મેં જાતે કર્યું છે
આજે શુભાંગ સવારથી ગડમથલમાં હતો. આજે એના પપ્પાની વર્ષગાંઠ હતી. ગઈ કાલે પપ્પાની વર્ષગાંઠ કેવી રીતે ઊજવવી એની ઘણી બધી ચર્ચા જમવાના મેજ પર થઈ હતી. પપ્પાના મિત્રોને જમવા બોલાવવા, શહેરથી દૂર ફરવા જવું, આઈસ્ક્રીમ ખાવો વગેરે ઘણાં સૂચનો થયાં. આ બધી વાતો ચાલતી હતી ત્યાં નાનકડો પાંચ વર્ષનો શુભાંગ કહે, “પપ્પા, હું તમને શું ભેટ આપું તો તમને ગમે?”
ત્યારે પપ્પાએ કહેલું, “દીકરા, મારી વર્ષગાંઠને દિવસે તું મને તારા પરસેવાનું એક ટીપું ભેટમાં દે તો મને ખૂબ ગમે!”
એટલે શુભાંગ ઊઠીને તરત પરસેવાના ટીપાની ભાંજગડમાં પડયો હતો. પોતાની પથારી લઈ લીધી. દૂધનો કપ ધોઈ નાખ્યો. ઝાપટઝૂપટ કરી. થોડુંક દોડી પણ આવ્યો પણ શરીરમાંથી પરસેવાનું ટીપું બહાર આવવાનું નામ જ ના લે! છેવટે એણે માળીની ઓરડીમાંથી કોદાળી કાઢી. શુભાંગ કરતાં ફૂટ લાંબી કોદાળી, હાથમાંય ન રહે. પણ ગયો એ તો બગીચામાં અને માળી સાથે થોડુંક ખોદવાનું, થોડુંક ઘાસ કાઢવાનું અને છોડવાને પાણી પાવાનું કામ એક પળ પણ થોભ્યા સિવાય કર્યા કર્યું અને સૂરજદેવ આકાશે ઊંચા ચડતા ગયા… ત્યાં અચાનક શુભાંગના કપાળ પર પરસેવો થઈ ગયો.
રાતુંચોળ મોં લઈ દોડતો દોડતો એ પપ્પા પાસે પહોંચ્યો, “પપ્પા, તમારી વર્ષગાંઠની ભેટ!”
પપ્પાએ કહ્યું, “શાબાશ બેટા, પણ તારી હથેળી બતાવ જોઉં?” બંનેએ જોયું કે હાથમાં ફોલ્લો પડયો હતો.
પરંતુ શુભાંગના ચહેરા પર તો જાણે આકાશનો સૂરજ આવીને ઝળહળી રહ્યો હતો.
અમારા એક મિત્ર પોતાનાં બાળકો સાથે નિતનવા પ્રયોગો કરે. એક વખતે એમને ત્યાં ગયાં તો કહે, આજે તમે ટાણાસર હાજર થઈ ગયાં. આજે અમારે ત્યાં ઉત્સવ છે. શેનો ઉત્સવ? તો સાત અને પાંચ વર્ષનાં બે ભાઈબહેન આવીને કહે, “માસી અમે બગીચામાં પરવર વાવ્યાં હતાં. અમે જ પાણી પાઈ, ખાતર નાખી એને ઉછેર્યાં છે. આજે એને ઉતારવાનાં છીએ.” બાળકો પોતે જ એનું શાક કરવાનાં હતાં. અમારી થાળીમાં જ્યારે એ પરવરનું શાક પીરસાયું, ત્યારે ગરિમાના ચહેરા પણ જાણે પૂનમનો ચાંદ ખીલી ઊઠયો હતો.
“આ મેં જાતે કર્યું છે.” આ “જાતે” ની જે જાતક—કથા છે તેમાંથી પ્રત્યેક બાળકને પસાર થવા દેવું જોઈએ. પોતાની થાળી બાળક પોતે માંજી લે, પોતાનાં કપડાં પોતે ધોઈ લે, પોતાની પથારી પોતે કરી લે. આ શું ન થઈ શકે? બાળકનું શા માટે એક નાનકડું બાળ—વાડોલિયું ન હોય? બાળક પાસે રામાયણ—ભાગવત્ની આ ઘટનાને શા માટે પ્રશ્નાર્થ ચિહ્ન તરીકે મૂકવામાં ન આવે કે, રામ અને કૃષ્ણ જેવા રાજકુમારો પણ ગુરુને ત્યાં જંગલમાં લાકડાં ફાડવા જતાં, તો આપણે કેમ કશો પરસેવો પાડવાનો નહીં? વિજ્ઞાનયુગ તો એમ કહેશે કે પરસેવાનું ટીપું એ જ દીર્ઘાયુની ગુરુચાવી છે. તો શ્રમમાંથી બચવાની તરકીબો આપણે શા માટે શોધીએ છીએ? આ શ્રમનિષ્ઠા નાનપણથી જ બાળકના શીલનો એક અમીટ સંસ્કાર બની જવો જોઈએ. સવાર પડે અને જેમ પેટમાં ભૂખનો હુતાશન પ્રગટ થાય છે એ રીતે ચિત્તમાં શ્રમની ભૂખ લાગવી જોઈએ.
