‘કેમેય કરીએ પણ અમારા જીમીની કૂતરાઓની બીક છૂટતી જ નથી’, કોઇના છોકરાં ફટાકડાંથી બીએ નહી અને અમારો રાજુ તો ફટાકડાં નામથી થરથર ઘ્રુજવા માંડે, ‘રોશનીને તો ન્હાવાનું નામ લ્યેને રઽવા માંડે વગેરે વગેરે બાળકને જાતજાતની બીક હોવાને લગતા પ્રશ્ન ના હોય તેવા કોઇ વાલી નહીં હોય તે એક નરી હકીકત છે. વળી ‘બાળક બીકણ હોવું ’ તેમાંયે નર બાળક બીકણ હોય તેવું કોઇ પણ વાલીને માનસિક રીતે મંજૂર નથી હોતું. બાળકની બીક ‘ઉડાંવવા’ તેની સાથે વાલીઓ જાતજાતના નુસ્ખાઓ અજમાવે. જેમ કે સમજાવે, ધમકાવે કે એમ બીવાતું હશે ! ’ આવા ઘણા નુસ્ખાઓ બાળકની માનસિક પરિપકવતાને યોગ્ય રીતે ઉછેરવા નથી દેતા અને ઊલ્ટું કયારેક નુકશાન બને છે. બાળપણમાં લાગતી ઘણી બીક ઉંમર સાથે આપોઆપ ગાયબ થઇ જાય પણ જો તેને બરાબર યોગ્ય રીતે હેન્ઽલ ના કરાય તો કાયમી એન્ગ્ઝાઇટીનું સ્વરૂપ પકડી શકે છે. જેમાં બીકની ઓરીજનલ કારણ વસ્તુ બદલાઇ જાય અને અકારણ ‘ચિંતિત’ સ્વભાવ થઇ શકે છે.

બીક અને ચિંતા માણસ જાતના સ્વભાવની મૂળભૂત લાગણીઓ છે, જે તેને મહદઅંશે ઘણી કામ પણ લાગે છે. જેમ કે ઊંચાઇએથી પડી જવાની બીક, ગરમ પાણીમાં કે આગમાં દાઝવાની બીક, ઇલેકટ્રીક વાયરોને અઽવાની બીક વગેરે હોવાથી તેના થકી થતાં નુકશાન નિવારી શકાય. ચિંતાઓ પણ યોગ્ય પ્રમાણમાં હોય તો જ માણસ આગળ આવે અને બરાબર પ્લાનિંગ કરે, બાળકો પરીક્ષામાં વાચે વગેરે જેવા પોઝીટીવ ફાયદાઓ છે જ. પણ આ બંને લાગણીઓ વધુ પઽતી અને અયોગ્ય હોય ત્યારે સામાજિક દૃષ્ટિએ મંજૂરી નથી મેળવતું અને વ્યકિત વિકાસમાં બાધારૂપ બને છે, હાંસીરૂપ બને છે.

