શિક્ષણના ક્ષેત્રમાં કલાનો વિચાર કરતાં બે બાબતો ગ્લાનિ ઉપજાવે તેવી જણાઇ આવે છે. કલાનું આજ સુધીનું શિક્ષણ યુરોપિયન ધોરણે રચાયું છે અને તેમાં કલા માત્ર હોશિયારી તરીકે જ જાણે કે રહે છે, કારણ કે તેમાં સામે મૂકેલી ચીજોની હૂબહૂ અનુકૃતિ જ કરવાની હોય છે. કલાને એક સ્વતંત્ર સર્જનની પ્રવૃત્તિ તરીકે કે બાળકોને પોતાની લાગણીઓ વ્યક્ત કરવાના એક સાધન તરીકે આપણે વિચારી નથી. વળી હિન્દી કલાઓ પશ્ચિમની કલા કરતાં તેના આંતરબાહ્ય સ્વરૂપમાં જુદી પડે છે એ જાણવામાં આવ્યા છતાં કલાશિક્ષણનું એ રહસ્ય શિક્ષણના ક્ષેત્રમાં વિચારાયું નથી. બીજી વાત એ છે કે માનવજીવનમાં અને તેથી શિક્ષણમાં કલાનું સ્થાન કયાં અને કેટલું છે તેનો બહુ વિચાર પણ થયો નથી. કલા એ અનેક રીતે ઉપયોગી પ્રવૃત્તિ છે અને ખાસ કરીને ઉદ્યોગોમાં કલાનું સ્થાન વધવા લાગ્યું છે. હિન્દમાં તો જીવનમાં કલા સર્વત્ર સંકળાયેલી જ હતી અને શિક્ષણમાં કલાના સ્થાન વિષે વધુ વિચાર થવાની જરૂર છે.

બાળકો અને કલાશિક્ષણનો વિચાર કરતાં નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લાવી શકાયઃ—

૧. કલાપ્રવૃત્તિ બાળકોને એક ઉત્તમ પ્રકારની રમત પૂરી પાડે છે. બાલમાનસ વિચારતાં બીજા વિષયોને રસપ્રદ અને રમત જેવા કરવા પ્રયત્ન થાય છે, જ્યારે કલા તો પોતે રમત જેવી આનંદદાયક પ્રવૃત્તિ છે. એમાંથી મળેલો આનંદ શાળાના બીજા વિષયોમાં ઉપયોગી થઇ શકે.

૨. દરેક બાળકમાં કંઇક સર્જન કરવાની વૃત્તિ હોય છે. આ વૃત્તિને સંતોષ મળશે.

૩.ઘણી ઉપયોગી વસ્તુઓ બાળકો બનાવી શકે છે. ઉપયોગિતાની દૃષ્ટિએ એમણે આપેલો ફાળો એમનું ગૌરવ વધારે છે અને ઘર કે શાળાની સગવડમાં ઉમેરો થાય છે, તથા ઉપયોગિતા અને કલાનો સુંદર સમન્વય તેઓ સમજે છે.

૪. જ્ઞાન મેળવવાના સાધન તરીકે કલાપ્રવૃત્તિનો ઉપયોગ થઇ શકે છે — ઇતિહાસ, ભૂગોળ કે વનસ્પતિવિજ્ઞાન વગેરે માટે.

૫. બાળકના કલ્પનાવિહારને તક મળે છે. બાળકમાં આ કલ્પના વિહારની વૃત્તિ હોય છે અને તેને વિકસવાની તક મળવી જોઇએ. આ કલ્પનાવિહારમાંથી જ એરોપ્લેન જેવી શોધો થઇ છે.

૬. બાળકની મનોવૃત્તિ અને વિકાસ માપવાના સાધન તરીકે એની કલાપ્રવૃત્તિનો ઉપયોગ શિક્ષકો કરી શકે. બીજા વિષયો કરતાં કલાપ્રવૃત્તિમાં બાળક પોતાની જાતને ઘણી નિખાલસ રજૂ કરે તેવો વધુ સંભવ છે.

૭. કલાવૃત્તિનો (Aesthetic sense) વિકાસ થાય છે. સંસ્કારિતા અને ઉપયોગિતાની દૃષ્ટિએ બાળક ઊંચા પ્રકારના શોખ કેળવે એ જરૂરી છે.

