અજય ગરીબ પરિવારમાંથી આવે છે. એણે બહુ મહેનતથી માસ્ટર ડિગ્રી મેળવી છે. એને એક સારી કંપનીમાં જોબ મળે છે. એ મહેનતનાં ફળ રૂપે એને પ્રમોશન મળે છે અને એ જ કંપનીમાં એ સિનિયર મેનેજરની પોસ્ટ પર પહોંચી જાય છે. અજયનાં લગ્ન નિધિ સાથે થાય છે અને એમને ત્યાં સૌમ્યનો જન્મ થાય છે. સોમ્યના જન્મ પછી તરત જ અજય નિધિને કહે છે કે — નાનપણમાં મેં જે તકલીફો જોઇ છે એનો પડછાયો હું મારા દીકરા પર નહીં પડવા દઉં. મને જે નથી મળ્યું એ બધું મારા બાળકને આપીશ.

એ પછી સૌમ્ય જે માંગતો એ બધું જ એને મળી જતું. એ પાણી માંગે તો દૂધ હાજર થઇ જાય એવા વૈભવમાં એનો ઉછેર થયો. રમવા માટે એને ક્રિકેટના એક બેટની જગ્યાએ ૧૧ બેટ મળતાં. સૌમ્ય તરુણાવસ્થાના ઉંબરે પહોંચે છે અને પોતાના પપ્પા પાસે બાઇકની માંગણી કરે છે. પંદર વર્ષના સૌમ્યને એના પપ્પા બાઇક અપાવે છે. નિધિ ના પાડે છે. નવી હાર્લીડેવિડ્સન બાઇક લઇને સૌમ્ય બાઇક પર સ્ટંટ કરે છે. નિધિ સૌમ્ય પાસેથી બાઇકની ચાવી લઇ લેવાનું કહે છે. અજય માનતો નથી. એક દિવસ સૌમ્ય ડ્રિંક્સ લઇને બાઇક ચલાવે છે અને અકસ્માતમાં એને ગંભીર ઇજા થાય છે. સૌમ્ય પોતાની આંખ ગુમાવી દે છે. અજયને બહુ અફસોસ થાય છે કે જો એણે નિધિની વાત માની લીધી હોત અને સૌમ્યને બાઇક ન અપાવી હોત તો દીકરાની આંખ ન ગઇ હોત.

આવાં ઘણાં માતા પિતા છે જે બાળકને કોઇપણ વસ્તુ માટે ના નથી કહી શક્તાં અને બાળકો આવા ગંભીર અકસ્માતનાં ભોગ બની જાય છે. તો ચાલો, વાત કરીએ—એવી એક જાદુઇ રીતની… જેનાથી બાળકને સરળતાથી ના કહી શકાય.

મોટાભાગનાં પેરેન્ટ્સ એવું માને છે કે બાળકને ના કહેવી અઘરી હોય છે. ના કહેવી શરૂઆતમાં અઘરી લાગી શકે —પણ તમારી એક ના બાળકને ઘણુંબધું શીખવી શકે છે.

અસરકારક રીતે ના કહો …

જ્યારે બાળકને ના પાડો ત્યારે ચીસો પાડીને કે ગુસ્સો કરીને ના ન પાડો. પણ ના પાડો . ત્યારે દૃઢપણે ના પાડો. તમારો અવાજ સ્પષ્ટ હોવો જોઇએ. ના પાડતી વખતે બોડી લેંગ્વેજ સંયમિત રાખવી ખૂબ જરૂરી છે. જો ગુસ્સો કરીને કે બૂમો પાડીને ના પાડશો તો બાળક પણ મોટું થઇને એવું જ કરતાં શીખશે. ના પાડતી વખતે બાળકની આંખમાં આંખ નાખીને વાત કરો. ના પાડો ત્યારે એની સામે જોઇને હસવાનું ટાળો.

બાળકને ના પાડો ત્યારે ના પાડવાનું કારણ આપો …

નાનું બાળક જમતાં પહેલાં ચોકલેટ માંગે અને તમે ના પાડો એટલે એ તમારા પર ચિડાય. તમને ક્યારેક ચોકલેટ આપવામાં વાંધો નથી પણ જો બાળક જમતાં પહેલાં એક આખી ડેરી મિલ્ક ખાઇ જાઇ તો એ ઓછું જમશે એટલે તમે ના પાડી રહ્યાં છો એવું ચોક્કસ કારણ આપીને ના પાડવી જોઇએ. ક્યારેક બાળક જીદ કરશે અથવા તો કહેશે કે હું ચોકલેટ ખાધા પછી પણ સરખું ખાઇશ તો પણ જો એક વાર ના પાડી હોય તો એના પર મક્કમ રહો અને ફરીથી એને સમજાવો. થોડા દિવસ પછી બાળકને સાંજે રમવાના સમય પર ચોકલેટ આપો. જેથી એની ઇચ્છા પૂરી થાય અને રાતનો જમવાનો સમય પણ સચવાઇ જાય.

“ના ” પાડયા પછી પણ અયોગ્ય વર્તન કરે તો થોડો ઠપકો અને થોડી સજા પણ આપી શકાય.

બાળક ના ન સ્વીકારે અને પોતાનું જ ધારેલું કરે તો એ સમયે એના અયોગ્ય વર્તન માટે ઠપકો અવશ્ય આપવો અને થોડી સજા પણ આપવી. સજા મતલબ શારીરિક રીતે મારવું એવું નહીં પણ એમને જોઇતી વસ્તુ થોડી મોડી આપવી. ક્યારેક એવું પણ કરી શકાય કે એમને પોતાને જોઇતી વસ્તુ માટે થોડી વધારાની મહેનત કરવા દો. ક્યારેક એવું પણ બને કે તમે વસ્તુ માટે ખોટી રીતે ના પાડી દો ત્યારે બાળક સાચું હોય તો તમારે એને સોરી કહી દેવું જોઇએ.

ના પાડવા માટેની જાદુઇ ડબલ સેન્ડવીચ મેથડઃ

આ એક એવી રીત છે જેમાં તમે બે હા ની વચ્ચે એક જરૂરી ના કહી શકો છો. બાળક તમને ગાર્ડનમાં ફરવા લઇ જવા કહે ત્યારે હા પાડો અને એને લઇ જાવ. એ તમને ત્યાં એની સાથે રમવા કહે ત્યારે પણ હા પાડો અને બે હા ની વચ્ચે જે વસ્તુ તમે એને નથી આપવા માંગતા એ ચોક્ક્સ કારણ સાથે જણાવો અને એની ના પાડો. ના પાડવા માટેની આ સૌથી અસરકારક રીત છે.

ના પાડો ત્યારે પોતે તેનું પાલન કરો.

તમે બાળકને વધારે સમય માટે ટીવી જોવાની કે મોબાઇલમાં ગેમ રમવાની ના પાડો છો તો તમે પણ આ નિયમનું પાલન કરો. આવું કરવાથી બાળક તમારું અનુકરણ કરશે અને એને ના પાડશો તો એ ચિડાશે પણ નહીં. ક્યારેક — ક્યારેક દરેક વસ્તુ સહેલાઇથી મળી જાય તો એની કિંમત બાળકને નથી થતી એટલે એની કિંમત થાય એ માટે પણ એને ના પાડવી જોઇએ. જેથી કોઇ વસ્તુ મેળવવા માટે એ વધારે મહેનત કરે. કોઇ વસ્તુ મહેનત કર્યા પછી મળે એનો આનંદ વધારે થતો હોય છે.