થોડા સમય પહેલાં ચીનમાં બનેલી એક ઘટનાએ બાળકોના સ્વાસ્થ્યને લગતા એક મુદ્દા તરફ સૌનું ધ્યાન દોર્યું. ચીનમાં એક શહેરની શાળાનાં લગભગ ૧૩ જેટલાં બાળકો પેન્સિલ ચાવવાથી બીમાર પડયાં હતાં. આ બાળકોમાં ઘણા સમયથી પેન્સિલ ચાવવાની તથા ચૂસવાની આદત પડેલી હતી, જેથી પેન્સિલની બનાવટમાં વપરાતી લેડ (સીસા) ધાતુની માત્રા ધીમે ધીમે તેમના શરીર (લોહી)માં વધતી ગઈ અને અંતે તેઓ બીમાર પડયાં. ભારતનાં વિકસિત શહેરોની શાળાઓમાં થયેલા પરીક્ષણમાં આવાં ઘણાં બાળકો મળી આવ્યાં છે કે જેમનામાં પેન, પેન્સિલ, ચોક જેવી ઘણી અખાદ્ય સ્ટેશનરી વસ્તુઓ ચાવવાની આદત જોવા મળી આવી છે. જો બાળકોમાં આ મુજબ અખાદ્ય વસ્તુઓ ખાવાની આદતને ૧ મહિનાથી વધુ સમય થઈ ગયો હોય તો મેડિકલ સાયન્સમાં તેને “પાઈકા સિન્ડ્રોમ” કહેવાય છે.

માનસિક સ્વાસ્થ્ય અંગેના પુસ્તક DSV -IV -TR (2૦૦૦)માં પાઈકા સિન્ડ્રોમને Feeding & eating disorders of infancy and early childhood કહેવામાં આવ્યું છે. આ પુસ્તક મુજબ બાળકમાં અખાદ્ય વસ્તુને મોઢામાં લેવાનું, ચાવવાનું અથવા ખાઈ જવાનું વર્તન જો વારંવાર એક મહિના સુધી જોવા મળે તો જ તેને પાઈકા સિન્ડ્રોમ થયેલ છે તેમ માનવું.

આ સિન્ડ્રોમમાં બાળકો નીચે મુજબ અખાદ્ય પદાર્થો વારંવાર ખાતાં જોવા મળે છેઃ

પેન્સિલ, પેન, ચોક, પેપર, પેઈન્ટ (કલર), માટી, રેતી, ઈંટ, પથ્થર, પ્લાસ્ટર, બટન, લોખંડની પિન, નખ અને તેની આસપાસની ચામડી, સાબુ, ટૂથપેસ્ટ.

પાઈકા સિન્ડ્રોમ બાળકોમાં ૨ થી ૩ વર્ષની ઉંમરમાં શરૂ થાય છે. આ ઉંમરમાં બાળકો કુતૂહલ અને જડબાની ઉત્તેજનાને લીધે કોઈપણ વસ્તુ મોઢામાં મૂકવાનું શરૂ કરે છે અને તેમને સમય પર રોકવામાં ન આવે તો આગળ જતાં આ વર્તન ટેવમાં પરિણમે છે. બાળરોગ વિશેષજ્ઞ ડૉ. સંગીતા માનેના મત મુજબ, “આજકાલ બાળકોમાં ચોક, પેન્સિલ જેવી વસ્તુઓ ચાવવાની આદત બહુ સામાન્ય થઈ ગઈ છે. તણાવની સ્થિતિમાં જીવતાં બાળકોને એ ધ્યાન પણ નથી રહેતું કે તેમના હાથમાં રહેલો પેન, પેન્સિલ ક્યારે તેમના મુખમાં મુકાઈ ગઈ. બાળકોમાં સમય જતાં આ આદત નખ અને તેની આસપાસની ચામડીને ચાવવાની આદતમાં પણ પરિણમે છે, જે પછી જીવનભરની ટેવ થઈ જતી હોય છે.”

પાઈકા સિન્ડ્રોમ થવાનાં કારણો

  • બાળકોમાં થયેલા અભ્યાસ (સંશોધન)ના તારણ મુજબ ૨૫—૩૩% પાઈકા સિન્ડ્રોમ ૨—૩ વર્ષનાં બાળકોમાં અને ૧૦—૩૨% પાઈકા સિન્ડ્રોમ ૧—૬ વર્ષનાં બાળકોમાં જોવા મળે છે. આ સિન્ડ્રોમ માટે જવાબદાર કારણો નીચે મુજબ છે.
  • પોષક તત્ત્વોની    (Nutritional deficiency) પોષક તત્ત્વો ખાસ કરીને ખનીજ તત્ત્વો જેવાં કે આયર્ન અને ઝિન્ક તત્ત્વોની ઊણપ ધરાવતાં બાળકોમાં માટી, ચોક ખાવાની આદત જોવા મળે છે.
  • આંતરડાની શોથપ્રક્રિયા અને પેટમાં કૃમિ હોવા (Celiac disease or hook warm infestation)
  • માનસિક તણાવ હેઠળ જીવતું બાળક : જે બાળક માતૃપ્રેમથી વંચિત રહ્યું હોય, માતાપિતા અને કુટુંબના પ્રેમ અને ધ્યાનથી ઉપેક્ષિત હોય તેમજ કલહયુક્ત કૌટુંબિક વાતાવરણમાં જીવતું હોય તેવું બાળક સતત માનસિક તાણ અનુભવે છે. આવું બાળક પોતાના મગજને પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવાના હેતુથી અખાદ્ય પદાર્થ ખાવાનું વર્તન શરૂ કરે છે.
  • ગરીબી અને ભૂખમરાની પરિસ્થિતિ (Low economical status)
  • માનસિક વિકૃતિ (Mental retardation) અને ઑટિઝમથી પીડાતાં બાળકો : આવાં બાળકોને ખાદ્ય અને અખાદ્ય પદાર્થો વચ્ચેના તફાવતની સમજ ન હોવાથી તેઓ પાઈકા સિન્ડ્રોમનો ભોગ બને છે.
  • સ્કિઝોફ્રેનિયા (Schizophrenia) જેવા માનસિક રોગથી પીડાતાં બાળકો
  • મગજમાં ડોપામિન રસાયણની ઊણપ હોવી.