૮. કલાશિક્ષણમાં આકારોના પ્રમાણ અને રંગની યોગ્યતાનો અને એકબીજી વસ્તુ સાથેના યોગ્ય સંબંધોનો વિચાર આવતો હોઇ બાળકની પ્રમાણ સમજવાની શક્તિ અને જીવનનાં સામાન્યમૂલ્યાંકનો બાંધવાની તેની શક્તિ વિકસે છે. અને વધુ મહત્ત્વની વસ્તુ તો એ છે કે આ મૂલ્યાંકનો (Valuation) એ પોતે બાંધતાં શીખે છે. સારાં—નરસાંની કલ્પના મોટેરાંઓ આપે અને બાળકો તે સ્વીકારી લે તેના કરતાં તેઓ જાતે એનું મહત્ત્વ સમજે એ ઘણું જરૂરી છે.

કલાપ્રવૃત્તિના આ બધા ફાયદાઓની દૃષ્ટિએ હસ્તવ્યવસાયનું મહત્ત્વ અતિ ઘણું છે. માટી વગેરે વસ્તુઓમાંથી આકાર ઘડવામાં ચિત્ર કરતાં વધુ અનુકૂળ અને સહેલું પડે છે.એ દૃષ્ટિએ કલાશિક્ષણમાં હસ્તવ્યવસાયનું મહત્ત્વ વધારે છે.

એક ઉપયોગી અને ક્રિયાત્મક પ્રવૃત્તિ તરીકે કલાનાં કેટલાંક અંગોને સ્પર્શની એક પ્રવૃત્તિ તરીકે ગણીએ છીએ તેમ એ માત્ર સર્જનપ્રવૃત્તિ તરીકે પણ ગણી શકાય. બાળકની પોતાની જ કલ્પનાઓને તે પોતાની જ રીતે માટી કે એવાં સાધનોમાં રજૂ કરે તેને આપણે એવું કલાસર્જન કહીશું. પણ મોતીની માળાઓ બનાવવી કે આપેલી ડિઝાઇન પ્રમાણે ભરતકામ કરવું કે કાંતવું એ વ્યવસાયો એવા સર્જનાત્મક નથી. એટલે હસ્તવ્યવસાયના આમ બે વિભાગો પાડી શકાય. જો કે ઉપયોગી ચીજો બનાવવામાં સ્વતંત્ર વિચાર અને સર્જકવૃત્તિને અવકાશ છે જ, એ ભૂલવું ન જોઇએ.

હસ્તવ્યવસાયની પ્રવૃત્તિનો કલાપ્રવૃત્તિ તરીકે વિચાર કરનાર શિક્ષકે આ ઉપરનો મુદ્દો ખ્યાલમાં રાખી પોતે નમૂનાઓ આપવાનું ઓછું કરી બાળકને તેની મરજી પ્રમાણે — તેની પોતાની કલ્પના પ્રમાણે કરવા સ્વતંત્ર છોડવું જોઇએ. વળી તેમાં કુદરતી હૂબહૂ નકલ કરવાનો આગ્રહ છોડી દેવો જોઇએ.