પરંતુ આ બધા માટે આપણે આપણી જીવનશૈલી બદલવી પડે. કહીએ એક અને કરીએ બીજું, એનાથી ભલે આખું જગત છેતરાઈ જાય, પણ બાળક કદી નહીં છેતરાય. બાળક મૂરખ નથી, અણસમજુ નથી. એ ઘણું બધું સમજે છે, ઝીણું ઝીણું પણ સમજે છે. એની ચકોર દૃષ્ટિમાંથી છટકવું મુશ્કેલ છે. એટલે જો આજના યુગને નવો માણસ જોઈતો હોય તો એ નવો માણસ પુરાણી ધરતી પર પેદા નહીં થઈ શકે. ધરતીએ બદલાવાની તૈયારી દાખવવી પડશે.
જૂનો કિસ્સો છે, પરંતુ સાચી હકીકત છે. અમદાવાદનું એક આદર્શ બાલમંદિર. ત્યાં એક બાળક બાલમંદિરની તમામ પ્રવૃત્તિમાં રસપૂર્વક ભાગ લે, પરંતુ નાસ્તાનો સમય થાય ત્યારે ભાણા પર જ ના બેસે. એને બહેન ખૂબ સમજાવે. બહેને તપાસ પણ કરી લીધી કે એ ઘેરથી કશો નાસ્તો તો સાથે લાવતો નથી ને? ભૂખ ન લાગવાનું કોઈ કારણ જ નહોતું. છેવટે શિક્ષિકા બહેને વાલીનો સંપર્ક સાધ્યો. ખૂબ ઝીણવટભર્યા પરીક્ષણને અંતે સમજાયું કે બાળક નાસ્તો કરવાનું ટાળતું હતું, કારણ કે ત્યાં ખાધા પછી પોતાની ડીશ પોતે જ સાફ કરવાની હતી. બધાં બાળકો પોતપોતાની તાસકો સાફ કરી લેતાં. આ બાળકને વાંધો કેમ પડયો? ઘણી મથામણ પછી ખુલાસો મળ્યો, “મારા પપ્પા કયાં પોતાની જાતે માંજે છે? એ તો ટેબલ પર જ એંઠી થાળી મૂકી ઊભા થઈ જાય છે!” બાલમંદિરવાળાએ એ સજ્જનને કહેવું પડયું કે “તમારા બાળકને અમારા બાલમંદિરમાં રાખવું હશે તો તમારે તમારી થાળી હાથે માંજવી પડશે.”
શ્રમનિષ્ઠા તો રાષ્ટ્રધર્મ પણ છે. જે રાષ્ટ્ર આ ધર્મ ચૂકે છે, તેનું શતમુખ પતન થાય છે. ભોગની નદીને પણ વહેતાં રહેવું હોય તો શ્રમના બે કાંઠા વચ્ચે રહીને જ એ વહી શકશે, નહીંતર એ ગંદું, ખદબદતાં જંતુવાળું ખાબોચિયું બનીને રહી જશે. આજે આપણે યોગાસન કરવા પ્રેરાઈએ છીએ, પરંતુ શ્રમ નહીં, આ ચારિત્ર્યહ્રાસ છે. શ્રમનું ગૌરવ ચિત્તમાં અંકિત થવું જ જોઈએ. “બિનુ શ્રમ ખાયે, ચોર કહાવે. ગીતા કી આવાજ હૈ.”
ગીતાના આ સંદેશને બાળકને ધાવણમાં ટીપાં સાથે કાલવીને પિવરાવી દેવો જોઈએ. આપણે ત્યાં બેઠાડુ વર્ગનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે. વિદેશમાંથી આવતા યુવાનોમાં કામચોરી નથી દેખાતી, જ્યારે આપણા યુવાનો કામથી દૂર ભાગતા જોવા મળે છે. હમણાં એક મિત્રને પોતાની ખેતી સંભાળવા એક મેનેજર રાખવો હતો. ઘણી તપાસને અંતે એક યુવાન પર નજર ઠરી. પસંદગીનાં અનેક કારણોમાંનું એક કારણ એ જાણવા મળ્યું કે, “પહેલી વાર મળ્યા ત્યારે હાથેહાથ મળ્યો તે ક્ષણે જ સમજાઈ ગયું કે આ હાથ એ એક હાડના ખેડૂત માણસના હાથ છે.”
થોડાં વર્ષો અગાઉ આપણા એક પ્રધાન કોઈ સામ્યવાદી દેશના પરોણા થઈને ગયા. હવાઈ મથક પર રાષ્ટ્રના વડાએ તેમનું સ્વાગત કર્યું. મુકામ પર પહોંચ્યા પછી એ દેશના વડાએ કહ્યું, “મિત્ર, એક શુભેચ્છક તરીકે વિનંતી કરું? અમારા દેશનાં લોકો તમને મળવા આવે ત્યારે તમે તેમની સાથે હસ્તધૂનન ના કરશો. તમારા દેશની રીત મુજબ બે હાથ જોડી “નમસ્કાર” જ કરશો. આપણા પ્રધાનના મોઢા પર પ્રશ્નાર્થ ચિહ્ન વાંચીને ફરી કહે, “મને માફ કરશો. પરંતુ તમારા હાથની સુંવાળી મુલાયમતાને અમારા દેશનાં લોકો માફ નહીં કરી શકે. અમારા માટે એ રાષ્ટ્રદ્રોહ છે.”
આપણે સૌ આપણા હાથ, તપાસી લઈશું?