અખાદ્ય વસ્તુઓ ચાવવાથી થતી સ્વાસ્થ્ય હાનિઓ

ગંદી માટી, ચોક, પેન્સિલ, પ્લાસ્ટર, સાબુ, ઈંટ જેવા અખાદ્ય પદાર્થોથી પેટમાં ચેપ થઈ શકે, શ્વસનતંત્રની તકલીફ, કિડનીની તકલીફ થઈ શકે છે. પેન્સિલ ચાવવાથી તેમાં રહેલું સીસું પેટમાં જવાથી લેડ પોઈઝ્નિંગ થાય છે જેની અસર હેઠળ મગજને હાનિ પહોંચે છે અને બાળકોમાં ભણવાની અને નવું શીખવાની (Learning disability) સર્જાય છે.

  • પેન્સિલ, પિન, બટન, પેન વગેરે સતત ચાવવાથી દાંત પર દબાણ સર્જાય છે અને તેનાથી દાંતની માંસ—પેશી અને તેની સાથે સંકળાયેલાં જડબાનાં હાડકાં પર હાનિકારક અસર વર્તાય છે.
  • કેટલીક કઠણ વસ્તુઓ જેમ કે પથ્થર, રેતી, ઈંટ, બટન, લોખંડની પિન વગેરે મોઢામાં લેવાથી શ્વાસનળી અને અન્નનળી રુંધાઈ શકે છે તેમજ તેમને હાનિ પણ પહોંચી શકે છે.
  • નખ ચાવવાથી જંતુઓ પેટમાં જઈ ચેપ પેદા કરી શકે છે. આ ઉપરાંત નખના ટુકડા શ્વાસનળી કે અન્નનળીમાં ફસાઈ જતાં તેમનામાં ઘા થઈ શકે છે.
  • અખાદ્ય પદાર્થો ખાતા રહેવાથી ખાદ્ય, પોષક તત્ત્વોયુક્ત ખોરાક ખાવાની માત્રા ઓછી થઈ જાય છે જેથી બાળકમાં પોષક તત્ત્વોની ઊણપ સર્જાય છે.

પાઈકા સિન્ડ્રોમને અટકાવવાના ઉપાયો

  • બાળક અખાદ્ય પદાર્થને મોઢામાં મૂકવાની શરૂઆત કરે ત્યારથી જ તેને સમજાવીને રોકવાથી આ સિન્ડ્રોમ થતો અટકાવી શકાય છે. આ માટેના ઉપાયો નીચે મુજબ છેઃ
  • બાળકોને તાર્કિક કારણો અને ઉદાહરણો આપીને અખાદ્ય વસ્તુઓ મોઢામાં લેવાથી અને ખાવાથી થતી સ્વાસ્થ્ય હાનિઓ અંગે સમજાવવું. કેવી અને કઈ વસ્તુઓને અખાદ્ય સમજવી તે અંગેની માહિતી પૂરી પાડવી.
  • ઘરમાં જે પણ આવી અખાદ્ય વસ્તુઓ હોય જે બાળકના હાથમાં સરળતાથી આવી જાય તેને ઘરની બહાર ફેંકી દેવી અથવા તો બાળકની પહોંચથી દૂર ડબ્બામાં બંધ કરી મૂકી દેવી.
  • બાળકમાં ખનીજ તત્ત્વોની ઊણપ હોય, આંતરડામાં તકલીફ હોય, પેટમાં કૃમિ થયા હોય તો ડૉક્ટરની મદદ લઈ તેનું નિરાકરણ કરવું.
  • માનસિક તાણ હેઠળ જીવતાં બાળકોને માતા—પિતાએ પૂરતો સમય ફાળવી આપવો. બાળક સાથે સમય વીતાવવો અને તેના મનની વાતો તેની પાસેથી સાંભળવી. બાળકને આનંદભર્યું ઘરનું વાતાવરણ પૂરું પાડવું.
  • ૨ — ૩ વર્ષના બાળક પર સજાગ થઈને ધ્યાન આપવું. બાળક કંઈ પણ મુખમાં મૂકે તો તેની પાસે ધીમેથી પદાર્થ લઈ લેવો. જો બાળક જીદે ચડે, રડે અને કહ્યું ન માને તો કોઈ વિશેષજ્ઞ ડૉક્ટર અથવા ચાઈલ્ડ કાઉન્સેલરની મદદ લઈ શકાય. જરૂર પડે તો ડેન્ટિસ્ટને મળીને બાળક માટે “માઉથગાર્ડ” પણ બનાવી શકાય.
  • બાળકને વારંવાર નખ, પેન્સિલ, પેન ચાવવાની ઇચ્છા થઈ જતી હોય તો તેના બદલામાં ખાદ્ય પદાર્થો આપતા રહેવાથી બાળક અખાદ્ય પદાર્થો ચાવવાથી દૂર રહેશે.