બાળઉછેર એ માતા—પિતાની સહિયારી જવાબદારી છે. ધીરજ અને શાંતિપૂર્વક થતી સહિયારી સાધના છે. અને એટલે જ બાળઉછેર માટે જરૂરી છે પતિ—પત્ની વચ્ચે એકરાગિતાની. બાળકના જન્મ પહેલાંથી જ જો બાળઉછેરની સમજ પતિ અને પત્ની કેળવશે તો આ અંગે બંનેની સમજ સરસ રીતે ખીલશે. પરસ્પર પ્રેમનો વિકાસ પણ એકરાગિતાને સુપેરે ખીલવે છે.

એકરાગિતા એટલે સહમતિ. પતિ—પત્નીના બાળઉછેર વિશેના સમાન વિચાર, સમાન સમજ અને સમાન વ્યવહાર દ્ધારા બાળકનો ઉછેર સરસ અને સહજ થાય છે

કેટલાક એવું માને છે કે, જે રીતે બાળકનો જન્મ કુદરતી છે એ રીતે બાળક કુદરતી રીતે ઊછરી પણ જાય. એમાં વિશેષ શું કરવાનું હોય? પણ જ્યારે બાળકોના વર્તનના વિવિધ પ્રશ્નો જેવા કે, બાળક જિદ્દી થઈ ગયું છે, એના સ્વભાવમાં ચીડિયાપણું આવી ગયું છે, કોઈનું માનતું નથી, પોતાનું જ ધાર્યું કરે છે, તોફાની બની ગયું છે કે પછી સૂનમૂન બેસી રહે છે. આવી કોઈપણ ફરિયાદ બાળક માટે હોય, કે પછી પુખ્તવયની વ્યક્તિઓનાં વિચિત્ર વર્તન—વ્યવહાર જોઈએ, સાંભળીએ ત્યારે એના મૂળમાં બાળ ઉછેરની કેટલીક ભૂલો પકડાતી હોય છે. આ અંગે વિચારતાં બાળકના આવા વ્યવહાર માટે માતા—પિતા કે વાલીના બાળક સાથેના જન્મથી જ થયેલાં વર્તન— વ્યવહારને તપાસવાં જરૂરી બને છે. તે જોતાં સમજાય કે જો આ બાળકનો સમજણપૂર્વક યોગ્ય ઉછેર થયો હોત તો આ સમસ્યા ઊભી જ ન થાત

સમાજના તંદુરસ્ત વિકાસ માટે પણ સમાજમાં રહેલ દરેક વ્યક્તિનો યોગ્ય વિકાસ થાય એ જરૂરી હોઈ બાળઉછેર અંગે માતા—પિતાએ જાગૃત રહેવું એ એમની નૈતિક જવાબદારી છે.

બાળકના યોગ્ય ઉછેર માટે શું શું કરવું જોઈએ, એની સાથે સાથે શું શું ન કરવું એ જાણી લેવાથી બાળકનો ઉછેર સારી રીતે થાય છે. એ દ્વારા એક સારો નાગરિક, એક સારો માણસ આપણે સમાજને આપી શકીએ.

બાળઉછેરની ઓછી સમજ કે બાળક પ્રત્યેના પ્રેમાવેશમાં માતા—પિતા કે વડીલો ક્યારેક અજાણતા જ બાળકને નુકસાન પહોંચાડે છે. બાળકના ઉછેર વખતે શું કરવું કે ન કરવું એ માટેની જાણકારી નુકસાનથી બચાવે છે. જેમ કે,

બાળકને ભરપૂર પ્રેમ કરવો પણ ખોટાં લાડ ન કરવાં.

બાળકને, અયોગ્ય કે કોઈને પણ નુકસાન પહોંચે એવું કામ કરતાં રોકવું જોઈએ પણ યોગ્ય કે ઉપયોગી કામ કરતી વખતે ટોક ટોક ન કરવું.

બાળકને માટે એની સંભાળ રાખનાર વ્યક્તિ જેમ કે માતા, પિતા, દાદા, દાદી માંથી કોઈ એક જે નિર્ણય લે તે બીજાએ માન્ય રાખવો. પરિવારનાં બધાં સભ્યોએ પરસ્પર સન્માન જાળવવું.