બાળકના માનસિક વિકાસમાં અને સમજણની કેળવણીમાં ઊંડે ઊતરીને સમજીએ તો જણાય છે કે આપણે જે સમજીએ છે તેના કરતાં તેના કોન્સેપ્ટ ઘણા જુદા હોય. જેમ કે ડોકટરની ઇન્જેકશનની સોયને બાળકો એક મોટી ઇજા કરનાર શસ્ત્ર માની લ્યે, જેનાથી જાણે તે ફ્ગ્ગાની જેમ ફૂટી જશે ; ફટાકડો ફૂટયા બરાબર લાગવાથી બીજી વાર વાંસની ચમચી ના વાપરતા સ્ટીલની ચમચીનો જ આગ્રહ રાખે. આ પ્રકારની અપરિપકવ વિચારધારા લગભગ મેજીકલ થિંકિંગ હોય છે, જેને માત્ર બોલીને સમજાવવાથી બદલી નથી શકતી. એટલે ડોકટરને ત્યાં ઇન્જેકશનથી ગભરાતા બાળકને એવું સમજાવવાથી કોઇ ફાયદો નહી થાય જેમ કે ‘સોય એકદમ નાની છે. ખાલી કીડી કરઽયા જેવું દુખશે’ ‘તું તો બહાદુર બચ્ચો છે, અરે ! ઇન્જેકશનથી તો કંઇ ગભરાવાતું હશે, ઇન્જેકશન લેશે તો માંદો નહીં પડે વગેરે. પણ આવી વર્બલ સમજણને બદલે બાળકને રમકડા ઢીંગલાઓ પર સોય ઇન્જેકશન મારવા દેવાય અને તે અનુભવે કે તેનાથી કોઇ ભયજનક ઘટના ઘટતી નથી ત્યારે તેની બીક ભાંગી શકે. જો તેને ધમકાવીને રખાય, યોગ્ય રીતે વળાય નહી તો સોય—ઇન્જેકશનની બીક મોટી ઉંમરે પણ રહે છે તેવું સમાજમાં આપણે ઘણી વાર જોઇએ છીએ જ.

નાનપણમાં એક બીજી સૌથી સામાન્ય બીક હોય છે તે સ્નાન અને ટોઇલેટમાં ટબ પર બેસવાની, આંખમાં પાણી કે સાબુ જવાની, નવડાવનારે જોરથી પકઽયું હોય પણ સાઇકોલોજીની દૃષ્ટિએ બાળકના મેજીકલ થીંકિંગમાં એવું પણ ફિટ થઇ ગયું હોય શકે કે તે પાણીથી ‘ધોવાઇ’ જશે કે ફલશમાં ઝાડા સાથે ખેંચાઇ જશે. વળી તેમને ‘સાઇઝ’ (માપ)ના કોન્સેપ્ટ પૂરા ડેવલપ ન થયા હોવાને કારણે આવી કોઇ જગ્યાએ બરાબર ગોઠવાઇ જવાની ભૂમિકામાં ખૂબ બીક લાગી શકે છે. આવું સમજી શકનાર વાલી તેની સાથે એકદમ શાંતિથી વર્તે અને પાણી રેઽવાને બદલે થોડા અઠવાડીયાઓ માત્ર ભીનાં પોતાં ફેરવી કામ ચલાવે તો કામ સરળ બનશે. પછીથી બાળકની બીક આપોઆપ જ, સમજણ આવતાં જતી રહેશે.

બીકની લાગણીનો ઉછેર મા—બાપ, વાલીઓ અને બાળકની આસપાસ નજીકના લોકો (જેના પર તે વિશ્વાસ કરતું હોય) તેના પર ખૂબ નિર્ભર કરે છે. તેમને વર્તતા જોઇ તે પોતાનું વર્તન શીખે છે. મમ્મીને ગરોળી, વાંદા વગેરેથી ખૂબ ગભરાતા જોઇ પોતે પણ એવું શીખશે. આસપાસના લોકો તેની સાથે કેવું વર્તન કરશે તેના પર પણ ઘણો આધાર રહેશે. જેમ કે બાળકને પોતાને એવી ઇચ્છા હોય જે કે તેની ભૂલ પર કોઇ ગુસ્સો ના કરે; તેની કોઇ ઇર્ષા ના કરે; હાંસી ના કરે; તેને એકદમ નાના બાળક જેમ તેડીને ફરે વગેરે આવી ઇચ્છાપૂ્રિર્ત ના થાય અને ધાર્યા કરતા ઊંધું વર્તન મેળવે ત્યારે અમુક ખાસ પ્રકારની બીક ઊભી થાય. જેમ કે શિક્ષકની, મોટા બાળકોની વગેરે. નાની નાની ભૂલોમાં પ્રેમપૂર્વક ક્ષમા ના મેળવતું બાળક દરેક કાર્યમાં આત્મવિશ્વાસ ગુમાવી બીકણ ગભરૂ બનશે જ.

