માનવી સામાજિક અને લાગણીશીલ પ્રાણી છે. એના મનમાં પ્રેમ, ખુશી, આનંદ, આશા, નિરાશા, ઈર્ષ્યા, ગુસ્સો અને નફરત ઈત્યાદિ લાગણીઓનું પેદા થવું સ્વાભાવિક છે. દરેક જણ એને કુટુંબ અને સમાજમાં અજાણપણે મળેલી તાલીમ દ્વારા પોતાના આ જુદા જુદા મનોભાવો વ્યક્ત કરે છે. બાળકના મનમાં પણ ગુસ્સો ચઢે એમાં કશું અજુગતું નથી. એ કંટાળે, થાકે કે એનું ધારેલું કશું ન થાય ત્યારે એના મનમાં ગુસ્સાની લાગણી થઈ આવે છે. જે કારણસર મોટેરાઓને ગુસ્સો ચઢે એ જ કારણોથી બાળકોને પણ ગુસ્સાની લાગણી થઈ આવે છે. ચિડાયેલું બાળક “મમ્મી, તું મને નથી ગમતી” એમ બોલે તો પણ માબાપે ચિંતા કરવાની જરૂર નથી.

ગુસ્સો કરવો ખરાબ છે એવું આપણને અવારનવાર શીખવવામાં આવે છે. પણ એ બરાબર નથી. ગુસ્સે થનાર વ્યક્તિને પણ આપણે વખોડી કાઢીએ તે યોગ્ય નથી. ગુસ્સો વ્યક્તિના મનની અકળામણ વ્ચકત કરે છે. બાળક પણ અકળાય એટલે છણકો કરી બેસે. એને લીધે એ ખરાબ બની જતું નથી. માત્ર ગુસ્સા કે છણકાનો પોતાની નાદુરસ્ત માગણી કે જરૂરિયાત પૂરી કરવા માટે એ અવારનવાર ઉપયોગ કરવા લાગે તે રોકવું જરૂરી છે. ગુસ્સો આપણને અમુક પ્રકારની વિપરીત પરિસ્થિતિમાં ટકી રહેવા માટે ઉપયોગી છે. જેમ સાપ ફૂંફાડો ન મારે તો એને મારનારથી એ પોતાનું રક્ષણ ન કરી શકે તેમ વખત આવે સામેની વ્યક્તિ પર પોતાનો દાબ બેસાડવા માટેે ગુસ્સો અથવા તેનો અભિનય કરવો જરૂરી છે. ફરક એટલો જ છે કે માબાપ અને ઘરનાં વડીલો વિકસતાં બાળકો પર ગુસ્સાની અભિવ્યક્તિનું નાદુરસ્ત ઉદાહરણ બેસાડતાં હોય છે. આપણે પોતે ગુસ્સામાં ચીજવસ્તુઓ ફેંકીએ, મોટે મોટેથી ચીસો પાડવા લાગીએ, અપશબ્દો બોલીએ અને સામેની વ્યક્તિને ગમે તેમ ઉતારી પાડીએ તો બાળક પણ આવું જોઈને આમ જ કરતા શીખે એમાં શી નવાઈ? બાળકને સ્વસ્થ રીતે ગુસ્સો કરતા શીખવવાની જવાબદારી માતાપિતા, કુટુંબના અન્ય વડીલો અને શાળાના શિક્ષકોની છે. જો બાળપણમાં એને આની તાલીમ ન મળે તો મોટપણે એને એનાં માઠાં પરિણામો ભોગવવાં પડે.

ગુસ્સાને નાથવા કે સ્વસ્થ રીતે વ્યક્ત કરતાં શીખવા માટે સૌપ્રથમ એનું કારણ જાણવું જરૂરી છે. જ્યારે પરિસ્થિતિ અકળામણ પેદા કરનારી નીવડે, આપણું ધારેલું ન થાય ત્યારે મનમાં થતી વિફળતાની લાગણી અથવા મનોમન લાચારીનો ભાવ અનુવાય ત્યારે એના પગલે મનમાં ગુસ્સો જન્મે. ગુસ્સો કરનાર વ્યક્તિ પોતાના મનમાં એક પ્રકારનો સંઘર્ષ કરવા લાગે છે. બીજી બાજુ ગુસ્સાની લાગણી ઘણી બળવાન હોવાને કારણે વ્યક્તિ તેને પોતાના મનમાં સમાવી શકતી નથી. પરિણામે ગુસ્સો એનાં વાણી, વર્તન અને વ્યવહાર પર સવાર થઈ જાય છે. માટે એ ગુસ્સાની લાગણીમાં અણછાજતું વર્તન કરી બેસે છે. આ જ સ્થિતિ ગુસ્સો કરનાર બાળકની પણ હોય છે. તફાવત એટલો જ છે કે મોટી વ્યક્તિ ઇચ્છે તો પોતાના મનમાં પેદા થયેલા ઘર્ષણને સમજી શકે છે, જ્યારે બાળકનું લાગણીતંત્ર હજુ ઘડાઈ રહ્યું હોવાથી એને માટે પોતાના ગુસ્સાનું કારણ સમજવું મુશ્કેલ છે. માટે બાળક જ્યારે અકળાય અને ગુસ્સો કરવા લાગે ત્યારે એને સાંખી લેવાની અને એના ગુસ્સાને ધીમે રહીને અન્ય માર્ગે વાળી લેવાની જવાબદારી એનાં માબાપની બને છે.

