૨૭ જુલાઈ ૨૦૧૫… આપણા વચ્ચેથી એક સિતારાએ વિદાય લીધી. જી હા, એ આપણા સૌના લાડીલા, સ્વપ્નદ્રષ્ટા અને કર્મનિષ્ઠ એવા ડૉ.કલામ સાહેબ…

એમના મૃત્યુ પછી રાષ્ટ્રના બધા લોકો દર વર્ષે એમને ખોબલા ભરીને શ્રદ્ધાંજલી આપે છે… પરંતુ સાચા અર્થમાં આપણે એમણે આપેલી રાહ, તેમનાં સપનાં કે પછી રાષ્ટ્રના ઉત્થાન અને ઉત્કર્ષ માટે કરેલા પ્રયત્નોને વળગી રહીએ છીએ ખરા? આ સવાલ મનમાં થયો અને વિચાર આવ્યો કે આ માટે આપણે શું કરવું જોઈએ, કે જેથી વર્તમાન ભવિષ્યની બંને પેઢીઓ એક નૂતન ભારતની ભાગીદાર બની શકે… કલામ સાહેબ બુદ્ધિ, ખંત અને મહેનતથી જ દેશના સર્વોચ્ચ સ્થાન પર પહોંચેલા… બાળપણથી જ તેઓમાં રહેલા આત્મવિશ્વાસ અને જીજ્ઞાસુ મને તેમને “મિસાઈલ મેન” બનાવ્યા… તેઓના દરેક વિચારોમાં, સિદ્ધાંતોમાં અને શ્વાસે શ્વાસે શિક્ષક જ ઉભરાતો હતો.. આપણે આપણી આસપાસ નજર કરીએ તો આવા કેટલાય ઉમદા અને સાચુકલા શિક્ષકો નજરે પડે છે. સાચુકલુ શિક્ષકત્વ ડિગ્રીથી મેળવી શકાતું નથી એ હકીકત છે. દરેક શિક્ષકે સપનાં જોવાં અને બીજાંને જોતાં કરવાં તે તેમનું સાચું શિક્ષકત્વ છે.

આપણા દેશમાં અડઘી વસ્તી યુવા ધન છે. આ યુવાનોને સપનાં જોતાં કરવાં તે શિક્ષકની પહેલી ફરજ છે. આજના યુવાનો જ્ઞાનને ઉંડાણથી મેળવી, બરાબર પચાવી શકે અને તે જ્ઞાન બીજા અનેક લોકો સુધી પહોંચાડી શકે, આ કાર્ય એક શિક્ષક જ ધૈર્ય અને ધગશથી કરી શકે તેમાં બેમત નથી. પણ હા, એ ચોક્કસ કે આ શિક્ષક દાદા—દાદી, નાના—નાની કે પરિવારની અન્ય કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. આ શિક્ષક માતા—પિતા કે પછી કોઈ મજુર, સુથાર કે મોચી પણ હોઈ શકે. વ્યક્તિની જ્ઞાન મેળવવાની ભૂખને ભાળીને તેને સાકાર કરવા શિક્ષકની કટીબધ્ધતા જ પૂરતી છે. દરેક વિદ્યાર્થી શિક્ષકના પડછાયા જેવો હોય છે. જીવન ઘડતરમાં કંઈ કેટલાય પ્રશ્નો વિદ્યાર્થીને સતાવતા હોય છે… તેના સરળ જવાબો અને ઉપાયો શિક્ષકો પાસેથી મળી શકે ખરા… સમાજમાં જવાબદારીપૂવર્કની સમજદારી અને જાગૃતિ આ શિક્ષકો દ્વારા જ આવી શકે તે નક્કી છે.

લાખો બાળકોમાં અને યુવાનોમાં વિજ્ઞાન અને તેની નવી—નવી ખોજ, વિજ્ઞાન પ્રત્યે રસ—રુચિ જગાડનાર કલામ સાહેબ કહેતા કે સપનાં જોવાં અને જોતાં કરવાં તે આજના શિક્ષકનું ધ્યેય હોવું જોઈએ.

વ્યક્તિનું હોય કે દેશનું, ચારિત્ર ઘડતર એક દિવસમાં ઘડાતું નથી. તે માટે હજારો લોકોનો સહિયારો પ્રયાસ જોઈએ. આ વિચારો પણ કલામ સાહેબના જ છે. આજના યુવાનો અવાસ્તવિક સાધનો (Virtual technology) નો યોગ્ય રીતે ઉપયોગ કરીને દેશને અવ્વલ બનાવી શકે છે. બાળપણથી જ માતા — પિતા અને શિક્ષકોએ આ માટે બાળકોમાં ઉમદા સપનાઓને ખુલ્લી આંખે સાકાર કરવા માટેની એકાગ્રતા અને ઉત્સાહ આપવા જ જોઈએ. બાળપણથી જ વાંચનની પ્રબળ ભૂખ ધરાવતા કલામ સાહેબનો આ ગુણ અપનાવવા જેવો જરૂર છે.

આજે આ વિચારોને કળતા સમયે આપણને એક વાત્સલ્ય—મૂર્તિ, માયાળુ, બાળકોને ચાહનાર અને બાળકોને પણ અતિ પ્રિય એવા શ્રી ગિજુભાઈને યાદ કરવાનું મન થાય છે. આ બંનેના વિચારોને સમકક્ષ ગણાવી શકાય. તેઓએ પણ હંમેશાં બાળકો વિશે જ વિચાર્યું, બાળકો સાથે જ રહ્યા અને જીવન પર્યન્ત કંઈક જુદું અને નવું નવું કરતા રહ્યા. દરેક બાળક ખાસ છે. તે જેવું છે તેવું જ તેને સ્વીકારીને પ્રેમ કરતા રહ્યા. આ સાચુકલા શિક્ષક…

જીવન—પર્યન્ત કશીક ખોજ કરતો રહે તે સાચુકલો શિક્ષક.. અપાર શક્તિ સાથે જન્મેલા દરેક બાળકમાં આત્મ—વિશ્વાસનો સંચય કરે તે સાચુકલો શિક્ષક.. સપનાઓ જોતાં કરવાં અને તેને સાકાર કરવા પ્રયત્નોથી પાંખો આપે તે સાચુકલો શિક્ષક… દરેક સમસ્યાને હિંમતપૂર્વક સામનો કરવાનું બળ આપે તે સાચુકલો શિક્ષક… શિક્ષકે તો વિચારો જ મૂકવાના છે. દરેક બાળક તે વિચારોને આપોઆપ પાંખો આપતું જ રહેશે, કારણ કે, દરેક વ્યક્તિ પોતાનો જ સાચુકલો શિક્ષક છે.

આ બંને ઉમદા વ્યક્તિઓના વિચારોને જીવંત રાખી બાળકોમાં વહેતા મૂકીશું તો આપણે તેઓને આપણી આસપાસ હંમેશ અનુભવીશું.