એક ભાઈને ઘરે જવાનું થયું. તેમણે ફલેટમાં નવું જ ફર્નિચર કરાવ્યું હતું. તેમણે બહુ જ ઉમંગથી બધું બતાવ્યું. ખરે જ બધું સરસ હતું. પરંતુ સરંજામે એટલી બધી જગ્યા રોકી લીધી હતી કે ઘરમાં ફરતી વખતે સાચવી સાચવીને ચાલવું પડતું હતું. ઘરમાં સરંજામ મુખ્ય હોય અને વચ્ચેની થોડી ખાલી જગ્યા માણસો માટે હોય તેવું સતત અનુભવાતું હતું.

ઘરમાં સોફા, ટીપોઈ, ડાઈનિંગ ટેબલ, ટી.વી. — ટેઈપનું શોકેસ, બેસવાનાં વધારાનાં સરકતાં ઢબૂકલાં — જગ્યા નહોતી, નહિ તો હજુ બેચાર વસ્તુઓ ગોઠવાઈ ગઈ હોત. બધું આકર્ષક હતું, મોંઘું પણ હતું. પરંતુ ગૂંગળાવનારું હતું. ક્યાંક મોકળાશ કે ખુલ્લાપણાનો અનુભવ ન થાય તેટલી હદે સરંજામનું દબાણ હતું.

આટલી બધી સામગ્રી વસાવી શક્યા એ વાતનો એ ભાઈને ભરપૂર સંતોષ હતો. તેવામાં તેમનો નાનો બાબો ટીપોઈના કાચ પર ચડયો એટલે તેઓ લગભગ બરાડી ઊઠયા, “બાબાને નીચે ઉતારી લો, કાચ ફૂટી જશે.” અમે ચા પીવા બેઠા ત્યાં બાબો ગંદા હાથે સોફા પર ચડી ગયો. અમારી હાજરીને કારણે ગૃહસ્થ કાંઈ બોલ્યા નહિ, પણ હવે તેમનું ધ્યાન અમારી વાતોમાં નહોતું. સોફામાં જ હતું. તેમની આંખો વળીવળીને સોફાને જોતી હતી. આખરે સહન ન થયું ને તેમણે પત્નીને કહ્યું, “બાબો સોફા પરથી પડી જશે, નીચે ઉતારી લો.”

હું જોઈ શક્યો કે તેમનું સૂચન બાળકની કાળજી માટે નહોતું, સોફાની જાળવણી માટે હતું.

આપણે ગૃહસજાવટની સામગ્રી વસાવતી વખતે વિચારીએ છીએ ખરા કે ઘરમાં શિશુ પહેલો કે સરંજામ? કોણ વધુ અગત્યનું? પ્રતિષ્ઠાના ખ્યાલો, દેખાદેખી અને સામગ્રીથી સંતોષ માનવાનાં ખોટાં વલણોથી આપણે સામે છેડે તો પહોંચી જતા નથી ને?

પરંતુ સમજુ માબાપ પણ હોય છે. તેઓ શિશુને મુખ્ય ગણે છે, સરંજામને ગૌણ. એવા એક દંપતીને મળીને તૃપ્તિ થઈ. બંને ઉત્તમ શિક્ષકોનાં સંતાનો હતાં. બંને સમજુ અને સ્વસ્થ. તેમણે વાતવાતમાં કહ્યું કે “અમે નવા ઘરમાં રહેવા ગયાં છીએ, પણ ફર્નિચર ટુકડે—ટુકડે કરાવીએ છીએ. ઘરમાં રહીએ પછી જ સમજાય છે કે ક્યાં કેવા ફર્નિચરની જરૂર છે. દરેક ઘરની અને ઘરમાં રહેનારની પોતાની જરૂરિયાત હોય છે. તે જોઈને જ ફર્નિચર ખરીદવું જોઈએ.”

એમનાં પત્નીએ કહ્યું, “ખુલ્લી જગ્યા વધુ રહે તેવું અને તેટલું ફર્નિચર કામનું. એક કલાત્મક ટીપોઈ મળી તો ખરીદી. અમારી જરૂરિયાત પણ હતી. પણ ટીપોઈ ઉપર કાચ લગાડવાનું અમે નથી કર્યું. બાબો દસ વર્ષનો થાય, (તેમનો બાબો પાંચ વર્ષનો છે) સમજણો થાય પછી જ કાચ જડાવશું. અત્યારે કાચ જડાવીએ તો દિવસમાં દસ—વીસ વખત બાબાને ટોકવો પડે — “ટીપોઈ ઉપર ન ચડ.” ટોકીએ એટલે વધારે ચડે. એનાથી ટીપોઈનો કાચ તો કદાચ સલામત રહે, પણ વારંવાર ટોકવાથી બાબાના મનને કેટલું નુકસાન થાય? બાબાનું બાળપણ ફરી નહિ આવે, કાચ તો ગમે ત્યારે આવી શકશે.”

મારાથી પૂછયા વિના ન રહેવાયું, “મહેમાનો આવે ત્યારે તેમનું ધ્યાન ખેંચાતું હશે કે ટીપોઈ ઉપર કાચ નથી. તમને એનો ભાર લાગે છે?”

યુવાન માતા કહે, “જરાય નહિ. મહેમાન પૂછે તો સાચું કારણ કહીએ છીએ. મહેમાનને સારું લાગે એ માટે અમે બાબાના બાળપણનો ભોગ આપવા નથી ઇચ્છતા.”

મને આ દંપતી માટે આદર થયો. તેમની સમજણ મને સ્પર્શી ગઈ.

મા—બાપ તરીકે આપણે આ ધોરણે ગૃહસુશોભન વિચારીએ તો ઘણી સામગ્રીની બાદબાકી થઈ જાય કે તેના સ્વરૂપ કે કદ વિશે પુનર્‌વિચાર કરવાનું સૂઝે.

મોટાં શહેરોના અને પ્રમાણમાં સુખી ઘરનાં બાળકો આ રીતે વધુ કમનસીબ છે. એક તો શહેરમાં જગ્યા જ સાંકડી હોય. દરેક ફૂટની ગણતરી થતી હોય. ત્યારે આવા સમજુ યુગલ જેવો વિવેક દરેક માબાપમાં હોય તે અત્યંત આવશ્યક છે.

પ્રતિષ્ઠાના ખ્યાલથી આપણે એવી પસંદગી ન કરીએ જેમાં વર્તમાનને સજાવવામાં ભવિષ્યને નુકસાન કરી બેસીએ. આપણા મહાન બાળકેળવણીકાર ગિજુભાઈ બધેકાએ સાચું જ ક્હ્યું છે, “મા—બાપ થવું અઘરું છે.”