બાળકના ગુસ્સા અને આક્રમકતાનાં ઘણાં કારણો એના વાતાવરણમાં સમાયેલાં હોય છે. જેમ કે, માબાપની અતિશય અપેક્ષાઓ, સ્કૂલના લાંબા કલાકો, અભ્યાસની વધુ પડતી માંગ, માબાપ અતિવ્યસ્ત રહેતાં હોય અને બાળકને પૂરતો સમય ન આપી શકતાં હોય, કુટુંબમાં બીજા બાળકનો જન્મ થયો હોય અને પહેલા બાળકને એમાં પોતાનો પ્રતિસ્પર્ધી દેખાવા લાગ્યો હોય, બાળકને માબાપે ઘડી આપેલા સમયપત્રક અને સ્કૂલે ઊભા કરેલા હોમવર્ક અને એસાઈન્ટમેન્ટ વગેરેનાં દબાણો વચ્ચે એની દિનચર્યા અસ્તવ્યસ્ત થઈ ગઈ હોય અને એના આહાર—આરામ—મનોરંજન—ઊંઘ વગેરેની જરૂરિયાતોની ઉપેક્ષા થતી હોય, એની ઇચ્છાઓ પૂરી ન થતી હોય, એને ટી.વી. જોવાની કે રમવા જવાની ઇચ્છા હોય અને માબાપ એને એમ કરતાં અટકાવે તો એ અકળાવાનું જ.

જો કે એનો અર્થ એવો નથી કે એની બધી માગણીઓ પૂરી કરવી જોઈએ. બાળકને માતાપિતાની “ના” સાંભળવાની પણ આદત પાડવી જરૂરી છે. પોતાના વર્તન પર એણે કાબૂ રાખતાં પણ શીખવું જરૂરી છે. સાથે પોતાના ગુસ્સા કે અકળામણને વ્યક્ત કરવા માટે એણે સ્વસ્થ રીતભાતો પણ શીખવી પડે. ગુસ્સામાં ઘાંટા ન પડાય. ચીજવસ્તુનું નુકસાન ન કરાય. કોઈના પર હાથ ન ઉગામાય. જમીન પર આળોટીને કપડાં ખરાબ ન કરાય કે નાટકિયું દૃશ્ય ઊભું ન કરાય. પ્રત્યેક સારી કે માઠી લાગણીને વ્યકત કરવાની આચારસંહિતા એને એના કુટુંબ પાસેથી શીખવા મળે છે. પરિણામે એનાં માબાપે પહેલાં તો પોતે જ પોતાનાં વર્તન—વ્યવહાર પર સંયમ રાખતાં શીખવું જોઈશે. માબાપના નાદુરસ્ત વર્તનનું અનુકરણ કરીને જ બાળકનું વ્યક્તિત્વ ઘડતર થતું હોય છે.

ક્યારેક બાળકનો ગુસ્સો એના વ્યક્તિત્વને આભારી હોય છે. બાળક—બાળકનું વ્યક્તિત્વ ભિન્ન રહેવાનું. એક જ કુટુંબમાં ઊછરી રહેલાં બે બાળકોના સ્વભાવમાં આપણને સરખાપણું જોવા નહીં મળે. એક બાળક શાંત હોય, તો બીજું ઉત્પાતિયું અને આક્રમક. આ સંજોગોમાં બાળકના વ્યક્તિત્વને પારખીને પણ માબાપે પોતાનો એની સાથેનો વ્યવહાર નક્કી કરવો જરૂરી બની શકે છે. આક્રમક સ્વભાવના બાળકને ઊંચા અવાજે દબાવવા જતાં એ કદાચ વધારે ઊછળે અને તોફાને ચઢી જાય એવું બની શકે છે. આ સંજોગોમાં માબાપે એના વર્તનની ઉપેક્ષા કરવી જરૂરી બને છે. એમણે તોફાને ચઢેલા કે આક્રમક બનેલા બાળકને પડતું મૂકીને એ સ્થાન છોડી દૂર થઈ જવું જોઈએ. જો આ સંજોગોમાં બાળક પોતાને, અન્ય કોઈને કે આસપાસની કોઈ ચીજવસ્તુને ઈજા કે નુકસાન ન કરી બેસે તેનું દૂર રહ્યે ધ્યાન રાખવું પણ જરૂરી બનશે.

બાળક ગુસ્સો કે અકળામણ વ્યક્ત કરે ત્યારે એની સાથે ઝાઝો વાદ કરવાનો મતલબ નથી. ઉપર જણાવ્યું તેમ એને એ જ સ્થિતિમાં છોડી દઈને તે સ્થાનેથી ખસી જવામાં જ શાણપણ છે. વખત વીતે એનું વર્તન શાંત પડે પછી એને શિખામણના બે શબ્દો કહેવા વધારે હિતાવહ છે. આ દરમિયાન માબાપના પોતાના અવાજનો સૂર સ્વસ્થ રહેવો જરૂરી છે. બાળક પર હાથ ન ઉગામવો. એને રૂમમાં કે બાથરૂમમાં પૂરી દઈએ તે બરાબર નથી. માત્ર એને પ્રતીકાત્મક સજા કરી શકાય. જેમ કે, એને એ દિવસ પૂરતું એની મનગમતી ચીજવસ્તુ કે પ્રવૃત્તિથી વંચિત રાખી શકાય છે. બાળક ગુસ્સામાં હોય ત્યારે કે ગુસ્સાના આવેગમાંથી બહાર આવી જાય પછી માબાપે એના પરના પોતાના વહાલને ઓછું ન થવા દેવું. ગુસ્સાવાળું સંતાન એમને અણગમતું ન બનવું જોઈએ. બાળકના ગુસ્સાને કે એના અણછાજતા વર્તનને દંડવું જોઈએ, બાળકને તિરસ્કાર કે સજા કરવાથી કામ નહીં ચાલે.

સરવાળે બાળકનો ગુસ્સો કે અકળામણ માબાપને એના વર્તન અને મનોભાવને સમજવામાં મદદરૂપ થઈ શકે છે.