દરરોજ સાંજે બા—દાદા વોકીંગમાંથી આવે એટલે નાનકડી રીષિકા અને ત્રિશા દોડે. “બા, અમારા માટે ભાગમાં શું—શું લાવ્યાં?”

બા ક્યારેક બધાં માટે બદામ લાવે, ક્યારેક રેવડી તો ક્યારેક કાજુ લાવે અને કહે, “ચાલો, બધાંને આપો.” રીષિકા અને ત્રિશા બધાંને ખાવાની ચીજ આપવા જાય. દાદાને પણ આપે. દાદા ત્રિશાના માથે હાથ મૂકીને એટલું બોલે, “સારું હોં, બેટા, તું ખા!”

ક્યારેક બા બધાં માટે ચોકલેટ લાવે. રીષિકા અને ત્રિશાને આપીને કહે, “ચાલો, બધાંને આપો.” રીષિકા બધાંને ચોકલેટ આપે. દાદાને પણ આપવા જાય. દાદા પ્રેમથી કહે, “સારું હોં બેટા, તું ખા!”

બધાંને ખાવાની ચીજ આપવા જાય ત્યારે બંને બહેનો સાથે જ હોય. આ રીતે એક દિવસ બા બધાં માટે ખારી શિંગ લાવ્યાં. વાટકામાં ભરીને ખારી શિંગ બધાંને આપવા કહ્યું. ત્રિશા બધાંને આપી આવી, દાદાની આપવા ન ગઈં. બાએ પૂછયું, “કેમ બેટા, દાદાને ભૂલી ગઈ?”

તો ત્રિશા બોલી, “ના. બા, હું ભૂલી નથી ગઈ, પણ દાદાને આપવા જઈએ એટલે એમ જ કહે, “બેટા, તું ખા હોં! ક્યારેય ખાવાની ચીજ લેતા નથી.”

બા સમજી ગયાં. દાદાને કહે, “બાળક પ્રેમથી ખાવાની ચીજ આપવા આવે ત્યારે લઈ લેવાની, તમને ખાવાની ઇચ્છા ન હોય તો પણ લઈ લેવાની. બાળક બધાંને આપીને ખાતાં શીખે. કોઈપણ વસ્તુ એકલાં ન ખવાય, સાથે મળીને, વહેંચીને ખવાય એવું શીખે.”

દાદા હસીને કહે, “સારું, હવેથી એમ જ કરીશ. મને એમ હતું કે ખાધાં જેવડાં છે એટલે મારા ભાગનું એ ખાય. હવેથી લઈશ.” પછી દાદા બોલ્યા, “બેટા, મને ખારી શિંગ આપો.”

બંને બહેનો રાજી થઈ. દાદાને ખારી શિંગ આપી.

એક દિવસ સાંજે રસોઈ બનતી હતી. બા અને મમ્મી રસોઈ કામમાં વ્યસ્ત હતાં. રીષિકા અને ત્રિશા કહે, “અમારે ભાખરી બનાવવી છે.” બાએ બાંધેલા લોટમાંથી થોડો—થોડો લોટ આપ્યો. નાનાં પાટલી—વેલણ લઈને બંને બહેનોએ પોતાની આવડત પ્રમાણે ભાખરી વણી. બાએ ભાખરી શેકી દીધી.

દાદા જમવા બેઠા. બંને બહેનો પીરસવા હાજર! રીષિકા બોલી, “દાદા, આજે જમવામાં સર પ્રાઈઝ!” દાદા કહે, “અરે, વાહ! શું બનાવ્યું છે?” ત્યાં ત્રિશા ડિશમાં નાની—નાની બે ભાખરી લઈને હાજર! ત્રિશા બોલી, “અમે બનાવી છે ભાખરી.” દાદા કહે, “વાહ, લાવો ખાઈએ ત્યારે!”

દાદાએ ભાખરીનો મીઠો—મીઠો સ્વાદ માણ્યો. બંને બહેનો પણ જમવા બેસી ગઈ અને પોતે બનાવેલી ભાખરીનો મીઠો સ્વાદ માણ્યો.

રીષિકા અને ત્રિશા રાજી, દાદા રાજી. બધાં સાથે બેસી જમ્યાં. સંતોષનો, અ નંદનો ઓડકાર આવ્યો.