નાનાં બાળકોને ખાસ વસ્તુ કે સ્થિતિની બીક વધુ હોય જેમ કે જાનવરોની, બિહામણા અવાજોની, અજાણ્યાઓની, પડી જવાની વગેરે. પાંચેક વર્ષથી મોટાં બાળકોને કાલ્પનિક ભય વધુ હોય જેમ કે અંધારામાં જાતજાતની બીક, ઽકુ—ગુંડાઓની, મનમાં કલ્પેલાં જાનવર કે ભયાનક માણસોની, એકલાં પડી જવાની કે પોતાની હાંસી ઊઽવાની વગેરે. આવી કાલ્પનિક ભયગ્રંથિમાં ઉમેરો કરે છે ટીવી અને ચલચિત્રો તથા વાર્તાઓ. સાતેક વર્ષથી નાના બાળકને નરી વાસ્તવિકતા અને ટીવી વાર્તાઓની ભયાનક કાલ્પનિકતા વચ્ચે અંતર પાઽતા ના આવડી શકે. એટલે તેમને આવાં માધ્યમો અને વાર્તાઓથી દૂર રાખવાં હિતાવહ છે.

જાનવરો, પાણી, અજાણી વ્યકિત, પોલીસ, ટે્રન—એન્જીન જેવી બીક કાઢવા કયારેક બાળકને જબરદસ્તીથી તેને બિહામણી લાગતી સ્થિતિમાં મૂકી બીક “ઉડાઽવાની’ કોશિશ ના કરવી. વાસ્તવિક સ્થિતિમાં મૂકવા કરતાં આવી સ્થિતિનું નાટક—એકિટંગ રમત કરી બાળકની બીક કાઢવા મદદ કરી શકાય. આની સામે એમ પણ ધ્યાન રાખવું કે બાળકને ‘ઓવર પ્રોટેકેટ’ કરી એકદમ સાચવીને પણ ના રાખવું કારણ કે અતિશય સુરક્ષા પામેલું અને ‘ખૂબ સાચવેલું બાળક બીક જાતે કાઢતા શીખશે નહીં.

કરવા જેવું અને ન કરવા જેવુંઃ

બાળકની બીક કાઢવાની પ્રકિયા લાંબી છે. તે કળા છે. માત્ર શાબ્દિક સમજણ નહીં પણ વાલીઓના શાંત, ધૈર્યપૂર્ણ વર્તન પર ધણું નિર્ભર કરે છે.

બીક ધરાવતા બાળકની તે અંગે કયારેક મજાક—હાંસી ના કરવી; બીક અંગે આરગ્યુમેન્ટ ના કરવી. અકળાઇને ગુસ્સો ના કરવો; બીક જબરદસ્તી ના કાઢવી.

પોતાની બીક વિશે બાળકને વાચા આપવા સમજણપૂર્વક વિશ્વાસ અપાવવો અને બોલવાનો મોકો આપવો; આવા સમયે તેને વધારાનું વ્હાલ, આલિંગનો અને માનસિક સહારાની જરૂર હોય છે.

બાળકોને મનાવવા કે રોકવા બીક બતાવવાનો રસ્તો ના અપનાવવો જેમ કે પોલીસ, બાવા, ડોકટરની બીક

સાતથી દસ વર્ષ કરતાં નાના બાળકોને ભયાનક કાલ્પનિક, બીકવાળા ટીવી પ્રોગામ, ચલચિત્રો, વાર્તાઓથી દૂર રાખવાં.

જો બાળક અત્યંત ગભરાયેલું રહ્યા કરે, ધણી વધારે જાતની (૮—૧૦ થી વધુ) બીકથી પીડાય, વારંવાર ભયાનક સ્વપન આવે અને ઊંઘમાં ચાલવા માંડે એકદમ બી ગયા બાદ તેના વર્તનમાં સમૂળગો ફેરફાર આવી ગયો હોય તો તેને મનોચિકિત્સક ડોકટર પાસે લઇ જવું.