વપરાતાં સાધનોનો વિચાર કરતાં જ આ મુદ્દો સમજાઇ જશે. માટી, બુચ કે સળીઓ અને મલોખાંમાંથી ઘોડો કે હાથી બનાવવા હશે તો દરેકમાં તે જુદી જુદી રીતે કરવા પડશે; બુચનો ઘોડો ગોળ ગોળ અને સળીઓનો ચોરસ ચોરસ લાગશે અને છતાં બન્ને ઘોડાઓ જ હશે. આ પ્રયોગ આપણને એક બીજો વિચાર પણ આપે છે; તે એ છે કે હસ્ત—વ્યવસાય તરફ ધ્યાન આપતા શિક્ષકે વપરાશમાં આવતાં સાધનોના ગુણધર્મ અને ખાસિયતોનો વિચાર કરવો જોઇએ અને એ સાધનોની શક્યતા બાળકો જાતે શોધી લે તેવા પ્રયત્ન કરવા જોઇએ. ઘણીવાર સાધનો અને બનાવવાની ચીજોનો આવો વિચાર ન હોવાથી આપણે કાપડમાંથી બને તેવી ચીજો લાકડામાંથી અને લાકડામાંથી બનતી ચીજો માટીમાંથી બનાવવાનું સૂચવીએ છીએ. જોકે આનો અર્થ એવો નથી જ કે એક સાધનમાંથી બનતી વસ્તુ બીજામાંથી ન બને. પણ સાધનમાં રહેલા ગુણધર્મનો સ્વાભાવિક ઉપયોગ કરી લેવો જોઇએ. જેમ કે રૂંછડાવાળા કાપડમાંથી રીંછ કે રૂંવાટીવાળા કૂતરા સરસ બને, હાથી નહિ. બાળકો સ્વાભાવિક રીતે જ સાધનના આ ગુણધર્મો સમજે છે અને તેને અનુસરે છે. માત્ર આપણે તેમાં મારી મચેડીને કુદરતની નકલ અને હૂબહૂપણાનો આગ્રહ છોડી દેવો જોઇએ.

સર્જનાત્મક પ્રવૃત્તિ તરીકે કુદરતી રીતે ઊભા થયેલા આકારોની શોધ અને તેમાં ઘટતા ફેરફાર કે ઉમેરાથી બનતી ચીજોનું મહત્ત્વ બાળકને સમજાવી શકાય.કોઇ ઝાડની સુકાયેલી ડાળી ઊંટ કે માણસ જેવી લાગતી હોય, કોઇ પથરાનો ઘાટ ગાય જેવો લાગતો હોય, એ બધાં એકઠાં કરી બાળકોને તેનો ઉપયોગ કરતાં અને એવી બીજી શોધમાં રહેતાં કરી શકાય. ખાસ કરીને પ્રવાસોમાં આ હસ્તવ્યવસાય અને સર્જનાત્મક પ્રવૃત્તિ ભૂલી ન જઇએ તો ઘણું ઉપયોગી સાહિત્ય એકઠું થાય. બાળકોની નજર બધે આકારો શોધતી થયા પછી વસ્તુઓનું એક જુદું જ પાસું તેમને જાણવા મળે છે, જે કલાવૃત્તિના વિકાસમાં બહુ જરૂરી છે; અને તેમની સામે એક નવીજ દુનિયા ઊઘડતી હોવાથી તેમનાં ગમ્મત અને જ્ઞાન વધે છે.

હસ્તવ્યવસાયની સર્જનાત્મક બાજુનો આટલો વિચાર કર્યા પછી ઉપયોગિતાની દૃષ્ટિએ પણ વિચાર કરતાં શિક્ષકને મોટી મુશ્કેલી ડિઝાઇનોની પડે છે. ભરતકામ, માટીનાં વાસણો રંગવાનું કામ, રંગોળી અને કાગળનું કોતરકામ કે એવા બીજા વ્યવસાયોમાં ડિઝાઇનોની જરૂર પડે છે. આવાં સુશોભનોથી વસ્તુઓ મજાની લાગે છે, શોભિતી બને છે. આ જરૂરિયાત ચિત્રકાર ન હોય તેવો શિક્ષક કેવી રીતે પૂરી પાડે તે પ્રશ્ન છે. પણ આપણી આજુબાજુ વસ્ત્રો, વાસણો, જાહેરાતો, માસિક, વગેરેમાં અસંખ્ય ડિઝાઇનો હોય છે. તેનું આ દૃષ્ટિએ નિરીક્ષણ અને સંગ્રહ કોઇ પણ શિક્ષક કરી શકે છે.

