સુમતિબાઈએ લક્ષ્મીબેનને કહ્યું : “બેન! મારે આનું તે કરવું શું? જ્યારે પાટલો નાખશે ત્યારે પછાડીને નાખશે. દસ વારમાં નવ વાર તો એમ કરશે જ કરશે, આ સવિતાથી તો કંટાળી ગઈ!”

લક્ષ્મીબેને પૂછયું : “હેં બેન! તેં કોઈ વાર એને ધીમેથી, પછાડયા વિના પાટલો નાખવાનું કહ્યું છે?”

સુમતિબાઈએ જવાબ આપ્યો : “એક વાર નહિ પણ અનેક વાર કહ્યું છે. જ્યારે જ્યારે પાટલો પછડાય છે ત્યારે ત્યારે કહેલું જ છે.”

“પણ બેન! કોઈ એકાદ વાર જ્યારે પાટલો ધીમેથી મૂકે છે ત્યારે તેં કહેલું છે કે હા, આજ તો ઠીક થયું ને પાટલો ધીમેથી નાખ્યો!”

“ના, બા! એમ તો નથી કહ્યું. ને એમ તે શાનું કહે? કોઈવાર ભૂલેચૂકે ધીમેથી પાટલો નાખે એમાં શું વળ્યું?”

“નહિ બેન! તું ભૂલે છે. તું જ ભૂલે છે એમ નહિ, પણ આપણે સૌ ભૂલીએ છીએ. બાળકોથી જે ભૂલ થઈ જાય છે તેના જ તરફ આપણે તેનું ધ્યાન ખેંચ્યા કરીએ છીએ; ને તે એટલી બધી વાર ખેંચ્યા કરીએ છીએ, કે બાળકની એવી માન્યતા થઈ જાય છે કે પોતે ભૂલ જ કરે છે ને બીજું તેનાથી કશું બનવાનું જ નથી!

આવી માનસિક સ્થિતિ થતાં બાળક વધારે ને વધારે ભૂલો કરે છે ને વધારે ને વધારે ઠપકો ખાય છે.

ખરી રીતે બાળકો જેમ ભૂલો કરે છે તેમ ઘણી વાર તે ભૂલો નથી પણ કરતાં, ઘણી વાર તેઓ સારું સારું કરી બેસે છે પણ જે સારું બને છે તેનો આપણે હિસાબ લેતાં જ નથી; તે તરફ જોતાં જ નથી. તેમના દોષો કાઢવા તત્પર હોઈએ છીએ પરંતુ તેમના ગુણોથી રાજી થતાં નથી; તે તરફ તેમનું ધ્યાન ખેંચી તેમને ગુણપ્રિય કરતાં નથી.

સવિતા દસ વારમાં એક વાર તો સારી રીતે પાટલો ઢાળે છે, ખરું? તો પછી તે જ વખતે તેને કહેવું : “હં, જો બેન! આજે પાટલો કેવો સરસ ઢાળ્યો! આમ જ રોજ ઢાળતી હો તો કેવું સારું?” અને ખરેખર સવિતા પ્રસન્ન થશે. તેના ગુણ તરફ તેનું લક્ષ જશે. તે ગુણને કેળવવા તે પ્રયત્ન કરશે. અને એને લીધે અણઆવડતની જગાએ આવડત આવીને ઊભી રહેશે.

બાળકોમાં જે સારું હોય તેની આપણે યોગ્ય કદર — નહિ કે વખાણ—કરીએ તો સારું વધતું જ જશે. પણ જો તેમાં જે અયોગ્ય હોય તે ઉપર જ ભાર દીધા કરશું, તે માટે ઠપકો દીધા કરશું, તેને સીધી રીતે કાઢવા લડશું, તો તે ઘર કરી બેસશે.”

સુમતિબાઈએ કહ્યું : “લક્ષ્મીબેન! તમારી વાત ગળે તો ઊતરે છે. જોઉં, હવે એ પ્રમાણે કરી જોઈશ. જોઈએ શું થાય છે!”