી તમને ઐશ્વર્યા રાયની જેમ ફિલ્મોમાં કામ કરવાની તક મળશે”, મેં કહ્યું. તેણે આ કારણને “ગુડ” ગ્રેડ આપ્યો.

મેં વાત આગળ ધપાવી : “વિશ્વસુંદરી ઓપિનિયન મેકર હોય છે. તે ઝૂંપડપટ્ટીનાં બાળકોને ભણાવે ત્યારે દુનિયાના ઘણા લોકોનાં મન ઉપર અસર થાય છે અને તેઓ પણ આ કામમાં જોડાઈ જાય છે”. આ કારણ તેને વિશેષ ગમ્યું. તેને “વેરીગુડ” આપ્યો.

એક દિવસ આ જ રીતે અમે ચાલતાં હતાં. મારા મનમાં વિચાર ચાલતો હતોઃ “એક દિવસ આ બાળક બાળહિંસા નિવારણથી વિશ્વશાંતિના મિશનને નવી ઊંચાઈઓ પર લઈ જશે.” એટલામાં ત્યાં એક કૂતરું આવી જતાં જંગલમઆં ફરતી બે માતા વાંદરીઓ જોરજોરથી વિશિષ્ટ પ્રકારની ચીસો પાડવા લાગી. બન્નેનાં બચ્ચાં દૂરથી દોડી આવી માતાને વળગી પડે છે. અને માતાઓ બચ્ચાંને લઈ નીકળી પડે છે.

આસ્થા કહે છેઃ “આ લોકોનું પેરેન્ટીંગ ઘણું સારું છે. માણસોની જેમ મા બચ્ચાને ખિજાતી નથી. છાતીએ વળગાડે છે. છતાંય આપણે ખરાબ માણસને જાનવર જેવો કહીએ છીએ . આ તે કેવું!”

આપણા ચમનમાં ખીલી રહેલાં આ પુષ્પોને જોઈ હરખાયા કરીએ. પારિજાતના છોડ ઉપરથી ગુલાબ અને ગુલાબના છોડ ઉપર મોગરાની અપેક્ષા ન રાખીએ.