આ કે આવી બાળઉછેરની અગત્યની બાબતોને સમજીને અમલમાં મૂકવાથી બાળકનો યોગ્ય વિકાસ સરળ બને છે

કેટલાક પરિવારોમાં માતા—પિતા વચ્ચે કોઈ એક બાબતે બંનેની સંમતિ ન હોય એવું બને કે પછી, જે તે બાબતે બન્નેની સમજ જુદી હોય ત્યારે માતા બાળકને એક રીતે શીખવે કે સમજાવે તો પિતા બીજી રીતે શીખવે કે સમજાવે એવું બને. આમ થતાં બાળક ગૂંચવણ અનુભવે છે. એટલું જ નહીં, ક્યાંક તો… “પપ્પા કહે છે તે યોગ્ય નથી” કે “મમ્મી કહે છે એમ નહીં કરવાનું” આવી વાતો કે સૂચના પણ વારંવાર બાળકને કાને પડે છે. આમ થવાથી બાળક જે તે બાબત પૂરતી આ વાત કે સૂચનાને અમલમાં મૂકવાને બદલે હંમેશાં, દરેક બાબતમાં આ સૂચના યાદ રાખે એવું બને. પરિણામે માતા કે પિતા બેમાંથી એકનું જ માને અથવા બંનેનું ન માને એવું બને. ક્યાંક બાળક ધીમે ધીમે ચાલાક થતું જાય. મમ્મી પાસે હોય ત્યારે મમ્મીને ગમતું કરે, પપ્પા પાસે હોય ત્યારે પપ્પાને ગમતું કરે. તો વળી ક્યારેક બંનેને એક બાજુ મૂકી પોતાના મનનું ધાર્યું જ કરે. આવી પરિસ્થિતિમાં ક્યારેક બાળક સમજણ વગર કે કાચી સમજમાં પોતાના હિતમાં ન હોય એવા નિર્ણયો જાતે લે એવું બને. જે બાળકને માટે નુકસાનકારક નીવડે.

અહીં એકરાગિતાનું ઉદાહરણ આપું…

કિશોરભાઈ આખો દિવસ ઓફિસમાં હોય પણ ઘરે આવ્યા પછી બાળકો સાથે વાતો કરે ત્યારે બાળકોને નવાઈ લાગતી કે પપ્પા અમારી શાળાની કે ઘરમાં બનેલી ઘટનાઓને કેવી રીતે જાણી લે છે? કિશોરભાઈ કહેતાં કે મારી પાસે દૂરબીન છે. પપ્પાનું દૂરબીન એટલે મમ્મી,એ તો બાળકો મોટાં થયાં ત્યારે જ એમને ખબર પડી! કોઈ અણધારી કે મોટી માંગ આવે ત્યારે પણ કિશોરભાઈ કે માયાબેન બાળકોને કહેતાં કે, અમે વાત કરીએ પછી નિર્ણય આપીશું. જો કોઈ વખત તાત્કાલિક નિર્ણય લેવાનો હોય તો જેણે નિર્ણય લીધો હોય એનો નિર્ણય અન્ય માન્ય રાખતાં. આમ, કિશોરભાઈ અને માયાબેનની એકરાગિતાને કારણે બાળકોનો ઉછેર ખૂબ સરસ થયો.

સંયુક્ત પરિવારમાં બાળકનો ઉછેર સારી રીતે થાય છે. દાદા—દાદીનો પ્રેમ અને અનુભવ બાળકોના વિકાસમાં અનોખા પ્રાણ પૂરે છે. પણ સંયુક્ત પરિવારમાં બધાંને બાળઉછેર માટેની સમજણ ન હોય ત્યારે બાળકનાં હિતમાં ન હોય એવાં બાળક સાથેનાં દરેકનાં જુદાં જુદાં વર્તન—વ્યવહાર બાળકના વિકાસને હાનિકારક નીવડે એવું બને છે. એક ના કહે તો બીજા પાસે અને બીજા ના કહે તો ત્રીજા પાસે જઈને પોતાને ગમતું કામ બાળક કરાવી લે કે વસ્તુ મેળવી લે.

