સાંજે પાંચ વાગ્યાની આસપાસ બેલાબહેનને ત્યાં ફોન આવ્યો. તેમની જ સોસાયટીમાં રહેતાં શ્વેતાબહેનનો ફોન હતો. ખાસ એ જ પૂછવા માટે કે ઘરમાં નવરાં બેઠાં હોય તો તેઓ મળવા આવવા માંગતા હતાં.

“ચોક્કસ આવો.” બેલાબહેને ફોન પર આમંત્રણ આપ્યું.

થોડી વારમાં શ્વેતાબહેન તેમની નાની સાત મહિનાની બેબી પમીને લઇને બેલાબહેનને ત્યાં પહોંચી ગયાં. પહેલાં તો થોડી વ્યાવહારિક વાતચીત થઇ અને નાસ્તાપાણી થયાં. ત્યાર પછી ખાસ શા માટે શ્વેતાબહેન આવ્યાં હતાં તે જાણવાનું શરૂ કર્યું. તેમના પાડોશમાં ચાંદનીબહેન રહેવા આવ્યાં હતાં, અને તેથી એક સમસ્યા ઊભી થઇ હતી, અને એ સમસ્યામાંથી કેમ બહાર નીકળવું તેની સલાહ લેવા આવ્યાં હતા.

વાત એમ હતી કે ચાંદનીબહેનનો ચાર વર્ષનો પુત્ર બંટુ જ્યારે પણ તેની મમ્મી સાથે શ્વેતાબહેનને ધેર આવે ત્યારે તો બસ શ્વેતાબહેનનું આવી જ બને. તેમના પતિને બગીચાનો ખૂબ શોખ, પણ બંટુ એક પણ છોઽને છોડે નહી. જે ફૂલ હાથમાં આવે તેને પીંખી નાંખે. કૂંડાંઓ ઊંધાં પાડી નાખે. માટી કાઢી નાખે અને કયારેક તો આખા છોઽને મૂળથી જ ઉખેડી નાખે, ‘કૅલેન્ઽર’ ફાડી નાખે, ઉપાડી ફેંકી દે, રસોડાંમાં જઇ ‘ફ્રિજ’ ખોલી શરબતની બોટલ કાઢી લે અને ‘કારપેટ’ પર ઊંધી વાળી દે. બંટુના આવા તોફનથી કાયમ શ્વેતાબહેનને તેમનાં પતિનો ઠપકો મળતો. પણ એ કરે શું ? તેઓ એક ભણેલાં—ગણેલાં ગૃહિણી હતાં અને મોટા ઉધોગપતિનાં પત્ની હતાં. ચાંદનીબહેન ખુદ અનુસ્નાતક હતાં અને તેમના પતિ પીએચ. ડી થયા હતા. આટલાં ભણેલાં—ગણેલાં ચાંદનીબહેનને કેમ કહેવું કે “તમારો બંટુ અમારા માટે સમસ્યારૂપ છે. તમારી સાથે આવે છે અને તમારી નજર સામે જ અમારા ધરને ખેદાન—મેદાન કરી નાખે છે. છતાંએ તમારું તો રુંવાઽય નથી ફરકતું અને ચૂપચાપ જોયા જ કરો છો.” ઘણી વખત શ્વેતાબહેનના હોઠ સુધી આવાં વાક્યો આવીને રોકાઇ જતાં. ‘ચાંદનીબહેનને ખોટું લાગી જશે તો?’ પણ હવે શ્વેતાબહેનને ખોટું લાગી જશે તો?’ પણ હવે શ્વેતાબહેનની ધીરજ ખૂટતી જતી હતી અને તે બીકને કારણે કે કદાચ ચાંદનીબહેનને કાંઇ માઠું લાગે તેવું કહેવાઇ ન જાય તેથી તેઓ બેલાબહેન પાસે સલાહ લેવા પહોંચી ગયાં હતાં.

વાતવાતમાં જ બેલાબહેને તાગ મેળવી લીધો કે ચાંદનીબહેન વિભકત કુટુંબમાં રહેતાં હતાં છતાં પણ સાસુની ધાક તેમના મન પરથી હટતી ન હોતી. તેમને તે પણ પસંદ નહોતું કે તેમના વ્યસ્ત રહેતા ઉધોગપતિ પતિ રોજ એક વખત તો તેમની માતાને મળવા જાય અને ખાસ્સો એવો સમય તેમની પાસે વિતાવે. તેઓ કેમેય કરીને તેમના પતિને તેમના માતા—પિતાને ત્યાં જતાં રોકી શકતાં નહોતાં. તેમનું આ જ દુઃખ ગાવા તેઓ પાડોશમાં રહેતાં શ્વેતાબહેનને ત્યાં પહોંચી જતાં. તેઓ તેમના સાસુના જુલમની ગાથા ગાવામાં એવાં તો લીન થઇ જતાં કે તેમનો બંટુ શું નુકશાન અને ખંઽન કરવામાં પડી ગયો છે, તેનું તેમને ભાન સુદ્ધાં ન રહેતું . અને બંટુની હંમેશાં એક જ કોશિશ રહેતી કે તેની મમ્મીનું ધ્યાન કોઇપણ પ્રકારે તેના પર પડે. બંટુ કેમ કરીને તેની મમ્મીને સમજાવે કે, “મમ્મી, વાતોમાંથી કયારેક નવરી થા અને મારી તરફ પણ ધ્યાન તો દે ?”.