આ વિચારની સાથે એ વિચાર પણ આવે છે કે હસ્તવ્યવસાયની જ અન્યત્ર બનેલી નાની મોટી સસ્તી ચીજોનો સંગ્રહ પણ દરેક શાળા કરી શકે. જેમ ચિત્રશિક્ષણ માટે ચિત્રો જોવાં જરૂરી છે તેમજ હસ્તવ્યવસાય માટે એવી ચીજોનો સંગ્રહ પણ જોઇએ. આપણે સદ્ભાગ્યે આપણા દેશમાં આવી કલામય ચીજો રમકડાં વગેરે ફેંકી દેવા જેવાં સાધનોમાંથી બનાવેલી સસ્તામાં જોઇએ તેટલી મળે છે. કલાપ્રવૃત્તિના માર્ગદર્શન રૂપે એનું મહત્ત્વ આપણે સમજી તેનો ઉપયોગ કરવો જોઇએ. બાળકોને માટે આવો સંગ્રહ આકર્ષક અને રસપ્રદ થવા સાથે જ્ઞાન આપનાર નીવડશે અને શિક્ષકની મહેનત બચશે.હસ્તવ્યવસાય પ્રવૃત્તિમાં આપણી સામાજિક કલાવિષયક જરૂરિયાતો ધ્યાનમાં રાખવી જોઇએ. કાપડ પરનું છાપકામ, પુસ્તકોની બાંધણી, દુકાનો કે પ્રદર્શનોની સ્હેંષ્ચ્ઙસ્ેં માટે નાની મોટી વસ્તુઓ અને ગોઠવણ આવી ઘણી બાબતો છે.

હસ્તવ્યવસાયને એક સર્જનાત્મક કલાપ્રવૃત્તિ તરીકે પ્રતિષ્ઠા મળવી જોઇએ; અને કલાશિક્ષણમાં જેમ આપણે આપેલી ચીજો કે ચિત્ર જોઇ જોઇને તેની નકલ કરાવીએ છીએ તેમ હસ્તવ્યવસાયમાં થવું ન જોઇએ. હસ્તવ્યવસાયમાં બનેલી ચીજનાં કલાતત્ત્વો વિચારી કાઢી તેને એક કલામય સર્જન તરીકે સુંદર રીતે ઘર કે શાળામાં ગોઠવવી જોઇએ. તેથી એ ચીજ સુંદર લાગે છે તેનો ખ્યાલ પણ સૌ કોઇને મળશે અને બાળકનું ધ્યાન પણ એની સુંદરતા તરફ જશે.

હસ્તવ્યવસાયની પ્રવૃત્તિને વેગ આપવા માટે જાતજાતનાં સાધનો — માટી, લાકડાના કટકાઓ, કપડાના કટકાઓ, કાગળો, લોઢાના તાર, પતરાના ટુકડા, દિવાસળીનાં બાકસો અને આવું તો ઘણું બીજું વ્યવસ્થિત રીતે સંગ્રહી શકાય; અને સાધનોને વિભાગવાર વહેંચી એમાંથી ઊભી થયેલી ચીજોનાં કલાતત્ત્વો અને બાળકની સર્જનશક્તિનો અંદાજ કાઢી શકાય. જેમ આપણે ચિત્ર માટે કાગળો અને રંગ વગેરે કે માટી વ્યવસ્થિત રીતે આપીએ છીએ, તેમ હસ્તવ્યવસાયની બીજી અનેક ચીજો બાળકોને જરૂર પડે ત્યારે મળે તેમ સંગ્રહી અને ગોઠવી રાખવી જોઇએ.

અંતમાં હસ્તવ્યવસાયની પ્રવૃત્તિને કલાની દૃષ્ટિથી જોવાથી મોટી ઉંમરે બાળકની કલાદૃષ્ટિના વિકાસમાં ખૂબ મદદ મળે છે અને આ પ્રવૃત્તિથી બાળકની સામાન્ય કલાવૃત્તિના વિકાસને ખ્યાલમાં રાખી શિક્ષક ઘણા અખતરાઓ કરી શકે છે. અભ્યાસક્રમમાં કલાશિક્ષણને વ્યવસ્થિત સ્થાન મળે તે દરમિયાન હસ્તવ્યવસાય દ્વારા ઘણું કાર્ય થઇ શકે. અને કલાકાર ન હોય તેવો દરેક શિક્ષક તે કરી શકે છે. કલાશિક્ષણમાં કેમ કરવું તે શીખવવા કરતાં બાળકો જે કરે છે તે જોવું અને તેમણે જે કર્યું છે તેનાં કલાતત્ત્વો પારખી કાઢવાં અને તેનું મહત્ત્વ સ્વીકારી ઉત્તેજન આપવું એ વધુ અગત્યનું છે.