મહેશભાઈને એક આદત પડી ગઈ હતી. જ્યારે પણ કોઈને ત્યાં પોતાના પાંચ વર્ષના પુત્ર મનનને લઈ જાય ત્યારે તેનાં વખાણ અને ગુણગાન ગાવાનાં શરૂ કરી દે. મનન જાણે કે એક પ્રદર્શનનું સાધન હોય તેમ સહુની સામે તેને ઊભો રાખી, આદેશ આપવા માંડે — પેલા ‘સ્પાઈડરમેન’ની ‘ઍકિંટંગ’ કર તો, ‘હિમૅન’ની ‘ઍકિંટંગ’ કર તો, ‘હિમૅન’ કેમ તલવાર બતાવે, બતાવ તો, હનુમાન ગદાથી કેવી રીતે બધાને પછાડી દે, કરી બતાવ તો. તને આજે શાળામાં કવિતા શીખવાડી છે ને, તે ગાઈ બતાવ તો. ચાલ, જોઈ, જલદી કર. કાકાને બતાવ. ચાલ, ચાલ, જલદી કર.” — અને બિચારો મનન વિરોધ કરે તો પણ કેટલો કરી શકે? શરૂઆતમાં વિરોધને ‘ચોકલેટ’ની લાલચ આપી દબાવી દેવાતો અને પછી તો ધાકધમકી પર તેઓ ઊતરી આવે — “હવે કોઈ દિવસ તને બહાર ફરવા નહીં લઈ જાઉં. સાવ બોઘાની જેમ ઊભો કેમ રહી ગયો છે? તને તો પૂરી દેવો જોઈએ બાથરૂમમાં.”

બિચારા મનનનો શો વાંક ? એ જો તેના પપ્પાના ઈશારા પર નાચવાની ના પાડે તો આટલી સજા?

પહેલાં અમુક સમય સુધી તો મનને વિરોધ અને વિદ્રોહ કરવાનું ચાલુ રાખ્યું, પણ જ્યારે તેનાથી સજા અસહ્ય થઈ પડી, ત્યારે તેના મને એક સમાધાન કરી લીધું, તેના પપ્પાને ખુશ કરવાનું.

હવે તો તેના પપ્પા કંઈ કહે કે ન કહે, મહેમાનોની વચ્ચે તે રૂમમાં ઊભો રહી જાય અને ચાવી દીધેલાં રમકડાંની પેઠે એક પછી એક અભિનય કરી બતાવે. તમે તેનામાં રસ લો કે ન લો, તેનું પ્રદર્શન ચાલુ જ રહે.

થોડા દિવસ પહેલાંની વાત છે. મનનના દાદા એટલે કે મહેશભાઇના પિતા મૃત્યુ પામ્યા. સગાંસંબંધીઓ તથા મિત્રો ખરખરો કરવા આવ્યાં. સહુ ગમગીન હતાં. આવે વખતે મનન રૂમમાં આવ્યો અને જોર જોરથી ગીત ગાતો — ગાતો અભિનય કરવા લાગ્યો.