પરિવારના દરેક સભ્યને બાળક માટે સ્નેહ તો હોય જ. બાળકને જરૂરી અને પૂરતો પ્રેમ કે વસ્તુઓ આપવાનાં જ હોય પણ બાળઉછેરની સમજણના અભાવથી ક્યાં તો બાળક પ્રત્યેના પ્રેમનો કે વસ્તુઓનો અતિરેક થાય કે પછી બાળક ઉપેક્ષિત થાય. આ બંને પરિસ્થિતિ બાળક માટે નુકસાનકારક નીવડે છે.

જ્યારે બાળક પ્રત્યે વધુ પડતું ધ્યાન અપાય કે પછી પરિવારમાંથી કોઈ બાળકનો હંમેશાં ખોટી રીતે બચાવ કર્યા કરે ત્યારે બાળક તોફાની બને, કોઈને ગાંઠે નહીં, ખોટી જિદ્દ કરે એવું બનતું હોય છે. જેમકે, વિભક્ત કુટુંબમાં માતા સામે પિતા કે પિતા સામે માતા જો હંમેશાં બાળકનો બચાવ કર્યા કરે તો બાળક બગડે છે. એ જ રીતે સંયુક્ત પરિવારમાં માતા—પિતા સામે બાળકને વડીલ દાદા—દાદીનો ખોટો સહારો મળે તો બાળકના સહજ, સરળ વિકાસમાં અડચણો આવે છે

અહીં પણ એક કિસ્સો જોઈએ..

સોહમ બહુ સોહામણો પણ ભણવું ગમે જ નહીં. સાત ધોરણ સુધી તો ચાલ્યું પણ આઠમા ધોરણમાં શહેરની મોટી શાળામાં ભણવા ગયો ત્યારે ખબર પડી કે સોહમને સામાન્ય સરવાળા — બાદબાકીમાં પણ તકલીફ પડે છે! મમ્મી શિક્ષક છતાં સોહમની આ પરિસ્થિતિ? આ પ્રશ્નનો જવાબ સોહમે જ આપ્યો, “મમ્મી ભણવાનું કહે ત્યારે હું દાદા કે દાદીના પડખામાં ભરાઈ જતો. દાદા—દાદી મમ્મીને કહે કે, સોહમને નથી ગમતું તો નહીં કહેવાનું કે, પછી ભણી લેશે. દાદા—દાદી સામે મમ્મી કશું બોલી નહોતી શકતી એટલે મમ્મી કહે તે ન કરવું હોય ત્યારે હું આવું જ કરતો.”

એક સમયે એક વ્યક્તિએ બાળક માટે જે નિર્ણય કર્યો હોય તેને દરેક વ્યક્તિએ માન્ય રાખી વળગી રહેવું જોઈએ. હા, એ નિર્ણયમાં ભૂલ જણાય તો એકાંતમાં એ ભૂલ અંગે ચર્ચા કરી એમાં ફેરફાર કરાવવો જોઈએ પણ બાળકની સામે આવી કોઈ ચર્ચા કરવી નહીં

બાળકને ભરપૂર પ્રેમ આપવો પણ એની ખોટી માંગ પૂરી કરી એને ખોટાં લાડ લડાવવાં નહીં. જરૂર પડયે બાળકને મક્કમતાથી “ના” પણ કહેવી.

“ના” સાંભળવાથી બાળકને બે ઘડી દુઃખ થશે પણ એ “ના” શા માટે પાડી છે એની સમજ આપવાથી બાળક એ “ના” નો સહજ સ્વીકાર કરશે અને જિદ્દી બનતાં અટકશે.

ટૂંકમાં, બાળકના યોગ્ય અને સંતુલિત વિકાસ માટે પરિવારના દરેક સભ્યએ બાળઉછેરની સાચી સમજ મેળવી, જરૂર પડે ત્યારે ચર્ચા કરી, પારસ્પરિક એકરાગિતા ખીલવવી જોઈએ

ચલતે ચલતેઃ સમૂહ ગાનમાં એક સૂર, એક તાલને વળગી રહેવાથી મધુરતા ઉદ્‌ભવે છે એ જ રીતે પરિવારના દરેક સભ્ય વચ્ચે બાળઉછેર અંગેની સમજ અને બાળક પ્રત્યેના પ્રેમમાં એકરાગિતા, બાળકના જીવનમાં મધુરતા ભરી દે છે.